અમર જવાન જ્યોતિ આજે ઓલવાઈ જશે તેનું દુઃખ છે, રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર!
ઈન્ડિયા ગેટની જગ્યાએ હવે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે અમર જવાન જ્યોતિ જલાવવાનો નિર્ણય લીધો છે.
ઈન્ડિયા ગેટની જગ્યાએ હવે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે અમર જવાન જ્યોતિ જલાવવાનો નિર્ણય લીધો છે. ભારતે હવે પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધના 50 વર્ષ પૂરા થવાના અવસર પર આ અમર જવાન જ્યોતિને નેશનલ વોર મેમોરિયલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રના આ નિર્ણય પર સવાલ ઉઠાવતા મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, આ ખૂબ જ દુઃખની વાત છે કે જે અમર જ્યોતિ આપણા બહાદુર જવાનો માટે સળગતી હતી તે આજે બુઝાઈ જશે. કેટલાક લોકો દેશભક્તિ અને બલિદાનને સમજી શકતા નથી, કોઈ વાંધો નથી. અમે અમારા સૈનિકો માટે ફરી એકવાર અમર જવાન જ્યોતિને જલાવીશું!
અમર જવાન જ્યોતિ 1972માં ઇન્ડિયા ગેટ પર બનાવવામાં આવી હતી. તે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં સર્વોચ્ચ બલિદાન આપનાર સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યું હતું. આ યુદ્ધના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેને નેશનલ વોર મેમોરિયલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ તરીકે જે જ્યોત પ્રગટે છે તેને પ્રજાસત્તાક દિવસ પહેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં બળતી જ્યોત સાથે ભેળવી દેવામાં આવશે.
અમર જવાન જ્યોતિ સ્મારકની ટોચ પર એક ઊંધી બંદૂક અને સૈનિકનું હેલ્મેટ છે, જેની બાજુમાં એક શાશ્વત જ્યોત સળગતી હોય છે. 2019માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે અમર જવાન જ્યોતિની મૂળ જ્યોત અહીં પ્રગટાવવામાં આવશે.
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકના નિર્માણ પહેલા ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રના વડા, આર્મી ચીફ અને અતિથિ પ્રતિનિધિ અમર જવાન જ્યોતિ પર જ શહીદ સૈનિકોનું સન્માન કરતા હતા, પરંતુ પછીથી આ સમગ્ર પ્રક્રિયાને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં ખસેડવામાં આવી હતી. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે નવી અમર જવાન જ્યોતિની જ્યોત પ્રગટાવવામાં આવી છે. હવે તમામ પ્રસંગોએ અહીં શહીદોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવે છે.
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક એ સૈનિકો અને ગુમનામ નાયકોની યાદમાં બનાવવામાં આવ્યું હતું, જેમણે આઝાદી પછી દેશની રક્ષા કરતી વખતે પોતાનો જીવ આપ્યો હતો. ઇન્ડિયા ગેટ સંકુલમાં 40 એકરમાં ફેલાયેલા નવા સ્મારકની દિવાલો પર શહીદ સૈનિકોના નામ છે.












Click it and Unblock the Notifications
