ભારતીયોના મતે ભ્રષ્ટાચાર રોકવામાં કોંગ્રેસ સરકાર નિષ્ફળ : સર્વે
વૉશિંગ્ટન, 16 એપ્રિલ : મોટાભાગના ભારતીયો ભ્રષ્ટાચારને વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી સમસ્યા ગણે છે અને વર્તમાન સરકાર આ સમસ્યાના ઉકેલમાં નિષ્ફળ ગઇ છે એમ અમેરિકા સર્વક્ષણ કંપની ગેલઅપના સર્વેમાં બહાર આવ્યું છે.
સર્વેક્ષણ અનુસાર લોકસભા ચૂંટણી 2014માં ભ્રષ્ટાચારનો મુદ્દો મુખ્ય મુદ્દો બનશે. ભારતીય યુવકોનું માનવું છે કે મનમોહન સરકાર ભ્રષ્ટાચારને કાબુમાં રાખવામાં નિષ્ફળ ગઇ છે. સોમવારે ગેલઅપ દ્વારા ચૂંટણી પૂર્વે સર્વેક્ષણ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો.
સર્વે અનુસાર ભ્રષ્ટાચાર દુર કરવાના રાજકીય પક્ષોના વચનોની અસર ભારતીય મતદારો ઉપર અને ખાસ કરીને 15 કરોડ યુવા મતદારો ઉપર પડશે. જેઓ પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે.

ભારતમાં 18થી 34 વર્ષની વય વચ્ચેના 75 ટકા યુવાનોએ જણાવ્યુ છે કે ભારતમાં ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. સંસ્થાએ આ સર્વે સપ્ટેમ્બર 2013 થી ઓકટોબર 2013 દરમિયાન કર્યો હતો. તેમાં સંસ્થાએ 3000 લોકોના મત લીધા હતા.
સર્વે અનુસાર ભારતીય યુવાનો ભ્રષ્ટાચાર રોકવાના સરકારના પ્રયાસોથી નાખુશ હતા. 35થી 54 વર્ષની વય વચ્ચેના 76 ટકા અને 55 વર્ષ કે તેથી વધુ વયના 72 ટકા લોકોનો પણ આ જ મત હતો. ઉત્તર ભારતમાં 90 ટકા ભારતીયોએ સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોવાનું જણાવ્યું છે. જયારે દક્ષિણ ભારતમાં આવું માનનારા લોકોનું પ્રમાણ 65 ટકા જેટલું છે.
રસપ્રદ બાબત એ છે કે 2012માં આ જ દક્ષિણ ભારતના 82 ટકા લોકો સરકારમાં ચારેતરફ ભ્રષ્ટાચાર હોવાનું માનતા હતા. પુર્વના રાજયોમાં 50 ટકા લોકો માને છે કે સરકારે ભ્રષ્ટાચાર ડામવાના પ્રયાસો કર્યા છે.
જ્યારે 51 ટકા ભારતીયો માને છે કે કોંગ્રેસના નેતૃત્વ હેઠળ મનમોહન સરકારે ભ્રષ્ટાચાર ડામવા કશું કર્યુ નથી અને તેની કિંમત તેણે ચૂંટણીમાં ચુકવવી પડશે. 18થી 34 વર્ષની વયની શ્રેણીમાં 54 ટકા યુવાનો આવુ માને છે. ચૂંટણીના પરિણામો પર યુવા વર્ગનો ખાસ્સો પ્રભાવ જોવા મળશે. યુવા ભારતીયો ચૂંટણીની પ્રમાણિકતાના તેમના વિચારો અંગે અલગ-અલગ વાત જણાવે છે. 46 ટકા જણાવે છે કે તેમને ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ છે જયારે 43 ટકા લોકો જણાવે છે કે તેમને વિશ્વાસ નથી. વૃધ્ધ ભારતીયોના મતે ચૂંટણી પ્રક્રિયા પ્રમાણિક છે.
ભારતના 40 ટકા યુવાનોને પીએમ તરીકે મનમોહન પસંદ નથી. 45 ટકા દક્ષિણ ભારતના યુવાનોના મતે અર્થતંત્ર નબળું છે. જયારે 65 ટકા ઉત્તર ભારતીય યુવાનોની નજરમાં ભારતીય અર્થતંત્ર બગડી રહ્યું છે.












Click it and Unblock the Notifications
