મોદી, અડવાણીના કળયુગી પુત્રઃ જેડીયુ
પટના, 13 સપ્ટેમ્બરઃ ભાજપ સાથે પોતાનું ગઠબંધન તોડનારા જેડુયુએ બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. જેડીયુના રાજ્યસભાના સભ્ય શિવાનંદ તિવારીએ સુશીલ મોદીને અડવાણીના કળયુગી પુત્ર ગણાવ્યા છે, જે માતા- પિતાનું અપમાન કરે છે. તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓએ એ વાતને ભૂલવી જોઇએ નહીં કે અડવાણીના નેતૃત્વમાં જ ભાજપે બે બેઠકોમાંથી 182 બેઠકો સુધીનો આંકડો પહોંચાડ્યો છે અને હવે તેમને પાર્ટીમાંથી સાઇડલાઇન કરવામાં આવી રહ્યાં છે.
આ બાબત ધ્યાન આપવા યોગ્ય છે કે, સુશીલ કુમાર મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, અડવાણી લોકોનો મૂડ સમજી રહ્યાં નથી. લોકો ઇચ્છે છે કે નરેન્દ્ર મોદીને આગળ કરવામાં આવે પરંતુ તે પોતે જ પોતાની મહત્વકાંક્ષા પૂરી કરવા માટે જીદ પર અડેલા છે. જેડીયુએ ભાજપ સાથે 16 જૂને પોતાનું ગઠબંધન તોડી નાંખ્યુ હતું. જેડીયુ નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવાના વિરોધમાં હતું.
જેડીયુના રાજ્ય પાર્ટી પ્રવક્તા સંજય સિંહ અને રાજીવ રંજન પ્રસાદે સુશીલ મોદીને અવસરવાદી ગણાવ્યા છે અને કહ્યું છે કે તે હંમેશાથી નરેન્દ્ર મોદીનો વિરોધ કરતા આવ્યા છે, પરંતુ હવે ગુજરાતના મુખ્યમંત્રીના વખાણ કરી રહ્યાં છે. તેમના આ નિવેદનથી રાજ્યના કાર્યકર્તાઓ પણ હેરાન થયા છે. ભાજપમાં હવે અડવાણીને છોડીને તમામ નેતા મોદીના પક્ષમાં છે, અને કાર્યકર્તાઓ પણ મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાની વાત કરી રહ્યાં છે.