ભુવનેશ્વર, 20 જાન્યુઆરી: ભારતે લાંબા અંતરની પરમાણુ સક્ષમ સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી પોતાની અગ્નિ-4 મિસાઇલનું સોમવારે ઓડિશા ખાતે આવેલા સૈન્ય અડ્ડાથી સફળ પરિક્ષણ કર્યું. આ જાણકારી એક અધિકારીએ આપી છે.
નવી પીઢીની આ મિસાઇલનું પરિક્ષણ રાજધાની ભુવનેશ્વરથી લગભગ 200 કિલોમીટર દૂર ભદ્રક જિલ્લામાં ધર્માની નજીક વ્હિલર દ્વીપ પર એક મોબાઇલ લોંચર દ્વારા કરવામાં આવ્યું.
મિસાઇલ 4,000 કિલોમીટરના અંતર પર સ્થિત પોતાના લક્ષ્યને ભેદી શકવામાં સક્ષમ છે. નવી મિસાઇલનો વિકાસ અને પરીક્ષણ, રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન(ડીઆરડીઓ)એ કર્યું. પરીક્ષણ રેંજ નિર્દેશક એમવીકેવી પ્રસાદે જણાવ્યું કે પરીક્ષણ સો ટકા સફળ રહ્યું. તેણે મિશનની તમામ જરૂરીયાતો પૂર્ણ કરી, આ ડીઆરડીઓનું વિકાસાત્મક પરીક્ષણ હતું.20 મીટર લાંબી મિસાઇલનું વજન 17 ટનની આસપાસ છે અને તેમાં બે તબક્કાવાળી ચાલક વ્યવસ્થા છે. દુનિયામાં આ પ્રકારની પહેલી મિસાઇલનું પહેલું પરીક્ષણ 19 સપ્ટેમ્બર, 2012ના રોજ આજ ઠેકાણેથી કરવામાં આવ્યું હતું, અને તે સફળ રહ્યું હતું.