IAFનુ ટ્રેનર વિમાન દૂર્ઘટનાગ્રસ્ત, 2 પાયલટોના મોત
IAF Aircraft Crash: હાલમાં તેલંગાણામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં એક અકસ્માતમાં ભારતીય વાયુસેનાના 2 પાયલટોએ જીવ ગુમાવી દીધો છે. આ દૂર્ઘટના તેલંગાણાના ડિંડીગુલમાં સ્થિત એરફોર્સ એકેડમીમાં થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યાં પીલાટસ ટ્રેનિંગ એરક્રાફ્ટ ટ્રેનિંગ દરમિયાન ક્રેશ થયું હતું.
આ અકસ્માત આજે સવારે 8.55 કલાકે થયો હતો. ભારતીય વાયુસેનાના બે પાઈલટ તાલીમ લઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનું પ્લેન ક્રેશ થયું. અકસ્માતમાં બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે મૃતક પાયલટોમાં એક પ્રશિક્ષક અને એક કેડેટનો સમાવેશ થાય છે.

એરફોર્સ એકેડેમી (AFA) હૈદરાબાદના અહેવાલ મુજબ આજે સવારે Pilatus PC 7 Mk II એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ દૂર્ઘટના નિયમિત ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન થઈ હતી. એએફએએ કહ્યું, "ખૂબ જ દુઃખ સાથે ભારતીય વાયુસેના એ પુષ્ટિ કરે છે કે વિમાનમાં સવાર બંને પાઇલોટ્સ મૃત્યુ પામ્યા છે." આ અકસ્માતમાં સામાન્ય જનતા કે અન્ય કોઈ જાન-માલને નુકસાન થયું નથી.
ટ્રેનર વિમાને હૈદરાબાદથી ઉડાન ભરી હતી. એરફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અકસ્માતના કારણો જાણવા માટે કોર્ટ ઑફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
પાઈલટોના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે માઇક્રોબ્લોગિંગ સાઈટ પર લખ્યું, "હૈદરાબાદ પાસે થયેલા આ અકસ્માતથી હું દુઃખી છું. બે પાઈલટોએ જીવ ગુમાવ્યા તે અત્યંત દુઃખદ છે. આ દુઃખમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે."
અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અકસ્માતનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં પ્લેન સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત જોવા મળી રહ્યું છે. કાટમાળમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને વિમાન ખૂબ જ ખરાબ હાલતમાં છે. વાયુસેનાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
Anguished by this accident near Hyderabad. It is deeply saddening that two pilots have lost their lives. In this tragic hour, my thoughts are with the bereaved families. https://t.co/K9RljlGu0i
— Rajnath Singh (@rajnathsingh) December 4, 2023












Click it and Unblock the Notifications
