કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા બાદ ભારેલો અગ્ની, દેશવ્યાપી હડતાલની જાહેરાત
કોલકત્તામાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને ત્યારબાદ હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મામલો સામે આવ્યા બાદ દેશવ્યાપી હડતાલની જાહેરાત કરાઈ છે.
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો સામે આવ્યો છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને વિરોધમાં 12 ઓગસ્ટથી દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.

જાહેરાતમાં તમામ સરકારી હોસ્પિટલોના નિવાસી ડોકટરોને હડતાળમાં જોડાવા વિનંતી કરી છે, જેનાથી OPD સેવાઓ, વૈકલ્પિક સર્જરીઓ અને લેબના કામને અસર થશે. આરડીએએ ડૉક્ટરોને હડતાળ પર જવાની નોટિસ આપી દીધી છે.
આરજી કાર મેડિકલ કોલેજના જુનિયર ડોકટરો પીડિતાને ન્યાયની માંગ સાથે સતત વિરોધ કરી રહ્યા છે. તેમનો દાવો છે કે માત્ર એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીઓ હજુ આઝાદ છે.
તેમનું કહેવું છે કે ઘટનાસ્થળના મહત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજની હજુ સુધી સમીક્ષા કરવામાં આવી નથી. તેઓએ જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં ન આવે ત્યાં સુધી હોસ્પિટલના તમામ કામ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
આ ઘટના બાદ આરોગ્ય વિભાગે ડોક્ટર સંજય વશિષ્ઠને મેડિકલ કોલેજના સુપરિન્ટેન્ડેન્ટ પદ પરથી હટાવી દીધા છે. તેમના સ્થાને હોસ્પિટલના ડીન બુલબુલ મુખોપાધ્યાયની નિમણૂક કરવામાં આવી હતી. શુક્રવારે મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો ત્યારથી તેમને હટાવવાની સતત માંગણી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શનિવારે કોલકાતા પોલીસે આરોપી સંજય રોયની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો. વધુ પૂછપરછ માટે તેને 23 ઓગસ્ટ સુધી 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તેની સામે BNSની કલમ 64 અને 103 હેઠળ બળાત્કાર અને હત્યાનો આરોપ છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે, જો પીડિતનો પરિવાર વિનંતી કરે તો તે સીબીઆઈ તપાસને સમર્થન આપશે.












Click it and Unblock the Notifications
