
મર્યાદા ભુલ્યા ભાજપના નેતા, રાષ્ટ્રગીત દરમિયાન બેઠા રહ્યાં!
રાજગઢ, 02 ઓક્ટોબર : મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાંસદ રોડમલ નાગર પર રાષ્ટ્રગીતનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 28 સપ્ટેમ્બરે રાજ્યપાલ મંગુભાઈ પટેલ રાજગઢ જિલ્લાની મુલાકાતે હતા. આ દરમિયાન રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, તે સમયે રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં હાજર સાંસદ રોડમલ નાગર ખુરશી પર બેસી રહ્યા હતા. રાષ્ટ્રગીત માટે તે પોતાની બેઠક પરથી ઉભા થયા નહોંતા!
ભાજપના સાંસદ રોડમલ નાગરના રાષ્ટ્રગીત દરમિયાન સન્માનમાં ઉભા ન થયા હોવાનો વીડિયો સામે આવ્યા બાદ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનું ટ્વીટ સામે આવ્યું છે. પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે લખ્યું કે, રોડમલજીને રાષ્ટ્રગીત સાથે શું સંબંધ છે. સાંસદજી શરમ કરો. દુખ થાય છે કે હું પણ રાજગઢનો સાંસદ રહ્યો છું. જો કે, ભાજપના સાંસદનું ખુરશી પરથી ઉભા ન થવાનું કારણ કોઈ સ્વાસ્થ્ય સમસ્યા કે બીજું કંઈક હતું તેની માહિતી મળી શકી નથી. હાલ ભાજપના સાંસદનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
દૈનિક ભાસ્કરના સમાચાર અનુસાર, રાજ્યપાલ મંગુભાઈ પટેલ 28 સપ્ટેમ્બરે રાજગઢની મુલાકાતે હતા. પ્રવાસનો હેતુ પ્રવાસન વધારવાનો હતો. રાજ્યપાલ નરસિંહગઢ તાલુકાના ગિલાખેડી ગામે પહોંચ્યા હતા. તેમના આગમન દરમિયાન શેડ્યૂલ મુજબ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન જ્યારે રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યુ તો પંડાલમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉભા થયા હતા. સાથે સારંગપુરથી ભાજપના ધારાસભ્ય કુંવર કોઠાર અને સ્ટેજ ઓપરેટર પણ સ્ટેજ પર ઉભા હતા. પરંતુ ધૂન દરમિયાન સાંસદ રોડમલ નાગર પુરો સમય ખુરશી પર જ બેઠા રહ્યાં હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ સાંસદ અને ભાજપ પર રાષ્ટ્રગીતનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે પણ સાંસદ રોડમલ નાગર પર નિશાન સાધ્યુ છે. બીજી તરફ સાંસદ રોડમલ નાગરે પણ સોશિયલ મીડિયા પર આ મુદ્દે સ્પષ્ટતા આપી છે. સાંસદે કહ્યું કે, મારા માટે રાષ્ટ્ર અને રાષ્ટ્રીય સન્માન સાથે સંબંધિત દરેક કાર્ય પ્રથમ છે, જેનું હંમેશા સન્માન કર્યું છે. કેટલાક વિરોધી દળો આને પચાવી શકતા નથી, 3 દિવસ પહેલા યોજાયેલા કાર્યક્રમમાં ગાર્ડ ઓફ ઓનરની ધૂનનો વીડિયો અને ફોટો મુકવામાં આવી રહ્યો છે. કાર્યક્રમની શરૂઆત અને અંતમાં રાષ્ટ્રગીત વાગ્યુ હતું, મારા સાથીઓ અને હું તેના આદર સાથે ઉભા હતા, પરંતુ કેટલાક લોકો કેમ્પસની બહાર ધૂનનો ફોટો-વીડિયો બનાવીને ખોટો પ્રચાર કરી રહ્યા છે.