• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલીપ કુમાર : સત્યજીત રે કહ્યું હતું આ સૌથી મોટા 'મેથડ ઍક્ટર' છે

દિલીપ કુમાર : સત્યજીત રે કહ્યું હતું આ સૌથી મોટા 'મેથડ ઍક્ટર' છે
By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

1999ની આ વાત છે. પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફના એડીસીએ કહ્યું કે ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો ફોન છે. તેઓ તમારી સાથે તરત વાત કરવા માગે છે.

શરીફ પર ફોન પર આવ્યા તો વાજપેયીએ જણાવ્યું કે એક તરફ તમે લાહોરમાં અમારું ઉમળકાથી સ્વાગત કરી રહ્યા હતા, પરંતુ બીજી બાજુ તમારી સેના કારગિલમાં અમારી જમીન પર કબજો કરી રહી હતી.

નવાઝ શરીફે જવાબ આપ્યો કે તમે જે વાત કરી રહ્યા છો તેનો મને કોઈ ખ્યાલ નથી. તમે મને થોડો સમય આપો, હું મારા સેનાપતિ જનરલ પરવેઝ મુશર્રફ સાથે વાત કરીને પછી તમને ફોન કરું છું.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી ખુરશીદ મહમૂદ કસુરીએ પોતાની આત્મકથા 'નેઇધર અ હૉક નૉર અ ડવ'માં લખ્યું છે, "ફોન પર વાતચીત પૂરી થાય તે પહેલાં જ વાજપેયીએ કહ્યું કે હું ઇચ્છું છું આપ મારી બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે પણ વાત કરો. તેઓ આપણી વાતચીત સાંભળી રહ્યા હતા."

નવાઝ શરીફને ફોન પર હવે જેનો અવાજ સંભળાયો તેને માત્ર તેઓ જ નહીં, સમગ્ર ભારતીય ઉપખંડના લોકો ઓળખી જાય તેવો હતો. એ અવાજ હતો પેઢીઓથી ભારત અને પાકિસ્તાનના ફિલ્મપ્રેમીઓનાં દિલો પર રાજ કરનારા દિલીપકુમારનો.

દિલીપકુમારે કહ્યું, "મિયાં સાહેબ તમારી પાસેથી આવી ઉમેદ નહોતી. તમને કદાચ ખબર નથી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધે છે ત્યારે ભારતીય મુસ્લિમોની હાલત નાજુક થઈ જાય છે. તેમને ઘર બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. સ્થિતિ પર કાબૂ આવે તે માટે કંઈક કરો."


મૌનની ભાષા

દિલીપકુમારે છ દાયકા સુધી ચાલેલી પોતાની ફિલ્મી કારકિર્દીમાં માત્ર 63 ફિલ્મો કરી, પરંતુ તેમણે હિન્દી સિનેમામાં અભિયનની એક નવી જ પરિભાષા આપી.

ખાલસા કૉલેજમાં તેમની સાથે જ ભણનારા રાજ કપૂર પારસી છોકરીઓ સાથે ફ્લર્ટ કરતા, ત્યારે ટાંગામાં એક ખૂણે બેસી રહેનારા શરમાળ દિલીપકુમાર બસ તેમને જોયા જ કરતા.

કોને ત્યારે ખબર હતી કે એક દિવસ આ માણસ ફિલ્મપ્રેમીઓને મૌનની પરિભાષા શીખવશે અને તેમની એક જ નજર બધું જ જણાવી દેનારી હશે. કોઈ ડાયલૉગમાં ના કહી શકાય એવું તેમની આંખો બોલી ઊઠતી હતી.


દિલીપકુમાર પૉઝનું મહત્ત્વ સમજતા હતા

દિલીપકુમાર અને શાયરા બાનુનું પોસ્ટર

દિલીપકુમારે 1944માં ફિલ્મોમાં કરિયરની શરૂઆત કરી ત્યારે પારસી થિયેટરનો પ્રભાવ હતો અને ફિલ્મોમાં પણ અભિનેતાઓ લાઉડ ઍક્ટિંગ કરતા હતા.

જાણીતા વાર્તાકાર સલીમ કહે છે, 'દિલીપકુમારે સૌથી પહેલાં ભૂમિકાને અંડરપ્લે કરવાનું શરૂ કર્યું અને સુક્ષ્મ અભિનયની ખૂબીઓને પડદા પર ઉતારવાનું શરૂ કર્યું. દાખલા તરીકે તેમના પૉઝ અને જાણી સમજીને મૌન રહી જતા હતા તે અદાઓએ દર્શકો પર જોરદાર પ્રભાવ પાડ્યો હતો.'

