પેટ્રોલની કિંમતોમાં લોકોને રાહત આપવા ચાર રાજ્યોએ વેટ ઘટાડ્યો
પેટ્રોલની કિંમતોમાં લોકોને રાહત આપવા ચાર રાજ્યોએ વેટ ઘટાડ્યો

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થઈ રહેલા વધારેને લઈને કેન્દ્ર સરકાર 'ધર્મ સંકટ'માં છે. ત્યારે ચાર રાજ્ય સરકારોએ ગ્રાહકોને રાહત આપવા માટે પેટ્રોલ પરના વેટમાં ઘટાડો કર્યો છે.
રવિવારે પશ્ચિમ બંગાળ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લેવાતા વેટમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો.
રાજસ્થાન સરકારે સૌથી પહેલાં 29 જાન્યુઆરીએ વેટ 38 ટકાથી ઘટાડી 36 ટકા કર્યો છે.
અસમ કે જેમાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. તેણે ગત વર્ષે કોરોના વાઇરસની મહામારીના કારણે જે એકસ્ટ્રા પાંચ રૂપિયાનો ટૅક્સ નાખ્યો હતો તે હઠાવી દીધો હતો. મેઘાલય સરકારે પેટ્રોલ પર 7.40 રૂપિયા અને ડીઝલ પર 7.10 ટકાનો ઘટાડો કર્યો હતો.
હાલ તો કેન્દ્ર સરકારે ઍક્સાઇઝ ડ્યૂટીને ઘટાડવાની ના પાડી છે. ગત માર્ચ અને મે મહિનામાં કેન્દ્ર સરકારે ઍક્સાઇઝ ડ્યૂટીમાં પેટ્રોલમાં 13 અને ડીઝલમાં 16 રૂપિયાનો વધારો કર્યો હતો.
...તો મહારાષ્ટ્રમાં લૉકડાઉન આવશે : ઉદ્ધવ ઠાકરે

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું હતું કે કોરોના વાઇરસને લઈને રાજ્યમાં સ્થિતિ ચિંતાજનક છે અને જો રોજબરોજના કેસમાં આગામી 8થી 15 દિવસમાં વધારો નોંધાશે તો લૉકડાઉન લાગુ કરવામાં આવશે.
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં આગામી એક અઠવાડિયા સુધી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "શું આપણે લૉકડાઉન જોઈએ? જો તમે જવાબદારીપૂર્વક વર્તશો, જેની આપણને આગામી આઠ દિવસમાં જાણ થશે. જે લોકોને લૉકડાઉન જોઈતું નથી તે માસ્ક પહેરે. જે લોકોને લૉકડાઉન જોઈએ તે ના પહેરે. લૉકડાઉન ન જોઈતું હોય તો માસ્ક પહેરજો."
ત્રણ મહિના પછી મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના વાઇરસના કેસ નોંધાયા છે. રોજ ત્રણ હજાર કેસ કોરોના વાઇરસના નોંધાયેલા છે.
રવિવારે રાજ્યમાં 6971 કેસ નોંધાયા હતા અને 35 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
અમદાવાદમાં 21 દિવસમાં કોરોનાના સૌથી વધુ કેસ

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર અમદાવાદમાં કોરોના વાઇરસના કેસ ઘટી રહ્યા હતા ત્યારે રવિવારે અમદાવાદમાં કોરોના વાઇરસના 66 કેસ નોંધાયા હતા. જે ગત ફેબ્રુઆરી 20ની સરખામણીએ 47 ટકા વધારે છે.
જો અઠવાડિયાના કેસની ઍવરેજ કાઢી ગણીએ તો આ 27 ટકા જેટલા વધારે છે.
અમદાવાદ હૉસ્પિટલ્સ અને નર્સિંગ હૉમ્સ ઍસૉસિયેશનના આંકડા પ્રમાણે એ ખ્યાલ આવે છે કે શહેરમાં બે મહિના પછી 125 વધારે ખાટલા ભરાયેલા છે.
ભારત અને ચીન વચ્ચેની બેઠકમાં કોઈ પરિણામ ન આવ્યું

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર પૂર્વ લદ્દાખની સરહદેથી સૈન્યને હઠાવવા માટે ભારત અને ચીન વચ્ચે 16 કલાક સુધી ચર્ચા ચાલી હતી.
બંને દેશોએ એક બીજા સાથે પોતાના પ્રસ્તાવને 10મા તબક્કાની ચર્ચા દરમિયાન શૅર કરી હતી. અખબારના જણાવ્યા પ્રમાણે બંને દેશોએ જે દરખાસ્તો મૂકી છે તેની પર રાજકીય સ્તરે વિચારણા કરવામાં આવશે.
હવે આગામી બેઠક એક પખવાડિયા પછી થઈ શકે છે. બંને પક્ષોની વાટાઘાટો વિવિધ સ્તરે થઈ શકે છે.
એવી પણ માહિતી આપવામાં આવી છે કે હૉટ સ્પિંગ અને ગોગરા પોસ્ટનો મુદ્દો પહેલાં ઉઠાવવામાં આવી શકે છે. ત્યારબાદ ડેપ્સાંગ પર ચર્ચા થશે.
હાલ જે ચર્ચા થઈ રહી છે તે પેંગોગ સ્તોની ઉત્તર અને દક્ષિણ બાજુએથી સૈન્યને ખસેડવામાં આવ્યું તેના પછી થઈ રહી છે.

https://www.youtube.com/watch?v=UiESX12Xtqk
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












Click it and Unblock the Notifications
