Manipur Violence: મણિપુરમાં ફરી ફાટી નીકળા હિંસા, ચાર ઉગ્રવાદીઓ સહિત પાંચના મોત
Manipur Violence: લાંબા સમયની શાંતિ બાદ ફરી મણિપુરમાં હિંસાની ઘટના પ્રકાશમાં આવી મણિપુરના જીરીબામ જિલ્લામાં શનિવારે સવારે ફરી હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં ચાર આતંકવાદીઓ અને એક નાગરિક માર્યા ગયા હતા.
જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, નાગરિકની તેના ઘરની અંદર હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. આ ફાયરિંગમાં ચાર આતંકીઓ પણ માર્યા ગયા હતા.
મણિપુરમાં તૈનાત એક અધિકારીએ જણાવ્યું કે વહેલી સવારે આતંકવાદીઓ જિલ્લા મુખ્યાલયથી લગભગ પાંચ કિલોમીટર દૂર એકાંત જગ્યાએ એકલા રહેતા એક વ્યક્તિના ઘરમાં ઘૂસી ગયા અને તેને ગોળી મારી દીધી હતી.

આ હત્યા વંશીય સંઘર્ષનો ભાગ હતી. અમને એવા અહેવાલો મળ્યા છે કે જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ કુકી અને મેઇતેઈ બંને સમુદાયના છે.
અધિકારીએ કહ્યું કે આ હત્યાકાંડ પછી, જિલ્લા મુખ્યાલયથી લગભગ 7 કિમી દૂર પહાડીઓમાં લડતા સમુદાયના સશસ્ત્ર લોકો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો.
જેમાં ત્રણ પહાડી આતંકવાદીઓ સહિત ચાર સશસ્ત્ર માણસો માર્યા ગયા હતા. મણિપુરમાં દોઢ વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે, પરંતુ છેલ્લા પાંચ દિવસમાં તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે.
અહેવાલો અનુસાર, શુક્રવારે રાત્રે બિષ્ણુપુરમાં એક વૃદ્ધની હત્યા બાદ, ઇમ્ફાલમાં ટોળાએ 2 મણિપુર રાઇફલ્સ અને 7 મણિપુર રાઇફલ્સના મુખ્યાલયમાંથી હથિયારો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.
સુરક્ષા દળોએ આ પ્રયાસોને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે 17 મહિના પહેલા સંઘર્ષ શરૂ થયા બાદ શુક્રવારના હુમલામાં પ્રથમ વખત રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ હુમલો ડ્રોનને પ્રથમ વખત હથિયાર બનાવ્યાના છ દિવસ બાદ થયો હતો. મોડી રાત્રે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં, મણિપુર પોલીસે સંકેત આપ્યો હતો કે, કુકી આતંકવાદીઓએ લાંબા અંતરના રોકેટનો ઉપયોગ કર્યો હતો.
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ છોડવામાં આવેલા રોકેટ ઓછામાં ઓછા ચાર ફૂટ લાંબા હતા.
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એવું લાગે છે કે વિસ્ફોટકો ગેલ્વેનાઈઝ્ડ આયર્ન (GI) પાઈપોમાં ભરવામાં આવ્યા હતા.
વિસ્ફોટકો ધરાવતી GI પાઈપોને પછી દેશ-નિર્મિત રોકેટ લોન્ચરમાં ફીટ કરવામાં આવી હતી અને સાથે જ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વધતી હિંસાને કારણે મણિપુર પ્રશાસને શનિવારે રાજ્યભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.












Click it and Unblock the Notifications
