ઈન્દોરની સરકારી હોસ્પિટલમાં કરૂણ ઘટના, ઉંદર કરડવાથી નવજાત બાળકોના મોતનો ખુલાસો
ઈન્દોરની મહારાજા યશવંતરાવ (MY) હોસ્પિટલમાં ઉંદરો કરડવાથી બે નવજાત શિશુના મૃત્યુના મામલે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) એ મધ્યપ્રદેશ સરકારને નોટિસ પાઠવી છે. કમિશને આ ઘટનાને ગંભીર બેદરકારી અને માનવાધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
અહેવાલો અનુસાર, 30 અને 31 ઑગસ્ટે ઈન્દોરની MY હોસ્પિટલના નિયો-નેટલ આઈસીયુમાં બે નવજાત બાળકીઓને ઉંદરો કરડ્યા હતા. આ ઘટના બાદ બંને બાળકોનું 2 અને 3 સપ્ટેમ્બરે મૃત્યુ થયું હતું.

જો કે, હોસ્પિટલ પ્રશાસને બાળકોના મૃત્યુનું કારણ ન્યુમોનિયા અને સેપ્ટિસેમિયા જણાવ્યું અને કહ્યું કે ઉંદર કરડવાથી તેમનું મૃત્યુ થયું નથી. પરંતુ એક બાળકીના પરિવારે હોસ્પિટલ પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
મૃતક બાળકીના માતા-પિતાએ હોસ્પિટલ પર બેદરકારી અને માહિતી છુપાવવાનો આરોપ લગાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, હોસ્પિટલે તેમને બાળકીના મૃત્યુની જાણ પાંચ દિવસ પછી કરી હતી. પરિવારે હોસ્પિટલના એ દાવાને પણ નકારી કાઢ્યો કે તેઓ બાળકને દાખલ કરીને છોડી ગયા હતા.
આ ઘટના બાદ બાળકીના પરિવારજનો, કોંગ્રેસના કાર્યકરો અને જય આદિવાસી યુવા શક્તિ સંગઠન (JAYS) દ્વારા હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના પગલે સરકારે મૃતકના પરિવારને 5 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
નેટવર્ક ફોર એક્સેસ ટુ જસ્ટિસ નામની બિન-નફાકારક સંસ્થાની ફરિયાદના આધારે NHRCએ મધ્યપ્રદેશના મુખ્ય સચિવ અને ઈન્દોરના કલેક્ટરને નોટિસ પાઠવી છે. કમિશને 10 દિવસમાં કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
નોટિસમાં NHRCએ કહ્યું છે કે આ ઘટના તબીબી બેદરકારી અને દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળતા દર્શાવે છે. આ બાબત બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવન અને સ્વાસ્થ્યના અધિકારનું ગંભીર ઉલ્લંઘન છે.
આ વિવાદ બાદ હોસ્પિટલ પ્રશાસને બે નર્સિંગ સ્ટાફને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટને પદ પરથી હટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત હોસ્પિટલમાં પેસ્ટ કંટ્રોલ અને સફાઈ માટે કોન્ટ્રાક્ટ ધરાવતી એક ખાનગી કંપની પર 1 લાખનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
