છત્તીસગઢના કાંકેરમાં ભયંકર અકસ્માત, 7 બાળકોના મોત
ગુરૂવારનો દિવસ છત્તીસગઢ માટે ગોજારો સાબિત થયો છે. અહીં એક ભયાનક અકસ્માતમાં 7 જેટલા બાળકોના મોત થયા છે.
છત્તીસગઢના કાંકેરથી ભયંકર રોડ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં ગુરુવારે બપોરે અકસ્માતમાં 7 બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટનાને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શોક વ્યક્ત કર્યો છે. આ ઘટના કાંકેર જિલ્લાના કોરેર ચિલ્હાટી ચોક ખાતે ઓટો અને ટ્રક વચ્ચેની અથડામણ દરમિયાન સર્જાઈ હતી.

આ ભયાનક અકસ્માત બાદ મુખ્યમંત્રી ભુપેશ બઘેલે કાંકેર જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને મૃતક બાળકોના પરિવારોને તમામ શક્ય મદદ કરવા અને ઘાયલ બાળકોને સારી સારવાર માટે નિર્દેશ આપ્યો છે. અકસ્માતમાં ઘાયલ બાળકોને સારવાર માટે કાંકેરની જિલ્લા હોસ્પિટલ ખસેડાયા છે. અહીં આરોગ્ય વિભાગ તરફથી બાળકોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.
મળી રહેલી વિગતો અનુસાર, શાળાની રજા બાદ બાળકો ઓટોમાં બેસીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આયુષ કેન્દ્ર ચિલ્હાટી ચોક ખાતે એક ટ્રકે ઓટોને ટક્કર મારી હતી. ઘટના બાદ પોલીસે પરિસ્થિતિ સંભાળી અને બાળકોને એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડ્યા હતા.
સામે આવી રહેલા સમાચારો અનુસાર, સ્કૂલથી પરત ફરી રહેલા ઓટોમાં 10થી વધુ બાળકો સવાર હતા. આ બાળકોમાંથી 7 બાળકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ઓટો ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘાયલ બાળકો સાથે તેને પણ સારવાર માટે દાખલ કરાયો છે. વિગતો અનુસાર, તમામ બાળકો BSNN ડિજિટલ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા હતા.












Click it and Unblock the Notifications
