For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Excl : મોદીનું ‘મહાભારત’, બાપાનો ‘બળાપો’ અને બાપૂની ‘બળુકાઈ’ કસોટીએ

By Kanhaiya
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 1 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચુંટણી 2012 હવે એક સ્પષ્ટ તસવીર સાથે પોતાના મુકામે આગળ વધતી જાય છે. મતદાનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. બીજી બાજુ આ ચુંટણીમાં સત્તાપક્ષ ભાજપ અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ ઉપરાંત ગુજરાત પરિવર્તન પાર્ટી એટલે કે જીપીપી ત્રીજા પરિબળ તરીકે મેદાને છે, પરંતુ આનાથી વિશેષ કોઈ વાત હોય તો તે એ છે કે ગુજરાતની આ વખતની ચુંટણીમાં ત્રણ મહત્વના નેતાઓના બળાબળના પારખાં થવાના છે. આ ત્રણે ગુજરાતના રાજકારણમાં ભલે મોટા ગજાના નામ હોય, પરંતુ તેઓ મોદી, બાપા અને બાપૂ જેવા હુલામણા અને ટુંકા નામે ઓળખાય છે.

Modi-Keshubhai-Shankar Sinh

એક તરફ છે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, તો બીજી બાજુ છે શંકરસિંહ વાઘેલા અને ત્રીજી બાજુ છે કેશુભાઈ પટેલ. આ ત્રણેમાં મોદી તો અગિયાર વરસથી મુખ્યમંત્રી છે જ, પરંતુ વાઘેલા અને પટેલ પણ ગુજરાતના મુખ્યમંત્રીનું પદ શોભાવી ચુક્યાં છે. તેવામાં મોદી માટે જ્યારે મુખ્યમંત્રી પદ જાળવી રાખવું મહત્વનું છે, તો વાઘેલા-પટેલ બંનેને પણ ફરીથી મુખ્યમંત્રી બનવાના અભરખાં હોય તે સ્વાભાવિક છે. ત્રણે વિધાનસભાની ચુંટણી પણ લડી રહ્યાં છે. મોદી મણિનગર, બાપા વિસાવદર અને બાપૂ કપડવંજ બેઠક ઉપરથી ભુસકો મારી ગાંધીનગરની ગાદીએ જવાની તૈયારીમાં છે.

ભાસે છે એક મંજિલ, પણ લક્ષ્ય જુદાં-જુદાં
સરવાળે એમ જ કહી શકાય કે ત્રણે મહારથીઓ આ ચુંટણી જીતવા માટે જ મેદાને ઉતર્યાં છે અને કમ સે કમ 20મી ડિસેમ્બરથી સુધી તો ત્રણેની મંજિલ એક જ ભાસે છે ગાંધીનગરની ગાદી, પરંતુ આમાં મોટા ભેદ અને ભરમ છે. મંજિલ ભલે એક જ ભાસતી હોય, પરંતુ તમામના લક્ષ્યો અલગ-અલગ લાગે છે. આ ચુંટણીમાં આ ત્રણે મહારથીઓની પ્રતિષ્ઠા અલગ-અલગ કક્ષાએ કસોટીએ છે. જો ત્રણે માટે એક-એક જ શબ્દમાં કહીએ, તો આ ચુંટણીમાં નરેન્દ્ર મોદી એટલે મોદીનું ‘મહાભારત', કેશુભાઈ પટેલ એટલે કે બાપાનો ‘બળાપો' અને શંકરસિંહ વાઘેલા એટલે કે બાપૂની ‘બળુકાઈ' કસોટીએ છે. હવે આ શબ્દો અને તેમના ભાવોને વિસ્તૃત અર્થ સાથે સમજીએ.

