મનરેગાને લઈને મમતા બેનર્જીએ કેન્દ્ર સામે મોરચો ખોલ્યો, બાકી ફંડ માટે ધરણા પર બેઠી
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એક વખત કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. મનરેગાના બાકી રૂપિયા માટે મમતા બેનર્જી ધરણા પર બેઠી છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમની બાકી ચૂકવણી માટે આ ધરણા શરૂ કર્યા છે.

મમતા બેનર્જીએ રેડ રોડ પર આંબેડકરની પ્રતિમા સામે શરૂ કરેલા 48 કલાકના ધરણામાં મુખ્યમંત્રીની સાથે રાજ્યના ઘણા મંત્રીઓ, સાંસદો અને તૃણમૂલ કોંગ્રેસની મહિલા પાંખ પણ જોડાઈ હતી.
હાલમાં જ મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે તે રાજ્યના મનરેગા ફંડની બાકી ચૂકવણી રોકવાના કેન્દ્રના વિરોધમાં 2 ફેબ્રુઆરીથી વિરોધ પ્રદર્શન કરશે.
આ અવસર પર તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે આરોપ લગાવ્યો કે, રાજ્યના 21 લાખથી વધુ મનરેગા કામદારોના લેણાંની ચુકવણી 25 મહિનાથી વધુ સમયથી બાકી છે.
રાજ્યના શિક્ષણ મંત્રી બ્રત્ય બસુએ કહ્યું કે, મનરેગા ફંડ માત્ર સંખ્યા નથી. તે વાસ્તવિક જીવનને અસર કરે છે. કેન્દ્રની બીજેપી સરકાર દ્વારા લોકોને થતા અન્યાય સામે બંગાળનો પડઘો દેશભરમાં ગુંજશે. અમારો યોગ્ય હક્ક મેળવવા માટે આ હડતાળમાં અમને કોઈ નહીં રોકી શકે.
મમતા બેનર્જી પાંચ સાંસદો સાથે ગયા વર્ષે 20 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને રાજ્યને બાકી કેન્દ્રીય ભંડોળ છોડવાની માંગ કરી હતી. બેઠકમાં વડાપ્રધાને પ્રસ્તાવ મૂક્યો હતો કે કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ સાથે બેસીને સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે.
મમતા બેનર્જીએ કહ્યું કે, 155 કેન્દ્રીય ટીમો રાજ્યની મુલાકાત લઈ ચૂકી છે અને રાજ્ય સરકારે કેન્દ્ર દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અંગે સ્પષ્ટતા પણ કરી છે પરંતુ તેમ છતાં હજુ સુધી ભંડોળ જારી કરાયું નથી.












Click it and Unblock the Notifications
