ગુજરાત, બિહાર, યુપી, એપીમાં સાતમા તબક્કા માટે પ્રચાર શાંત, 30 એપ્રિલે મતદાન
નવી દિલ્હી, 28 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014ના સાતમા તબક્કા માટેના પ્રચારનાં પડઘમ સોમવાર સાંજે છ વાગ્યાથી શાંત થઇ ગયા છે. હવે 30 એપ્રિલના રોજ દેશના 9 રાજ્યોની 89 બેઠકો માટે મતદાન યોજાશે.
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાની ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરની 1 બેઠક, ઉત્તર પ્રદેશની 14, પંજાબની 13, બિહારની 7, બંગાળની 9, ગુજરાતની તમામ 26 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશની 17 બેઠકો, કેન્દ્ર શાસિત દાદરા નગર હવેલી અને દીવ-દમણની 1-1 બેઠક માટે પણ 30 એપ્રિલનાં રોજ મતદાન યોજાશે.

સાતમાં તબક્કાનાં મતદાન માટે આજે પ્રચારનો અંતીમ દિવસ હોવાથી રાજકીય પક્ષોનાં દિગ્ગજ નેતાઓએ આજે ઘણી રેલીઓને સંબોધિત કરી હતી. આ ઉપરાંત તેમણે રૂબરૂમાં ઘરે ઘરે ફરીને મત માંગવાનો માર્ગ પણ અપનાવ્યો હતો.
તમામ નેતાઓએ મતદારોને વોટ કરવાની અપીલ કરી હતી. ભાજપનાં પીએમ પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં ચાર રેલીઓને સંબોધી હતી. મોદીએ પ્રથમ રેલી અમરેલીમાં યોજી હતી ત્યારબાદ તેમણે પંચમહાલ, નડિયાદ અને મોડાસામાં વિશાળ જનમેદનીઓને સંબોધી હતી.
માર્ચમાં ચૂંટણીઓની જાહેરાત થઇ અને બીજી એપ્રિલે તેનું સત્તાવાર જાહેરનામું બહાર પડયું તે પછીનાં અંદાજે પંચાવન કરતા વધુ દિવસોમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચારે ધીરે ધીરે વેગ પકડ્યો હતો. આ વેગ હવે શાંત પડી ગયો છે.
કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આજે યુપી અને પંજાબમાં રેલીઓ યોજી હતી. પંજાબમાં રાહુલે ભટીંડા અને ફરીદકોટમાં અને યુપીમાં કાનપુર અને હમીરપુરમાં પ્રજાને સંબોધી હતી. પ્રિયંકા ગાંધી પણ આજે પ્રચારનાં અંતીમ દિવસે રાયબરેલીમાં લોકોને મળ્યા હતાં પણ આજે પ્રિયંકાએ રોડ-શો યોજી લોકો પાસે માતા સોનિયા ગાંધી માટે વોટ માંગ્યા હતાં.












Click it and Unblock the Notifications