મોદીનું ‘મહાભારત'
ગુજરાત વિધાનસભા ચુંટણી 2012માં મોદીનું મહાભારત કસોટીએ છે. એમ કેમ કહી શકાય? નરેન્દ્ર મોદી પ્રથમ વાર તો ચુંટણી તો નેતૃત્વ કરી નથી રહ્યાં. આ અગાઉ તેમણે 2002 અને 2007માં બે વાર ભાજપને ભારે બહુમતી અપાવી છે. આ વખતે પણ અત્યાર સુધીના તારણો એમ જ જણાવે છે કે ગુજરાતનો ગઢ સર કરવું મોદી માટે મુશ્કેલ નહિં હોય. વાત તો ગુજરાતની જ થઈ રહી છે, તો પછી મોદીની કસોટીએ ભારત તો ક્યાંથી આવ્યું? અહીં મહાભારત પ્રતીકાત્મક રીતે જ મુકવામાં આવ્યું છે. મોદીની કસોટીએ ભારત જ છે, પણ જો કોઈ વસ્તુ મોદી જેવા વ્યક્તિત્વની કસોટીએ હોય, તો તે આપોઆપ મહાભારત બની જ જાય. હવે સ્પષ્ટતા કરી દઇએ કે મોદીની કસોટીએ મહાભારત કેમ છે? 2002માં મોદી પ્રથમ વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિધાનસભા ચુંટણીનું નેતૃત્વ કરી રહ્યાં હતાં. સામ્પ્રદાયિક ધ્રુવીકરણના પગલે તેઓ જીતી ગયાં. પછી તેમણે પોતાનો વ્યાપ અને પોતાની છબીને વિકાસમાં ડાયવર્ટ કરી અને પછી 2007નો જંગ પણ જીત્યાં, પરંતુ આ અગિયાર વરસ દરમિયાન ગુજરાતમાં મોદીએ કરેલા કાર્યો અને દિલ્હીમાં ઘણું બધું એવુ બની ગયું કે મોદીનો વ્યાપ ગુજરાત બહાર દેશવ્યાપી થતો ગયો. એટલું જ નહિં તેમનું નામ ભારતના ભાવી વડાપ્રધાન તરીકે ઉચ્ચારાવા લાગ્યું. એવામાં મોદી ભલે ખુલીને ન કહે, પરંતુ તેમને દેશના વડાપ્રધાન બનવાના અભરખા જાગે તે સ્વાભાવિક જ છે. શક્ય છે કે તેઓ જે રીતે ગુજરાતનો વિકાસ કરવાનો દાવો કરે છે, તેવા જ પ્રકારનો વિકાસ દેશનો પણ કરવાનું સ્વપ્ન સેવતાં હોય. મોદીએ આ સ્વપ્ન સાકાર કરવા માટે પ્રથમ ગુજરાત વિધાનસભા ચુંટણી 2012નો મહત્વનો પડાવ સફળતાપૂર્વક પાર કરવો પડે. પછી જ તેમને મહાભારતના જંગમાં એટલે કે લોકસભા ચુંટણી 2014માં કઈંક ભાવ કે વજન મળે. એટલે જ આ ચુંટણીમાં મોદીનું મહાભારત કસોટીએ કહી શકાય.

બાપાનો ‘બળાપો'
હવે વાત કરીએ બાપાની. કેશુભાઈ પટેલ ગુજરાત ભાજપના પીઢ નેતા ગણાતાં અને હાલ તેઓ ભાજપથી દૂર પોતાનો અલગ પક્ષ રચી મોદી સામે મેદાને પડ્યાં છે. ગુજરાત વિધાનસભા ચુંટણી 2012માં બાપાનો બળાપો જ કસોટીએ છે. એ બળાપો કે જેનાથી તેઓ છેલ્લા અગિયાર વરસથી અંદરોઅંદર પીડાતા હતાં, પરંતુ અગિયાર વરસેય બાબો બોલ્યો ખરો. ભાજપ હાઈકમાંડે 2001માં બાપાને ખસેડી મોદીને મુખ્યમંત્રી બનાવ્યાં. ત્યારથી જ બાપા નારાજ હતાં અને સતત મોદી સામે બળાપો કાઢતા હતાં. આ બળાપો તેમણે સતત દસ વરસ સુધી સહન કર્યો. 2007ની ચુંટણીમાં પણ બળાપો બહાર આવું-આવું કરતો હતો, પરંતુ બાપા પક્ષમાં જ રહી શાંત રહ્યાં. જોકે પ્રયત્નોતો ખૂબ કર્યા, પરંતુ મોદી સામે તેમનું ચાલ્યું નહી. ઉલ્ટાનું તેમના મજબૂત ગઢ ગણાતા સૌરાષ્ટ્રમાં ભાજપને વધુ ફાયદો થયો. મોદીએ બીજી વાર બહુમતી મેળવી, તો બાપા સમજી ગયાં અને શમી પણ ગયાં કે હાલ શાંત રહેવામાં જ મજા છે, પણ મનમાંથી બળાપો જતો નહોતો. ચાર વરસ સુધી બાપા મૌન જ રહ્યાં અને નિષ્ક્રિય રહ્યાં. દરમિયાન સોમનાથ ટ્રસ્ટની બેઠક દરમિયાન તેઓ મોદી સાથે એક મંચે પણ દેખાયાં. ત્યારે લાગ્યું કે બાપા અને મોદી વચ્ચે અંતર ઘટી રહ્યું છે, પરંતુ એ માત્ર આભાસ જ સાબિત થયું. ચુંટણી વર્ષ એટલે કે 2012 આવતાં જ બાપા પોતાના બળાપા સાથે સક્રિય થયાં અને ભાજપમાંથી છુટા પડી નવો પક્ષ રચી નાંખ્યો. આ ચુંટણીમાં બાપા જીપીપી નામના પક્ષ સાથે મોદી સામે મેદાને ઉતર્યાં છે. તેમની લડાઈ માત્ર અને માત્ર મોદી સામે છે. તેઓ પોતાના નિવેદનોમાં કોંગ્રેસને નહિં, પણ માત્ર મોદીને જ ભાંડે છે. આમ કહી શકાય કે આ ચુંટણીમાં બાપાનો અગિયાર વરસથી ધરબી રખાયેલો બળાપો કસોટીએ છે.

