Karnataka Election : કર્ણાટકમાં કોણ કોના પર ભારી? જાણો જાતિગત સમીકરણ
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા જ હવે રાજકીય સમીકરણો તેજ થઈ રહ્યા છે. ઉત્તર ભારતની જેમ કર્ણાટકમાં પણ જાતિ અને ધાર્મિક સમીકરણો ચૂંટણીમાં મોટી ભૂમિકા ભજવે છે. કર્ણાટક વિધાનસભામાં કુલ 225 સીટો છે, જેમાંથી 224 સીટો પર મતદાન થશે. એક સીટ નામાંકિત ધારાસભ્ય માટે અનામત રહે છે. અહીં અનુસૂચિત જાતિ માટે 36 અને અનુસૂચિત જનજાતિ માટે 15 બેઠકો અનામત છે. હાલ રાજ્યમાં ભાજપ પાસે 119, કોંગ્રેસના 75 અને જનતા દળ (સેક્યુલર) પાસે 28 ધારાસભ્યો છે.

કર્ણાટકમાં દલિતો અને આદીવાસી પ્રભાવી
કર્ણાટક વિધાનસભાની અનામત બેઠકોની સરખામણીમાં દલિતો અને આદિવાસીઓની વાત કરીએ તો ચૂંટણીના સમીકરણમાં સમાજના આ બે મહત્વના વર્ગોનો પ્રભાવ છે. રાજ્યના જ્ઞાતિ પરિબળમાં દલિત સમાજની મોટી ભૂમિકા રહે છે. અહીં તેની વસ્તી 20 ટકા છે. જેનો અર્થ છે કે દલિત મતદારો જે પણ પક્ષ તરફ ઝુકે તે પાર્ટીને ફાયદો થઈ શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસની રાજનીતિનો અનુભવી ચહેરો છે અને તે આ સમાજમાંથી રાજકારણમાં આગળ વધીને દેશની સૌથી જૂની પાર્ટીના સર્વોચ્ચ પર પર છે.

લિંગાયત સમુદાય નિર્ણાયક
રાજ્યમાં અનુસૂચિત જાતિ પછી સૌથી વધુ પ્રભાવશાળી મત બેંક લિંગાયત સમુદાયની છે. અહીં લિંગાયતોની વસ્તી 17 ટકા છે અને આ સમાજ કર્ણાટકના રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. રાજ્યમાં ભાજપના સૌથી મોટા દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા આ સમુદાયમાંથી આવે છે. હાલ મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ પણ લિંગાયત સમુદાયના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મોટા નેતાઓ લિંગાયત મઠની મુલાકાત લેતા રહે છે.

રાજ્યમાં 16 ટકા ઓબીસી વસ્તી
કર્ણાટકમાં ઓબીસી અને અન્ય પછાત જાતીઓની વોટબેંક પણ મહત્વની છે. ઓબીસીમાં કુરુબા જાતિની વસ્તી 7 ટકા છે. બાકીની કુલ OBC વસ્તી પણ 16 ટકા છે. કુરુબા જાતિ પરંપરાગત રીતે ઘેટાં ઉછેર સાથે સંકળાયેલી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આ સમુદાયના છે. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના ઘણા દિગ્ગજો પણ ઓબીસી સમાજના છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર પણ ઓબીસીમાંથી આવે છે.

મુસ્લિમ વોટબેંકથી કોંગ્રેસને મોટો ફાયદો
અહીં મુસ્લિમ વોટ બેંક કોંગ્રેસ અને જેડીએસ માટે મદદગાર સાબિત થઈ છે. આ જ કારણ છે કે હાલની ભાજપ સરકારે મુસ્લિમો માટેનો 4 ટકા ક્વોટા નાબૂદ કર્યો છે તો કોંગ્રેસે સરકારમાં આવીને તેને પલટાવવાનું વચન આપ્યું છે. મુસ્લિમો રાજ્યની વસ્તીના 16 ટકા હિસ્સો ધરાવે છે અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

અનુસૂચિત જનજાતિની વસ્તી 5 ટકા
આ સિવાય કર્ણાટકમાં અનુસૂચિત જનજાતિની વસ્તી 5 ટકા છે. આ સિવાય 3 બ્રાહ્મણો અને 3 ખ્રિસ્તીઓ પણ થોડો પ્રભાવ ધરાવે છે. કર્ણાટકમાં ભાજપ શરૂઆતથી હિન્દુઓને એક જૂથ તરીકે એક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. બીજેપીની આ રણનીતિ કોંગ્રેસ અને જેડીએસના ચૂંટણી સમીકરણોને બગાડી શકે છે. આ જ કારણ છે કે મુસ્લિમ કોટા અને ટીપુ સુલતાન જેવા મુદ્દાઓ પર ઉગ્ર રાજનીતિ ચાલી રહી છે.

કર્ણાટકમાં ધર્મ અને જાતિગત સમીકરણો
દલિત : 20 ટકા
લિંગાયત : 17 ટકા
OBC : 23 ટકા
વોક્કાલિગા : 11 ટકા
મુસ્લિમ : 16 ટકા
આદિવાસી : 5 ટકા
બ્રાહ્મણ : 3 ટકા
ખ્રિસ્તી : 3 ટકા












Click it and Unblock the Notifications
