For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિયાઝાકી : ખેડૂતે ઉગાડી એવી કેરી જે સાડા ત્રણ લાખની એક કિલો વેચાય છે

મિયાઝાકી : ખેડૂતે ઉગાડી એવી કેરી જે સાડા ત્રણ લાખની એક કિલો વેચાય છે

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
મિયાઝાકી પ્રકારની આ કેરી મૂળતઃ જાપાનની છે

મૂળ ભારતની કેસર, આફૂસ અને બદામ પ્રકારની કેરીઓ દેશમાં જ નહીં, વિદેશમાં પણ હોંશે-હોંશે ખવાય છે અને તેની નિકાસ પણ થાય છે. આમ છતાં મધ્યપ્રદેશમાં એવા પ્રકારની કેરી ઊગે છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. સાડા ત્રણ લાખ પ્રતિકિલોગ્રામ સુધી હોય છે.

મિયાઝાકી પ્રકારની આ કેરી મૂળતઃ જાપાનની છે, પરંતુ જબલપુરના પ્રગતિશીલ ખેડૂત સંકલ્પસિંહ પરિહારે ઉગાડી છે. કેરીના બે છોડની સુરક્ષા કરવા માટે તેમણે ચાર ગાર્ડ્સ અને શ્વાનને રાખવા પડ્યા છે. શું છે એ ખાસિયતો જે તેને ફળોના રાજાનો પણ 'મોંઘેરો રાજા' બનાવે છે.


21 હજાર રૂપિયાની ઑફર

બીબીસી સંવાદદાતા ઋષિ બેનરજી સાથેની વાતચીતમાં સંકલ્પ પરિહાર જણાવે છે કે આ કેરી વિશ્વની સૌથી મોંઘી પ્રજાતિ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની આટલી કિંમત છે પણ જરૂરી એ છે કે તેના ખરીદદાર હોય.

તેમણે કહ્યું, "મને એક કેરી માટે 21000 રૂપિયાની ઑફર કરવામાં આવી છે, મુંબઈના એક ઝવેરીએ મને આ ઑફર આપી છે. હાલ હું કેરી વેચવા માગતો ન હોવાથી મેં ઑફર સ્વીકારી નથી."

"કેરી એટલી સ્વાદિષ્ઠ અને મીઠી છે કે કેરીની સાથે છાલ પણ ખાઈ જવાનું મન થાય. મારી ત્યાં ઊગી છે એક કેરી 700 -900 ગ્રામ વજન ધરાવે છે."

હાલમાં તેમની વાડીમાં 50થી વધુ ઝાડ છે અને તેઓ સંખ્યા 150 સુધી લઈ જવા માગે છે. તેઓ કહે છે કે અત્યારે મારો સંપૂર્ણ ધ્યાન વૃક્ષોની સંખ્યા વધારવામાં છે.

"જેટલાં વૃક્ષો હશે તેટલું ઉત્પાદન વધુ હશે અને એથી મેં નક્કી કર્યું છે કે આવનારાં થોડાંક વર્ષો સુધી કેરી વેચવી નહીં, પણ એમાંથી ઉત્પાદન વધારવું."

"ગયા વર્ષે કેરીનું ઉત્પાદન સારું હતું, આ વર્ષે માત્ર 10-12 કેરી થઈ છે. આટલી ઓછી માત્રામાં કેરી થઈ છે એટલે વેચવાનો પ્રશ્ન નથી."

એક નાની કાર જેટલી કિંમતમાં કેમ વેચાય છે આ કેરી?

પરિહારના પિતા ઇચ્છતા હતા કે તેઓ ભણી-ગણીને પોલીસ ખાતામાં સબ-ઇન્સ્પેક્ટર બને, પરંતુ સંકલ્પને ખેતી અને બાગકામ પસંદ હતાં. સંકલ્પસિંહે ઘુઘરા ગામે સાડા આઠ એકર જમીન ખરીદી, તે પથરાળ અને વેરાન હતી.

લોકોએ સંકલ્પસિંહને ત્યાં મહેનત ન કરવાની સલાહ આપી, પરંતુ સંકલ્પે હૉર્ટિકલ્ચર વિભાગના માર્ગદર્શન હેઠળ ત્યાં આમ્રપાલી તથા મલ્લિકા જેવી કેરીની જાતોની કલમ કરી.

જોત-જોતામાં સંકલ્પસિંહની મહેનત રંગ લાવી અને બે વર્ષમાં ફળ આવવા લાગ્યાં.આ બંને પ્રજાતિની વિશેષતા એ છે કે તેની ગોટલી નાની અને ગર્ભનો ભાગ વધુ હોય છે, જેના કારણે તે ગ્રાહકોમાં વધુ પ્રિય હોય છે. આજે તેમના બાગમાં આંબાની 14 જેટલી પ્રજાતિના ત્રણ હજાર જેટલાં વૃક્ષ અમરાઈવાડીની શોભા વધારી રહ્યાં છે.