બાપૂની ‘બળુકાઈ'
ગુજરાતના રાજકારણમાં દબંગ પ્રકારના નેતા ગણાતાં બાપૂ ફરી એક વાર મોદી સામે મેદાને છે. બાપૂની બળુકાઈ આ ચુંટણીમાં કસોટીએ છે. આવું એટલા માટે કહી શકાય કે તેઓ એક બાજુ આ ચુંટણી જીતી મોદી સામે પોતાની બળુકાઈ સાબિત કરવા માંગે છે, તો આ જીત સાથે તેઓ ગુજરાત કોંગ્રેસમાં પણ પોતાનુ વર્ચસ્વ અને પોતાની બળુકાઈનો સિક્કો જમાવી દેવા માંગે છે. 1996 સુધી ભાજપના મહત્વના અને મોટા ગજાના નેતા ગણાતાં શંકરસિંહ વાઘેલા હાલ કોંગ્રેસ પક્ષમાં છે અને હાઈકમાંડે તેમને ગુજરાત ચુંટણી સંકલન સમિતિના પ્રમુખ પદ જેવી મહત્વની જવાબદારી સોંપી છે. એટલે ગુજરાતમાં મોદી સામે કોંગ્રેસે બાપૂને જ ઉતાર્યાં છે. બાપૂને જોકે 2002માં પણ કોંગ્રેસે આવી જવાબદારી સોંપી હતી, પરંતુ તે વખતે તેઓ મોદી સામે માત ખાઈ ગયા હતાં. બાપૂની લડાઈ પણ મોદી સામે જ છે. તેઓ મોદી સામે 1995થી નારાજ છે કે જ્યારે પ્રથમ વાર રાજ્યમાં ભાજપ સરકાર બનતાં કથિત રીતે મોદીના કારણે તેઓને મુખ્યમંત્રી બનવાની તક મળી નહોતી. પછી બાપૂએ બળવો કર્યો, રાજપ પક્ષ બનાવી કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યાં અને છેવટે કોંગ્રેસ પક્ષમાં રાજપનું વિલીનીકરણ કરી નાંખ્યું. જોકે કોંગ્રેસમાં તેમને જવાબદારીઓ તો મહત્વની અપાતી રહી, પરંતુ મહત્વ લગભગ ક્યારેય અપાયો નહિં. વિધાનસભા ચુંટણી 2007માં બાપૂ નિષ્ક્રિય દેખાયાં, તો 2009માં લોકસભા ચુંટણી હારી ગયાં. તે માટે પણ તેમણે મોદીને જ જવાબદાર ઠેરવ્યાં. આમ બાપૂ આ ચુંટણી જીતી મોદી સામે બદલો લેવા માંગે છે, તો બીજી બાજુ કોંગ્રેસ પક્ષમાં પોતાની બળુકાઈ પણ સાબિત કરવા માંગે છે. છેલ્લી ઘડીએ તેઓએ કપડવંજથી ઉમેદવારી નોંધાવી એ વાત પણ સાબિત કરી આપી કે ગુજરાતમાં કોંગ્રેસને બહુમતી મળતાં મુખ્યમંત્રી પદના તેઓ જ મજબૂત ઉમેદવાર તરીકે ઉપસી આવશે.

એક જ કુળ
હવે મોદી-બાપા-બાપૂના કુળની વાત કરી લઇએ. આ ત્રણેના કુળ એક જ છે. ત્રણેની પૃષ્ઠભૂમિ સંઘ, જનસંઘ અને ભાજપ સાથે જોડાયેલી છે. એક સમય એવો પણ હતો કે મોદી-બાપા-બાપૂ એક સાથે બેસી પક્ષની ઉન્નતિ માટે ચિંતન-મનન કરતા હતાં. રાજકીય મજબૂરીએ આજે ત્રણેને ત્રણ ખૂણાએ ધકેલી દીધાં છે. જોઇએ બળાબળના આ પારખમાં કોણ બાજી મારે છે અને કોણ પછડાટ પામે છે.

English summary
Gujarat Assembly Election 2012 is the test of Narendra Modi's Mahabharat, Keshubhai Patel (Bapa)'s irritation and Shankar Sinh Vaghela (Bapoo)'s Domination.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X