કરૂણાનિધીના પુત્ર સ્ટાલિનના ઘરે CBIના દરોડા

આ મામલો વિદેશી ગાડીઓની ખરીદી સાથે જોડાયેલો છે. આરોપ છે કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધીએ હમર ગાડીની આયાત પર ડ્યૂટી ચુકવી નથી. આ કેસની તપાસ ડીઆરઆઇ કરી રહી હતી. કહેવામાં આવે છે કે ડીઆરઆઇએ આ કેસમાં મદદ માટે સીબીઆઇને કહ્યું હતું. સીબીઆઇએ આ મુદ્દે ઝડપથી કેસ દાખલ કરીને રેડ પાડી હતી. જેથી અનેક પ્રકારના તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. સીબીઆઇએ લાંબાગાળાથી આ કેસમાં કોઇ કાર્યવાહી કરી ન હતી.
સીબીઆઇની ટીમ સવારે સાડા પાંચ વાગે સ્ટાલિનના ઘરે પહોંચી હતી અને તેમના બેડરૂમ સુધી પહોંચી ગઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટાલિન પાસે હમરના કાગળો માંગ્યાં હતા. ગાડી ખરીદવા માટે પૈસા ક્યાંથી આવ્યા, તે અંગે પુછપરછ કરવામાં આવી રહી છે. સીબીઆઇની કાર્યવાહી બાદ એ નક્કી થઇ ગયું છે કે આજે સંસદમાં જોરદાર હંગામો થશે. ડીએમકેના સાંસદો આ મુદ્દો ઉઠાવશે. અત્રે ઉલ્લેખનીય છેકે, 2જી સ્પેક્ટ્રમ કેસમાં પણ ડીએમકેના નેતાઓ સંકટમાં છે. આ કૌભાંડમાં પણ સીબીઆઈ સક્રિય બને તેવી સંભાવના છે.
સ્ટાલિને કહ્યું હતું કે, આ સમગ્ર મામલાને કાયદાકીય રીતે પડકારવામાં આવશે. ડીએમકેએ આરોપ મુક્યો છે કે, સીબીઆઈનો સરકાર દ્વારા દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ કોંગ્રેસ દ્વારા સીબીઆઈનો ઉપયોગ થયો છે. વિપક્ષના આરોપોમાં તથ્ય છે કે, સીબીઆઈનો રાજકીય હેતુઓ માટે ઉપયોગ થાય છે. સ્ટાલિનના કહેવા પ્રમાણે શા માટે રેડ કરવામાં આવી તે માલૂમ નથી.












Click it and Unblock the Notifications