મુગલે આઝમ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂરનું પાત્ર બહુ પ્રભાવશાળી અને લાઉડ હતું. શહજાદા સલીમની ભૂમિકામાં કોઈ પણ બીજા અભિનેતા હોત તો તેમની સામે વધારે લાઉડ થવાની કોશિશ કરી હોત. પરંતુ દિલીપ કુમારે સમજી વિચારીને અવાજને ઊંચો કર્યા વિના પોતાની મુલાયમ, સુસંસ્કૃત પણ મક્કમ અંદાજમાં ડાયલૉગ રજૂ કર્યા અને દર્શકોની પ્રસંશા મેળવી ગયા.

દિલીપકુમાર, રાજ કપૂર અને દેવાનંદને ભારતીય ફિલ્મજગતની ત્રિમૂર્તિ કહેવામાં આવે છે.

તેમાંથી દિલીપકુમાર અભિયનની બાબતમાં જેટલા બહુમુખી હતા, એટલું વૈવિધ્ય કદાચ બાકીના બે અભિનેતાઓમાં નહોતું.

રાજ કપૂરે ચાર્લી ચૅપ્લીનને આદર્શ માન્યા હતા અને દેવાનંદ ગ્રેગરી પેકના અંદાજમાં સુસંસ્કૃત અદાઓ ધરાવનારા શખસની ઈમેજમાંથી બહાર આવી શક્યા નહોતા.


દિલીપકુમારને ફિલ્મોમાં દેવિકા રાણી લઈ આવ્યાં હતાં

દિલીપકુમારે ગંગા જમના ફિલ્મમાં ગામડીયા તરીકેની ભૂમિકા સારી રીતે ભજવી હતી. તો મુગલે આઝમમાં મુગલ શહજાદા પણ સહજતાથી બન્યા.

દેવિકા રાણી સાથે અચાનક મળવાનું થયું તેના કારણે દિલીપકુમારના જીવનની દિશા બદલાઈ ગઈ.

1940ના દાયકામાં દેવિકારાણી ભારતીય ફિલ્મોમાં મોટું નામ હતાં.

પરંતુ તેમનું વધુ મોટું યોગદાન એ કે તેમણે પેશાવરના ફળના વેપારીના પુત્ર યૂસુફ ખાનને 'દિલીપકુમાર' બનાવ્યા.

હેન્ડસમ યૂસુફ ખાન એક ફિલ્મનું શૂટિંગ જોવા માટે બૉમ્બે ટૉકીઝ ગયા હતા.

દેવિકા રાણીએ તેમને જોઈને પુછ્યું કે ઉર્દૂ આવડે છે?

યૂસુફે હા કહ્યું તો બીજો સવાલ આવ્યો કે અભિનેતા બનવું છે? બસ પછી આગળ જે બન્યું તે ઇતિહાસ થઈ ગયો.


દિલીપકુમાર બનવાની કહાણી

દેવિકા રાણીને લાગ્યું કે રોમૅન્ટિક હીરો તરીકે યૂસુફ ખાન નામ જામશે નહીં.

તે વખતે બૉમ્બે ટૉકીઝમાં કામ કરતા અને બાદમાં હિન્દીના મોટા કવિ બનેલા નરેન્દ્ર શર્માએ ત્રણ નામ સૂચવ્યાં હતાં... જહાંગીર, વાસુદેવ અને દિલીપકુમાર. યૂસુફ ખાને પોતાનું નવું દિલીપકુમાર પસંદ કર્યું.

નામ બદલવા પાછળનું બીજું પણ એક કારણ હતું. તેમના પિતા જૂનવાણી વિચારો ધરાવતા હતા એટલે તેમને નવા સાથે એ ખબર ના પડે કે પુત્ર ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. ફિલ્મ બનાવનારા માટે તેમના પિતાના મનમાં સારી છાપ નહોતી અને તેઓ આ બધાને નાટકિયાઓ કહીને મજાક ઉડાવતા હતા.

મજાની વાત એ છે કે પોતાની સમગ્ર કારકિર્દીમાં દિલીપકુમારે માત્ર એક જ વાર મુસ્લિમ પાત્ર ભજવ્યું અને તે હતું મુગલે આઝમના સલીમનું.


સિતાર વગાડવાની તાલીમ

છ દાયકાની ફિલ્મી કારકિર્દી દરમિયાન દિલીપકુમારે કુલ 63 ફિલ્મોમાં કામ કર્યું હતું અને દરેક પાત્રમાં તેમણે જીવ રેડી દીધો હતો.

