દિલ્હી ગેંગ રેપ : પોલીસ બે કલાક મોડી આવી હતી; અવિન્દ્ર પ્રતાપ પાંડે

બીજી તરફ શનિવારે ગેંગ રેપના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે એવી શક્યતા છે અને સોમવારે તેમને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સૌપ્રથમવાર ઝી ન્યુઝ સમક્ષ મૌન તોડનાર યુવકે તેની ઓળખ અવિન્દ્ર પ્રતાપ પાંડે તરીકે આપી છે. પોતે વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે એવું તેણે ચેનલને આપેલી એક્સક્લુઝિવ મુલાકાતમાં કહ્યું છે. મૃત પીડિતાનાં બોયફ્રેન્ડનો ઈન્ટરવ્યૂ પ્રસારિત કરીને બળાત્કારનો શિકાર બનેલી યુવતીની ઓળખ જાહેર કરવા બદલ દિલ્હી પોલીસે ઝી ન્યૂઝ સામે કેસ ફાઈલ કર્યો છે.
આ અંગે ઝી ન્યૂઝનું કહેવું છે કે તે છોકરો સામે ચાલીને, સ્વૈચ્છિક રીતે ઈન્ટરવ્યૂ આપવા આવ્યો હતો. દિલ્હી પોલીસના પ્રવક્તા રાજન ભગતનું કહેવું છે કે ઝી ન્યૂઝ સામે વસંત વિહાર પોલીસ સ્ટેશને ઈન્ડિયન પીનલ કોડની કલમ 228-A હેઠળ કેસ નોંધ્યો છે. આ કલમ કોઈ બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરવા પર મનાઈ ફરમાવે છે. એનો ભંગ કરનારને બે વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.
ઝી ટીવીએ કહ્યું છે કે એ અવિન્દ્ર પાંડેના ઈન્ટરવ્યૂવાળી વીડિયો ફિલ્મ જસ્ટિસ જે.એસ. વર્માને સુપરત કરશે જેની રચના સરકારે રેપ-વિરોધી કાયદાને વધારે મજબૂત કરવાના સૂચનો આપવા માટે કરી છે.
તે છોકરાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે બસમાંથી અમને નિર્વસ્ત્ર હાલતમાં નીચે ફેંકી દેવાયા બાદ મારી ફ્રેન્ડ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડી હતી, પણ કોઈએ અમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાની તકલીફ નહોતી લીધી. પોલીસો પણ અમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાને બદલે દૂરની હોસ્પિટલમાં લઈ ગયા હતા. મારી ઘાયલ થયેલી ફ્રેન્ડને મેં મારી જાતે પોલીસની પીસીઆર વાનમાં બેસાડી હતી. પોલીસોએ મને એમાં કોઈ મદદ કરી નહોતી. રસ્તા પરના લોકોમાંથી પણ કોઈ અમારી મદદે આવ્યું નહોતું.
છોકરાએ હોસ્પિટલના સત્તાવાળાઓને પણ દોષી ગણાવ્યા હતા અને કહ્યું કે ત્યાં પણ અમારે ઘણી રાહ જોવી પડી હતી. મારે પહેરવાનાં કપડાં માટે રીતસર આજીજી કરવી પડી હતી. મેં એક અજાણ્યા માણસનો મોબાઈલ લઈને મારાં સગાંઓને જાણ કરી હતી.












Click it and Unblock the Notifications
