Maharashtra Political crisis : ઉદ્ધવ ઠાકરેને ન મળી રાહત, મહારાષ્ટ્રમાં બની રહેશે શિંદે સરકાર
મહારાષ્ટ્રમાં શિવસેના વિવાદને લઈને સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. ગુરુવારના રોજ આ મુદ્દે પોતાનો ચુકાદો આપતાં બંધારણીય બેચે તેને સુનાવણી માટે મોટી બેચ પાસે મોકલી દીધો છે. હવે સુપ્રીમ કોર્ટની સાત જજોની બેચ આ મુદ્દે સુનાવણી કરશે.
ખંડપીઠે નોંધ્યું હતું કે, સ્પીકરે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે નિર્ણય લેવો જોઈએ. અમે આ નિર્ણય નહીં લઈએ અને જૂની યથાસ્થિતિને પુનઃસ્થાપિત કરી શકીએ નહીં. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે શિવસેનાના બળવા અંગે ઉદ્ધવ ઠાકરેને ઝટકો આપ્યો હતો.

આ મામલાને મોટી બેચને મોકલતી વખતે બંધારણીય બેચે પણ તીખી ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે, સ્પીકર બે જૂથોની રચનાથી વાકેફ હતા. ભરત ગોગાવલેને મુખ્ય દંડક બનાવવાનો સ્પીકરનો નિર્ણય ખોટો હતો. સ્પીકરે તપાસ કરીને નિર્ણય લેવો જોઈતો હતો. સ્પીકરે પક્ષના વ્હીપને જ ઓળખવું જોઈએ. તેણે યોગ્ય વ્હીપને જાણવાનો પ્રયાસ કર્યો ન હતો.
આ સાથે કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, આંતરિક મતભેદોનું સમાધાન ફ્લોર ટેસ્ટ દ્વારા શક્ય નથી. રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ કરાવતા પહેલા સલાહ લેવી જોઈતી હતી. રાજ્યપાલે પક્ષના મતભેદમાં દખલ ન કરવી જોઈએ. મૂળ પક્ષનો દાવો સાચો નથી. ચૂંટણી પંચને પ્રતીક જાહેર કરવાથી રોકી શકાય નહીં. વિશ્વાસ મત માટે આંતરિક વિખવાદનો આધાર પૂરતો નથી.
રાજ્યપાલના નિર્ણય પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, રાજ્યપાલે જે નિર્ણય લીધો છે, તે બંધારણની વિરુદ્ધ છે. કોર્ટે જણાવ્યું હતું કે, સરકાર પુનઃસ્થાપિત કરી શકાતી નથી. કારણ કે, મહારાષ્ટ્ર મુખ્યમંત્રીએ પહેલા જ રાજીનામું આપી દીધું છે. જો ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું ન આપ્યું હોત તો રાહત મળી શકી હોત. કોર્ટ સ્વેચ્છાએ આપેલા રાજીનામાને રદ કરી શકે નહીં.
એકનાથ શિંદેની સાથે 15 ધારાસભ્યોના બળવા પછી, ઉદ્ધવ જૂથે તેમને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. બીજી તરફ, બળવાખોર નેતા એકનાથ શિંદે વતી પણ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ડેપ્યુટી સ્પીકર દ્વારા અપાયેલી ગેરલાયકાતની નોટિસને પડકારવામાં આવી હતી.
અરજીમાં ડેપ્યુટી સ્પીકરને હટાવવાની દરખાસ્તનો નિર્ણય ન આવે, ત્યાં સુધી આ મામલે ગેરલાયકાતની અરજી પર કોઈ પગલાં લેવાથી ડેપ્યુટી સ્પીકરને રોકવાની માંગ કરવામાં આવી હતી.
આ મામલાની છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ વિશે તીખી ટિપ્પણી કરતા અનેક સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે, શું રાજ્યપાલ રાજકીય પક્ષમાં આંતરિક બળવાના આધારે ફ્લોર ટેસ્ટ કરાવી શકે છે? શું રાજ્યપાલને એ વાતની જાણ ન હતી કે વિધાનસભા ગૃહ બોલાવતી વખતે આ બળવા તરફ દોરી શકે છે?
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચ જેણે આ નિર્ણય આપ્યો, તેમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણા મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે. નવ દિવસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે 16 માર્ચના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલની શરૂઆત ગયા વર્ષે જૂનમાં થઈ હતી. એકનાથ શિંદેએ 15 ધારાસભ્યો સાથે બળવો કર્યો હતો. ધારાસભ્યોના બળવા બાદ મહા વિકાસ આઘાડી સામે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે દ્વારા ટેબલ પર બેસીને વાતચીત કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો, પરંતુ શિંદે જૂથ તૈયાર ન હતું.
ધારાસભ્યોના બળવા બાદ તેમાં ભાજપની એન્ટ્રી થઈ હતી. ભાજપે શિંદે જૂથ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી અને એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા હચા. ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.
આ મામલાની સુનાવણી દરમિયાન, એકનાથ શિંદે જૂથે દલીલ કરી હતી કે, રાજ્યપાલ પાસે ફ્લોર ટેસ્ટ કરાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. એટલા માટે રાજ્યપાલ માટે ફ્લોર ટેસ્ટ માટે પૂછવું ખોટું ન હોઈ શકે.












Click it and Unblock the Notifications