ફિલ્મ કોહિનૂરમાં એક ગીતમાં તેમણે સિતાર વગાડવાની હતી. તો તેમણે ઉસ્તાદ અબ્દુલ હલીમક ઝાફર ખાન પાસેથી સિતાર વગાડવાનું શીખી લીધું.

બીબીસી સાથેની વાતચીતમાં દિલીપકુમારે કહ્યું હતું, 'માત્ર એ શીખવા માટે નહીં કે સિતાર કેવી રીતે પકડવી, પરંતુ સિતાર વગાડવા માટે મેં વર્ષો સુધી તાલીમ લીધી હતી. એટલી હદે કે સિતારના તારથી મારી આંગળીઓમાં કાપા પડવા લાગ્યા હતા.'

દિલીપ કુમારે ઋષિકેશ મુખરજીની ફિલ્મ મુસાફિરમાં સલીલ ચૌધરીના સંગીતમાં લતા મંગેશકર સાથે એક ડ્યુએટ પણ ગાયું હતું.

એ જ રીતે તેમણે નયા દૌર ફિલ્મમાં ટાંગાવાળાનો રોલ કરવાનો હતો તો ટાંગો ચલાવવાની પાકી તાલીમ લીધી હતી.

આ જ કારણસર જાણીતા ફિલ્મ નિર્દેશક સત્યજીત રે તેમને સર્વશ્રેષ્ઠ 'મેથડ અભિનેતા' કહેતા હતા.


ટ્રેજેડી કિંગ દિલીપકુમાર

દિલીપકુમારની અનેક અભિનેત્રીઓ સાથે રોમૅન્ટિક જોડી બની હતી.

ઘણી હિરોઇનો સાથે તેમના નિકટના સંબંધો પણ બંધાયા હતા. જોકે કોઈ પણ પ્રેમસંબંધ લગ્ન સુધી પહોંચ્યો નહોતો.

કદાચ દિલ તૂટવાના અનુભવના કારણે તેઓ અભિનય કરતા થયા કે તેમને ટ્રેજેડી કિંગનો ખિતાબ મળ્યો.

ઘણી ફિલ્મોમાં તેમને મૃત્યુનો અભિનય કરવાનું આવ્યું હતું. એક તબક્કે એવું થયું હતું કે તેમની દર બીજી ફિલ્મમાં તેમનું પાત્ર મોત પામતું હતું.

તેઓ મૃત્યુની પળને વાસ્તવિક દર્શાવવા માટે જીવ લગાવીને અભિયન કરતા હતા.

દિલીપ કુમારે બીબીસીને કહ્યું હતું કે, 'એક સમય એવો આવ્યો કે મૃત્યુના સીન કરી કરીને હું ડિપ્રેશનમાં આવી ગયો હતો. ડિપ્રેશનને દૂર કરવા માટે મારે ડૉક્ટરને મળીને સારવાર લેવી પડી હતી. ડૉક્ટરોએ મને સલાહ આપેલી કે મારે ટ્રેજિક ફિલ્મો છોડીને કૉમેડી ફિલ્મો પર હાથ અજમાવવો જોઈએ. લંડન ઇલાજ કરાવીને હું પાછો આવ્યો તે પછી મેં કોહિનૂર, આઝાદ અને રામ ઔર શ્યામ જેવી ફિલ્મો કરી, જેમાં ઘણો હિસ્સો કૉમેડીનો પણ હતો.'


મધુબાલા સાથે પ્રેમ અને અણબનાવ

દિલીપકુમારે સૌથી વધુ સાત ફિલ્મો નરગીસ સાથે કરી હતી, પરંતુ તેમની સૌથી સારી જોડી મધુબાલા સાથે જામી હતી... તેઓ મધુબાલાના પ્રેમમાં પણ પડી ગયા હતા.

પોતાની આત્મકથા 'ધ સબ્સટન્સ ઍન્ડ ધ શેડો'માં દિલીપકુમારે સ્વીકાર્યું છે કે તેઓ મધુબાલા પ્રત્યે આકર્ષાયા હતા, એક કલાકાર તરીકે અને એક સ્ત્રી તરીકે પણ. તેમણે લખ્યું છે કે, "મધુબાલા બહુ જ જીવંત અને સ્ફૂર્તિલી મહિલા હતી, જેને મારા જેવા શરમાળ અને સંકોચશીલ માણસ સાથે વાતચીત કરવામાં કોઈ મુશ્કેલી થતી નહોતી."

જોકે મુધબાલાના પિતાના કારણે આ પ્રેમકથા આગળ ચાલી નહીં.

