સર્વેઃ તમિળનાડુમાં ભાજપ ખોલશે ખાતુ, કેરળમાં રાહુલ લોકપ્રિય
નવી દિલ્હી, 2 એપ્રિલઃ જો અત્યારે ચૂંટણી હાથ ધરવામાં આવે તો કર્ણાટક, કેરળ, તમિળનાડુ અને આંધ્ર પ્રદેશમાં કોને કેટલી બેઠક મળશે. જે અંગે આઇબીએન 7 અને સીડીએસ ઇલેક્શન ટ્રેકર હેઠળ સીડીએસએ સર્વે હાથ ધર્યો છે. આ સર્વેના આધારે બેઠકોનું અનુમાન ચેન્નાઇ મેથેમેટિકલ ઇન્સ્ટીટ્યૂટના ડિરેક્ટર ડોક્ટર રાજીવ લક્ષ્મણ કરંધિકરે કર્યો છે. જેમાં તમિળનાડુમાં ભાજપ ખાતું ખોલશે, કર્ણાટકમાં મોદીની લહેર જોવા મળી રહી છે, જ્યારે કેરળમાં મોદી કરતા રાહુલ ગાંધી વધારે લોકપ્રિય હોવાનું સર્વેમાં જાણવા મળી રહ્યું છે.
આંધ્ર પ્રદેશના ભાગલા બાદ તમિળનાડુ સૌથી વધારે બેઠકો વાળું દક્ષિણી રાજ્ય છે. અહીં લોકસભાની 39 બેઠકો છે. 8 દળે સાથે ભાજપનું ગઠબંધન શું ઉલટફેર કરશે તેના પર બધાની નજર છે. બીજી તરફ જયલલિતાની બઢત તેમને ત્રીજા મોરચામાં ટોચ પર પહોંચાડી શકે છે. તમિળનાડુમાં કરૂણાનિધિની ડીએમકે આ વખતે કોંગ્રેસના સાથ વગર જ મેદાનમાં છે. જો કે કરૂણાનિધિને તેમના પુત્રથી જ ખતરો છે.
કર્ણાટકમાં લોકસભાની 28 બેઠકો છે. અહીં કોંગ્રેસની સામે વિધાનસભાના પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પડકાર છે. તો યેદુરપ્પાની વાપસીથી ભાજપ ઉત્સાહમાં છે. કર્ણાટકમાં ભાજપને મોદની લહેર પર સંપૂર્ણપણે વિશ્વાસ છે. કેરળમાં લોકસભાની 20 બેઠકો છે. અહીં કોંગ્રેસની સામે કિલ્લો બચાવવાનો પડકાર છે. મુખ્ય લડાઇ કોંગ્રેસ અને લેફ્ટ વચ્ચે છે. લેફ્ટને જીતની જરૂર છે, જેથી તે પોતાનું રાષ્ટ્રીય મહત્વ જાળવી રાખે. બીજી તરફ ભાજપ બન્નેના મત બેન્કો તોડવાનો પ્રયાસ કરશે. તો ચાલો તસવીરો થકી એક નજર ફેરવીએ સર્વે પર.

તમિળનાડુ
39 લોકસભા બેઠકોવાળા તમિળનાડુમાં માર્ચમાં કરવામાં આવેલા સર્વે અનુસાર AIADMKને 15થી 21 બેઠકો મળી શકે છે. DMKને 10થી 16 અને ભાજપ તથા તેમના સહયોગી દળોને 6થી 10 બેઠકો મળી શકે છે.

કર્ણાટક
કર્ણાટકમાં કુલ 28 બેઠકો છે. સર્વે અનુસાર કોંગ્રેસને સૌથી વધારે 12થી 18 બેઠકો મળી શકે છે. ભાજપને 7થી 13 બેઠકો મળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં 1થી 4 બેઠકો આવી શકે છે.

કેરળ
સર્વે અનુસાર કુલ 20 લોકસભા બેઠકોવાળા કેરણમાં UDFને 11થી 17 બેઠકો મળવાની આશંકા છે. જ્યારે LDFના ખાતામાં 4માંથી 8 બેઠકો મળી શકે છે.

આંધ્ર પ્રદેશ
આંધ્ર પ્રદેશમાં સર્વે અનુસાર 42 બેઠકોમાંથી કોંગ્રેસને 4થી 8 બેઠકો મળી શકે છે. YSR CONGને 9થી 15 બેઠકો, ટીડીપીને 13થી 19 બેઠકો અને ટીઆરએસને 4થી 8 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપનું ખાતું ખુલવું મુશ્કેલ જણાઇ રહ્યું છે.

યેદુરપ્પાના પુનરાગમનથી ફાયદો કે નુક્શાન
સર્વે અનુસાર યેદુરપ્પાના પુનરાગમનથી ભાજપને 35 ટકા મત મળવાના અણસાર છે, જ્યારે 54 ટકા મત તેની વિરુદ્ધમાં છે. યેદુરપ્પાના પુનરાગમન અંગેનો પ્રશ્ન ભાજપના મતદાતાઓને કરવામાં આવ્યો તો 50 ટકા સમર્થનમાં અને 45 ટકા આ નિર્ણયની વિરુદ્ધમાં જોવા મળ્યા છે.

કોણ બનશે વડાપ્રધાન?
કર્ણાટકની વાત કરવામાં આવે તો મોદીને 32 ટકા, રાહુલ ગાંધીને 27 ટકા, સોનિયા ગાંધીને 8 ટકા અને એટડી દેવેગૌડાને 7 ટકા લોક પસંદ કરી રહ્યાં છે. કેરળમાં 24 ટકા લોકો રાહુલ ગાંધીને અને 12 ટકા લોકો નરેન્દ્ર મોદીને પસંદ કરી રહ્યાં છે. તમિળનાડુમાં 24 ટકા નરેન્દ્ર મોદીને, 17 ટકા જયલલિતાને અને 9 ટકા લોકો રાહુલ ગાંધીને પસંદ કરી રહ્યાં છે. આંધ્ર પ્રદેશ અને તેલંગણમાં મોદીને અનુક્રમે 21 અને 30 ટકા લોકો, રાહુલ ગાંધીને અનુક્રમે 3 ટકા અને 21 ટકા લોકો પસંદ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
