Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી તારીખોનુ એલાન કાલે થશે બપોરે 3 વાગે, અહીં જાણો કેવુ હશે આ વખતે શિડ્યુલ
Lok Sabha Election 2024: દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે. કાલે, 16 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે, 16 માર્ચે બપોરે 3 વાગે પ્રેસ કૉન્ફરન્સ યોજીને સામાન્ય ચૂંટણી 2024 અને કેટલાક રાજ્યોની વિધાનસભાઓનું સમયપત્રક જાહેર કરવામાં આવશે. તે ECIના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.
ચૂંટણી પંચના બે નવા ચૂંટણી કમિશનરોના નામ પણ ફાઈનલ થઈ ગયા છે. 14 માર્ચ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પસંદગી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેરળના જ્ઞાનેશ કુમાર અને પંજાબના બલવિંદર સંધુના નામ નક્કી કરવામાં આવ્યા છે. આ બેઠકમાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ પણ ભાગ લીધો હતો.

ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાય તેવી શક્યતા છે.
બુધવારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ અનેક રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ મળ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તમામ પક્ષોએ જમ્મુ-કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની માંગ કરી છે.
ચૂંટણી પંચ જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરશે. જો કે, જમ્મુ-કાશ્મીર પર શું નિર્ણય લેવામાં આવશે તે અંગે હજુ કંઈ સ્પષ્ટ થયું નથી. એવી ધારણા છે કે આગામી લોકસભા ચૂંટણી પણ 2019ની જેમ સાત તબક્કામાં યોજાઈ શકે છે.
ગઈ વખત એટલે કે 2019માં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કો 11 એપ્રિલે યોજાયો હતો. છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ પૂર્ણ થયું હતું. 2019માં 11 એપ્રિલ, 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19 મેના રોજ મતદાન થયું હતું. જ્યારે 23 મેના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. ગત વખતે લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી.












Click it and Unblock the Notifications