મધુબાલાનાં નાનાં બહેન મધુર ભૂષણ યાદ કરતાં કહે છે, "અબ્બાને લાગતું હતું કે દિલીપ તેમનાથી ઉંમરમાં બહુ મોટા છે. જોકે તેઓ બંને મેડ ફૉર ઇચ અધર જેવું હતું. બહુ ખૂબસુરત કપલ હતું. પરંતુ અબ્બા કહેતા હતા કે આ વાત રહેવા દો. આ યોગ્ય રસ્તો નથી."

"જોકે તે વાતને ધ્યાને લેતી નહોતી અને કહેતી કે પોતે એમને પ્રેમ કરે છે. જોકે તે પછી બી. આર. ચોપરાની સાથે નયા દૌર ફિલ્મના મામલે કોર્ટનો કેસ થયો ત્યારે મારા વાલિદ અને દિલીપસાહેબ વચ્ચે ખટરાગ થઈ ગયો. તે પછી જોકે અદાલતમાં સમાધાન થયું હતું."

"દિલીપ સાહેબ કહેલું કે ચાલો આપણે લગ્ન કરી લઈએ. મધુબાલાએ કહ્યું કે હું લગ્ન કરવા માટે તૈયાર છું, પરંતુ તમે મારા પિતાને સૉરી કહી દો. પરંતુ દિલીપકુમારે એવું કરવાની ના પાડી દીધી. મધુબાલાએ ત્યાં સુધી કહ્યું કે તમે ઘરમાં જ એક બીજાને ગળે મળી લો. પરંતુ દિલીપકુમારે તે માટે પણ માન્યા નહીં. ત્યાંથી બંને વચ્ચે બ્રૅક અપ થઈ ગયું."

મુગલે આઝમ બનવા લાગી ત્યાં સુધીમાં એવી સ્થિતિ આવી ગઈ હતી કે બંનેએ એકબીજા સાથે બોલવાનું બંધ કરી દીધું હતું.

મુગલે આઝમનું પેલો પીંછા સાથેનો ક્લાસિક રોમૅન્ટિક સીન ફિલ્માવામાં આવ્યો ત્યારે મધુબાલા અને દિલીપકુમારે જાહેરમાં એક બીજાની હાજરીની નોંધ લેવાનું પણ બંધ કરી દીધું હતું.

સાયરા બાનુ સાથે દિલીપ કુમારનાં લગ્ન થયાં તે પછી મધુબાલા બહુ બીમાર પડ્યાં હતાં. તેમણે દિલીપકુમારને સંદેશ મોકલ્યો કે પોતે મળવા માગે છે.

દિલીપકુમાર તેમને મળવા ગયા ત્યારે તે બહુ નબળાં પડી ગયાં હતાં. દિલીપકુમારને પણ તેમની આવી હાલત જોઈને બહુ દુ:ખ થયું હતું. હંમેશાં હસતી રહેતી મધુબાલાના હોઠ પર બહુ કોશિશ છતાં માત્ર ફિક્કી મુસ્કાન જ આવી શકી હતી.

મધુબાલાએ તેમની આંખોમાં આંખ પરોવીને કહ્યું, "અમારા શહજાદાને તેની શહજાદી મળી ગઈ. હું બહુ ખુશ છું."

23 ફેબ્રુઆરી, 1969માં માત્ર 35 વર્ષની ઉંમરે મધુબાલાનું અવસાન થયું.


સ્ટાઇલ આઇકૉન દિલીપકુમાર

દિલીપકુમાર વી શૅપ બને તે રીતના વાળ રાખતા હતા તે નૅશનલ ક્રેઝ બની ગયો હતો. દિલીપકુમારની જીવનકથા લખનારા મેઘનાથ દેસાઈ લખે છે, "અમે લોકો તેમનાં વાળ, વસ્ત્રો, ડાયલૉગ અને મેનરિઝમની નકલ કરતા રહેતા. તેમણે પડદા પર જે પાત્રો નિભાવ્યાં હતાં તેને આત્મસાત કરવાની કોશિશ કરતા રહેતા."

દિલીપકુમારને સફેદ રંગ બહુ પસંદ હતો. મોટા ભાગે તેઓ સફેદ કમીઝ અને થોડું ઢીલું સફેદ પાટલૂન પહેરીને ફરતા. ઉર્દૂ શાયરી અને સાહિત્યમાં તેમને બહુ રુચિ હતી. તેઓ સારો અભ્યાસ ધરાવતા હતા અને ઉર્દૂ, હિન્દી, અંગ્રેજી, પશ્તો અને પંજાબી ભાષાઓ સારી રીતે જાણતા હતા. મરાઠી, ભોજપુરી અને ફારસી પણ થોડી ઘણી બોલી લેતા કે સમજી લેતા.


