માનવતાનુ જ્વલંત ઉદાહરણ, દિલ્લી પોલિસે 1100 અંતિમ સંસ્કારમાં કરી મદદ, દીકરીના લગ્ન પણ રાખ્યા મોકૂફ
દિલ્લીમાં એક પોલિસ ઈન્સ્પેક્ટરે માનવતાનુ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે.
નવી દિલ્લીઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. સતત બીજા દિવસે દૈનિક કેસો 4 લાખથી વધુ સામે આવી રહ્યા છે. હજુ બીજી લહેર શમી નથી ત્યાં લોકોમાં ત્રીજી લહેરનો પણ ડર અને ચિંતા છે. કોરોના મહામારીના સમયમાં જ્યાં એક તરફ લોકો જરૂરી દવાઓ, ઈંજેક્શન અને જરૂરી વસ્તુઓની કાળા બજારી બજારી કરી રહ્યા છે, ખાનગી હોસ્પિટલો પણ નફાખોરી કરી રહી હોવાના સમાચારો સામે આવી રહ્યા છે એવા સમયમાં દિલ્લીમાં એક પોલિસે ઈન્સ્પેક્ટરે માનવતાનુ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે. છેલ્લા 20થી વધુ દિવસોથી 56 વર્ષીય દિલ્લી પોલિસના આસિસટન્ટ સબ ઈન્સ્પેક્ટર(ASI) રાકેશ કુમાર કોવિડ-19 મહામારીના આ કપરા સમયમાં જેનુ દુનિયામાં કોઈ નથી એવા લોકોના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે.

એએસઆઈ રાકેશ કુમારે 13 એપ્રિલથી અત્યાર સુધીમાં 50થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે અને 1100 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કારમાં મદદરૂપ બન્યા છે. હઝરત નિઝામુદ્દીન પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાકેશ કુમારે પોતાની દીકરીના 7મેએ યોજાનાર લગ્ન પણ કોવિડ-19ની પોતાની ફરજના કારણે મોકૂફ રાખી દીધા છે. કુમારે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરીને જણાવ્યુ કે, 'મે આશરે 1100 લોકોને મદદ કરી છે. મે વેક્સીનના બંને ડોઝ લઈ લીધા છે અને હું દરેક પ્રકારની સાવચેતી રાખુ છુ.'
દિલ્લી પોલિસ કમિશ્નર એસએન શ્રીવાસ્તવે પણ રાકેશ કુમારની પ્રશંસા કરીને તેમને કોવિડ સમયમાં રીઅલ હીરો ગણાવ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે રાકેશ ખરા અર્થમાં પ્રશંસા અને પ્રોત્સાહના હકદાર છે. આવા જ લોકો સમાજને આગળ વધારે છે. તેમની પાસેથી સૌએ શીખવુ જોઈએ. તમને જણાવી દઈએ કે ભારતમાં હાલમાં કોરોનાના દૈનિક કેસોમાં ખૂબ જ વધારો સામે આવી રહ્યો છે. દેશમાં આરોગ્ય વ્યવસ્થા કથળી રહી છે એવા સમયમાં રાકેશ કુમાર જેવા કોરોના વૉરિયર્સ કોરોના વાયરસને હરાવવા માટે રાત દિવસ મહેનત કરી મહેનત કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
