મહારાષ્ટ્રમાં રસપ્રદ બન્યો ચૂંટણી મુકાબલો, કોંગ્રેસ-એનસીપીના પક્ષમાં ઉતર્યા રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધનના ઉમેદવારો માટે પ્રચાર કરશે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધનના ઉમેદવારો માટે પ્રચાર કરશે. ભાજપના સહયોગી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેએ પોતાના ઉમેદવાર ચૂંટણીમાં ઉતાર્યા નથી. ચૂંટણીમાં તે ભાજપને હરાવવા માટે રેલીઓ કરવા જઈ રહ્યા છે. તે કોંગ્રેસ-એનસીપીના પક્ષમાં ઘણી સીટો પર પ્રચાર માટે જશે.

શનિવારથી કરશે રેલીઓ
રાજ ઠાકરે કોંગ્રેસ-એનસીપી ગઠબંધનના પક્ષમાં શનિવારથી રેલીઓની શરૂઆત કરી શકે છે. તે ઘણા મુખ્ય કોંગ્રેસ નેતાઓ સાથે મંચ શેર કરતા જોવા મળશે. રાજ ઠાકરે દક્ષિણ મુંબઈમાં મિલિન્દ દેવડા, ઉત્તરી મુંબઈમાં અભિનેત્રી ઉર્મિલા માતોંડકર અને ઉત્તર મધ્ય મુંબઈમાં પ્રિયા દત્તના પક્ષમાં પ્રચાર કરશે. આ ઉપરાંત સુશીલ કુમાર શિંદે, સુપ્રિયા સુલે, સમીર ભુજબળ અને અશોક ચવ્વાણ માટે પણ પ્રચાર કરશે.

મનસેના ઉમેદવાર મેદાનમાં નથી
આ લોકસભા ચૂંટણીમાં મનસેના કોઈ પણ ઉમેદવાર મેદાનમાં નથી. મનસેના કોઈ ધારાસભ્ય પણ મહારાષ્ટ્ર વિધાનસભામાં નથી. બીએમસીમાં પણ પાર્ટીનો માત્ર એક વ્યક્તિ છે. એવામાં કોંગ્રેસ જ્યાં એક તરફ તેમને ચૂંટણી પ્રચારમાં ઉતારીને શિવસેના અને ભાજપની મતબેંકમાં ગાબડુ પાડવા માંગે છે તો બીજી તરફ રાજને ભવિષ્યમાં આનાથી લાભ દેખાઈ રહ્યો છે.

મોદીનો કરી રહ્યા છે વિરોધ
છેલ્લા ઘણા સમયથી રાજ ઠાકરે સતત નરેન્દ્ર મોદી અને કેન્દ્રની એનડીએ સરકારની ટીકા કરી રહ્યા છે. 2014માં રાજ ઠાકરેને મોદી અને ભાજપની નજીક માનવામાં આવતા હતા પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં તેમણે છેડો ફાડીને નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો છે. મહારાષ્ટ્રમાં 48 સીટો પર પ્રારંભિક ચાર તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા ફેઝમાં 7 સીટો પર 11 એપ્રિલે, બીજા ફેઝમાં 10 સીટો પર 18 એપ્રિલના રોજ, ત્રીજા ફેઝમાં 14 સીટો પર 23 એપ્રિલે અને ચોથા ફેઝમાં 17 સીટો પર 29 એપ્રિલે ચૂંટણી યોજાશે.












Click it and Unblock the Notifications
