વિધાનસભા ચૂંટણીઓનો 4થો તબક્કો : જમ્મુકાશ્મીરમાં 49 ટકા, ઝારખંડમાં 61 ટકા મતદાન
શ્રીનગર/રાંચી, 14 ડિસેમ્બર : આજે જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાન યોજાયું હતું. જમ્મુ કાશ્મીરમાં રેકોર્ડ તોડ 49 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જ્યારે ઝારખંડમાં 61 ટકાથી વધુ મતદાન થયું હતું. જમ્મુ કાશ્મીરમાં 18 અને ઝારખંડમાં માઓવાદીગ્રસ્ત 15 બેઠકો માટે મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે થયું હતું.
જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદીઓ દ્વારા આપવામાં આવેલી બહિષ્કારની હાંકલ અને તીવ્ર ઠંડી છતાં મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો. હરીફ પક્ષો વચ્ચે અથડામણના બનાવો સિવાય સ્થિતિ શાંતિપૂર્ણ રહી હતી. સોપિયનના ભાજપ ઉમેદવાર મારામારી કરતા કેમેરામાં કેદ થયા હતા.

ઝારખંડમાં 61.65 ટકા મતદાન થયું હતું. અગાઉ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. સધન સુરક્ષા વચ્ચે આજે મતદાન યોજાયું હતું. ઝારખંડમાં કેટલીક જગ્યાએ ઝપાઝપી અને મારામારીના બનાવ બન્યા હતા.
જમ્મુ કાશ્મીરમાં ચોથા તબક્કામાં 18 બેઠકો માટે 182 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. જેમાં મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા અને પીડીપીના વડા મુફિ્ત મોહમ્મદ સઇદનો સમાવેશ થાય છે. 7.05 લાખ મહિલાઓ સહિત 14.73 લાખથી વધુ મતદારો પૈકી 49 ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજ્યના ચાર જિલ્લામાં કુલ 1890 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા હતા જ્યાં મતદાન યોજાયું હતું.
ઝારખંડમાં કુલ 217 ઉમેદવારોના ભાવિ સીલ થઇ ગયા હતા. ઝારખંડ મુક્તિ મોરચા અને બહુજન સમાજ પાર્ટીએ સૌથી વધુ 14-14 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. રાજ્યમાં 43,48,709 મતદારો પૈકી 61.65 ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મોદીની લહેર વચ્ચે ભાજપ બન્નો રાજ્યોમાં શાનદાર જીત મેળવી લેવા માટે આશાવાદી છે. મોદી લહેર વચ્ચે હાલમા ભાજપે હરિયાણામાં બહુમતિ સાથે જીત મેળવી હતી.












Click it and Unblock the Notifications
