AAP નેતા સૌરભ ભારદ્વાજે પૂછ્યુ - શું શિક્ષકોને ટ્રેનિંગ માટે વિદેશ મોકલવા ખોટુ છે?
આપ નેતા સૌરભ ભારદ્વાજે પ્રશ્નાર્થના સ્વરમાં પૂછ્યુ કે શું શિક્ષકોને તાલીમ માટે વિદેશ મોકલવા ખોટું છે? કોની નિમણૂક કરવી અને કોને નહીં, તે રાજ્ય સરકારનો અધિકાર છે.
પંજાબમાં શિક્ષકોને તાલીમ માટે વિદેશ મોકલવા પર રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત દ્વારા સવાલો ઉઠાવવાનો મામલો હજુ શાંત પડ્યો નથી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બાદ હવે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સૌરભ ભારદ્વાજે રાજ્યપાલની ગતિવિધિઓ પર સવાલો ઉઠાવ્યા છે. ભારદ્વાજે કહ્યુ કે કેન્દ્રની ભાજપ સરકાર રાજ્યપાલો દ્વારા અવરોધો ઉભા કરીને બિન-ભાજપ શાસિત રાજ્યોની સરકારોના કામને રોકવાનો પ્રયાસ કરે છે. હવે પંજાબમાં પણ આવુ જ જોવા મળી રહ્યુ છે.

આ સાથે આપ નેતા સૌરભ ભારદ્વાજે રાજ્યપાલને નફરત છોડીને પ્રેમ ફેલાવવાની અપીલ કરી હતી. હાથમાં રાખેલ ગુલાબનુ ફૂલ બતાવીને તેમણે કહ્યુ કે તમને આ ફૂલ આપીને અમે એવો સંદેશ આપવા માંગીએ છીએ કે પ્રેમ ફેલાવો, નફરત નહીં. આ પછી તેમણે પ્રશ્નાર્થ સ્વરમાં પૂછ્યું કે શું શિક્ષકોને તાલીમ માટે વિદેશ મોકલવા ખોટું છે? કોની નિમણૂક કરવી અને કોને નહીં, તે રાજ્ય સરકારનો અધિકાર છે.
તેમણે આરોપ લગાવ્યો કે પહેલા કેન્દ્ર સરકાર ઉપરાજ્યપાલ દ્વારા દિલ્લીની ચૂંટાયેલી સરકારને રોકવાનુ કામ કરતી હતી, હવે પંજાબમાં પણ આ જ કામ શરૂ કરી દીધુ છે. વાસ્તવમાં, હાલમાં દિલ્લી અને પંજાબ સહિત બે રાજ્યોમાં આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર છે. દિલ્લીમાં કેજરીવાલ સરકાર એલજી વીકે સક્સેના સાથે ઘર્ષણમાં છે. હવે પંજાબમાં ભગવંત માન અને રાજ્યપાલ પુરોહિત વચ્ચે ટક્કર શરૂ થઈ ગઈ છે.
સીએમ ભગવંત માને રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતના પત્ર પર તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે તેમની જવાબદેહી પંજાબની જનતા માટે છે, રાજ્યપાલ માટે નહીં. આ સિવાય પંજાબ એસેમ્બલીમાં બોલતા સીએમ ભગવંત માને રાજ્યપાલનુ નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે 'સિલેક્ટેડ' લોકોએ 'ચૂંટાયેલી' સરકારના કામમાં અવરોધ ન કરવો જોઈએ. આ સાથે તેમણે વધુમાં કહ્યુ હતુ કે 'પસંદ કરેલા' લોકોએ ચૂંટાયેલી સરકારને કાયદાકીય ધમકીઓ આપવાની ભૂલ ન કરવી જોઈએ. બીજી તરફ રાજ્યપાલના પત્રના જવાબમાં મુખ્યમંત્રી માને પત્ર લખીને તેમની લાયકાત વિશે પૂછ્યુ છે. તેમણે કહ્યુ છે કે કઈ લાયકાતના આધારે રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે.
પંજાબ સરકાર દ્વારા શિક્ષકોને તાલીમ માટે સિંગાપુર મોકલવા પર રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે સોમવારે પંજાબ સરકારને પૂછ્યુ કે શિક્ષકોને તાલીમ માટે વિદેશ કેમ મોકલવામાં આવ્યા. આ સાથે રાજ્યપાલે સરકારને 15 દિવસમાં જવાબ આપવા કહ્યુ હતુ. આ ઉપરાંત રાજ્યપાલ દ્વારા એવુ પણ કહેવામાં આવ્યુ હતુ કે જો આ મામલે સમયસર જવાબ નહીં આપવામાં આવે તો કાયદાકીય સલાહ લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