રમતગમતના શોખીન

દિલીપકુમારને ફૂટબૉલનો બહુ શોખ હતો અને તેઓ વિલ્સન અને ખાલસા કૉલેજની ફૂટબોલની ટીમમાં પણ હતા.

ત્યાર બાદ તેમને ક્રિકેટમાં પણ રસ વધ્યો હતો. તેમણે લખનૌમાં કેડી સિંહ સ્ટેડિયમમાં મુશ્તાક અલી બેનિફિટ મૅચ રમી હતી અને તેમાં તેમણે જોરદાર સ્ક્વેર ડ્રાઇવ મારી હતી.

તે વખતે શહેરના ઓડિયન થિયેટરમાં તેમની ફિલ્મ ગોપી પણ ચાલી રહી હતી.

દિલીપ કુમારને બૅડમિન્ટન રમવાનું પણ ગમતું હતું. તેઓ ખાર જિમખાનામાં ઘણીવાર સંગીતકાર નૌશાદ સામે બૅડમિન્ટન રમતા.


દિલીપકુમારનું અનેક પુરસ્કારોથી સન્માન

દિલીપકુમારને 1991માં પદ્મભૂષણ અને 2016માં ભારતના બીજા નંબરના સૌથી મોટા નાગરિકસન્માન પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તે વખતના ગૃહમંત્રી રાજનાથ સિંહ તેમના મુંબઈના પાલી હીલ ખાતેના નિવાસસ્થાને ગયા હતા અને તેમને ખિતાબ અર્પણ કર્યો હતો.

દિલીપકુમારને 1995માં દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ અપાયો હતો.

1997માં પાકિસ્તાને તેના સર્વોચ્ચ સન્માન નિશાન-એ-ઇમિતયાઝથી તેમને સન્માનિત કર્યા હતા. દિલીપકુમારે આ સન્માન સ્વીકારતા પહેલાં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પાસેથી મંજૂરી લીધી હતી.

1981માં મનોજ કુમારની ફિલ્મ ક્રાંતિનું શૂટિંગ ચાલી રહ્યું હતું.

તે વખતે શરદ પવાર અને રજની પટેલ તેમને મળ્યા હતા અને તેમને મુંબઈના શેરિફનો હોદ્દો સ્વીકારવા જણાવ્યું હતું.

મજાની વાત એ છે કે શરદ પવાર સાથે તેમને જેટલી સારી દોસ્તી હતી,

એટલી જ સારી દોસ્તી તેમના રાજકીય હરિફ બાલ ઠાકરે સાથે તેમને હતી.

એવું કહેવાય છે કે તેઓ અવારનવાર ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી પર બિયર પીવા જતા હતા.

આ ઉપરાંત અફઘાનિસ્તાનના બાદશાહ ઝહિરશાહ અને ઈરાનના શાહ રઝા પહલવી પણ દિલીપ કુમારના સારા મિત્રો હતા.


રાજ કપૂરની પ્રસંશા

મુગલે આઝમ પછી દિલીપકુમારને સૌથી વધુ પ્રસિદ્ધિ અપનાવારી બીજી કોઈ ફિલ્મ હોય તો ... તે હતી ગંગા જમના. અમિતાભ બચ્ચન કહે છે કે તેઓ અલાહાબાદમાં ભણતા હતા ત્યારે આ ફિલ્મ વારંવાર જોઈ હતી.

એક પઠાણ કે જેમને ઉત્તર પ્રદેશ સાથે દૂર સુધી કોઈ નાતો નહોતો, તે પણ કેટલા પરફેક્શન સાથે યુપીની બોલીને બોલતા હતા.

બાદમાં બંને અભિનેતાઓએ રમેશ સિપ્પીની ફિલ્મ શક્તિમાં એક સાથે કામ કર્યું હતું. દિલીપકુમારના સમકાલીન, પ્રતિસ્પર્ધી અને બચપણના દોસ્ત રાજ કપૂરે શક્તિ જોઈ તે પછી બૅંગલુરુથી તેમને ફોન કર્યો હતો, 'લાડે આજ ફેંસલો થઈ ગયો... તું આજ સુધીનો સૌથી મહાન કલાકાર છે!'https://www.youtube.com/watch?v=lCLeIyH5hjU

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Dilip Kumar: Satyajit Ray said this is the biggest 'method actor'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X