બીજેપીની કાર્યકારીણીમાં 9 રાજ્યોની ચૂંટણી પર નજર, જાણો બીજી શું શું ચર્ચા થઈ?
બીજેપી કાર્યકારીણીમાં પીએમ મોદી, અમિત શાહ, નિર્મલા સીતા રમણ સહિત બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી ચૂંટણી કેન્દ્ર સ્થાને રહી.
દિલ્હીમાં એનડીએમસી કન્વેંશન સેન્ટરમાં બીજેપીની કાર્યકારીણી યોજાઈ રહી છે. આ દરમિયાન આજે પહેલા દિવસે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બીજેપી કાર્યકારીણીમાં પીએમ મોદી, અમિત શાહ, નિર્મલા સીતા રમણ સહિત બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી ચૂંટણી કેન્દ્ર સ્થાને રહી.

આ વર્ષે 9 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે આ બે દિવસીય કાર્યકારીણીનું આયોજન કર્યું છે. આ ચૂંટણીઓને 2024ની લોકસભા ચૂંટણીની સેમીફાઇનલ તરીકે જોવાઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત 35 કેન્દ્રીય મંત્રીઓ, 12 મુખ્યમંત્રીઓ અને 37 પ્રાદેશિક વડાઓએ બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના પહેલા દિવસે હાજરી આપી હતી.
બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, પેગાસસ, રાફેલ, ઇડી, સેન્ટ્રલ વિસ્ટા, આરક્ષણ અને નોટબંધી આ એવા વિષયો હતા જેના પર વિપક્ષે પાયાવિહોણા દાવાઓ કરી વડાપ્રધાન પર પ્રહારો કર્યા. પરંતુ તેમને કોર્ટમાં હારનો સામનો કરવો પડ્યો. બીજી તરફ ગુજરાતમાં ભાજપની જીત પર નાણામંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં અમે એન્ટી ઈન્કમ્બન્સીને પ્રો ઈન્કમ્બન્સીમાં બદલીને જીત નોંધાવી છે. આ કોઈ સામાન્ય નહીં પરંતુ ઐતિહાસિક જીત છે. ગુજરાતની જીતની અસર આવનારી ચૂંટણીમાં પણ ચોક્કસપણે જોવા મળશે.
મીડિયા સાથે વાત કરતા બીજેપી નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, 2023 અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમારે 9 રાજ્યોમાં ચૂંટણી લડવાની છે. રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજીએ સમગ્ર કાર્યકારિણીને ચૂંટણી માટે સજ્જ થવા હાકલ કરી, અમારે તમામ 9 રાજ્યોમાં જીત નોંધાવવી છે.
2014થી દેશની સિદ્ધિઓનું વર્ણન કરતાં રવિશંકરે કહ્યું કે, ગુલામીના દુ:ખદ ભૂતકાળને ખતમ કરીને અમે 75 વર્ષથી ચાલતા રાજપથને કર્તવ્યપથમાં બદલીને પરંપરાઓ પર ગર્વ લઈ કાશી કોરિડોરનું નિર્માણ કર્યું, મહાકાલ લોકનું નિર્માણ થયું, કેદારનાથની ભવ્યતા પુનઃસ્થાપિત થઈ અને હવે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.
સુત્રો અનુસાર, બેઠકમાં કર્ણાટક, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયના બીજેપીના પ્રદેશ અધ્યક્ષોએ પોતાના અહેવાલ રજૂ કર્યા. મંગળવારે રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમના ભાજપના ચૂંટણી અધ્યક્ષો તેમના રાજ્યના અહેવાલો રજૂ કરશે.












Click it and Unblock the Notifications