આ સિવાય તેમણે 300 જેટલાં દાડમનાં વૃક્ષ પણ ઉગાડ્યાં છે. જેની વચ્ચે લિંબુડા તથા જામફળી પણ ઝૂલે છે. તેમનો બાગ મુલાકાતીઓ માટે વિશ્રામ અને સૅલ્ફીનું સ્થળ બની ગયો છે. આમ છતાં, કેરીની જે પ્રજાતિએ સંકલ્પસિંહને દેશમાં નામના અપાવી છે, તે છે મિયાઝાકી કેરી.


મિયાઝાકી કેરીની માયા

દર વર્ષે મહદંશે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં આ કેરીની સ્થાનિક હૉલસેલ માર્કેટમાં હરાજી થાય છે

અબુધાબીમાં એક બેઠક દરમિયાન મિયાઝાકી કેરી આરોગી રહેલા જાપાનના પૂર્વ વડા પ્રધાન શિંઝો એબે મૂળતઃ જાપાનના મિયાઝાકી શહેરમાં આ કેરીનું વતન હોવાથી તેને 'મિયાઝાકી' કેરી તરીકે ઓળખવામાં આવે છે.

વાસ્તવમાં તેનું નામ તાયો-ના તામગો છે. જેનો મતલબ 'સૂરજના ઇંડા’ એવો થાય છે. જાપાનમાં આ પ્રકારની કેરીને વિશેષ પ્રકારના નિયંત્રિત વાતાવરણમાં ઉગાડવામાં આવે છે. દર વર્ષે હરાજી દ્વારા તેનું વેચાણ કરવામાં આવે છે.

જાપાની મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ કરવેરા સાથે ગતવર્ષે પાંચ લાખ 40 હજાર યેનમાં આ કેરીઓ વેંચાઈ હતી. જેની કિંમત ભારતીય ચલણ મુબજ લગભગ ત્રણ લાખ 67 હજાર જેટલી થાય છે. અન્ય કેરીઓની સરખામણીમાં વધુ મીઠી હોય છે. જાપાનમાં ઊગે તે સાથે જ તેની પર કાગળ લપેટી દેવામાં આવે છે અને નીચે જાળી પાથરી રાખવામાં આવે છે.

દર વર્ષે મહદંશે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં આ કેરીની સ્થાનિક હૉલસેલ માર્કેટમાં હરાજી થાય છે.

પરિહારના કહેવા પ્રમાણે, તેઓ ચેન્નાઈ જઈ રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ તેમને બે છોડ આપ્યા હતા. ત્યારે તેમને આ પ્રજાતિ વિશે માલૂમ ન હતું, પરંતુ જ્યારે લાલ ફળ આવ્યાં અને તેની લાક્ષણિકતા વિશે જાણ્યું, ત્યારે તેમને માલૂમ પડ્યું કે તે મિયાઝાકી પ્રજાતિ છે. જ્યારે તેમને નામ વિશે જાણ ન હતી, ત્યારે સંકલ્પસિંહે પોતાનાં માતાના નામ પરથી તેનું નામ 'દામિની' રાખી દીધું હતું.

સંકલ્પસિંહ કહે છે કે આ કેરીઓ આજે પણ તેમના માટે 'દામિની' પ્રજાતિની જ છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી દર ઉનાળામાં સંકલ્પસિંહની આ કેરીઓ વિશે ચર્ચા થાય છે, એટલે ગત વર્ષે ચોરો સંકલ્પના બાગમાં ઘૂસી આવ્યા હતા અને આ કેરીઓ અને ડાળીઓ ચોરી ગયા હતા, પરંતુ જેમ-તેમ કરીને તેમને ઝાડ બચાવવામાં સફળતા મળી. સંકલ્પસિંહ કહે છે કે ગયા વર્ષે તેમની ત્યાં 40 કેરી ઊગી હતી અને એમાંથી 14 કેરી ચોરાઈ ગઈ હતી.


ગાર્ડ્ઝ અને શ્વાન કરે છે કેરીની સુરક્ષા

એટલે આ વખતે તેમણે ગાર્ડ્સ તથા શ્વાનની મદદ લીધી છે. ચાર ગાર્ડ્સ તથા શ્વાનને વિશેષ કરીને આ વૃક્ષોની સુરક્ષા કરવા માટે તહેનાત કરવામાં આવ્યા છે.

આ સિવાય સંકલ્પ અથવા તેમનાં પત્ની રાની પણ તેની પર નજર રાખે છે. હજુ આ છોડ નાના છે અને ચાલુ સીઝન દરમિયાન તેમાં સાતેક ફળ જ બેઠાં છે, પરંતુ જેમ-જેમ તે મોટા થતાં જશે, તેમ-તેમ ઉત્પાદન વધશે.

જોકે ભારતના સામાન્ય આંબાની સરખામણીએ તેની ઊંચાઈ ઓછી જ રહે છે. દંપતી દ્વારા પર્પલ અને બ્લૅક એવી હટકે પ્રકારની કેરી પણ ઉગાડવામાં આવે છે, જે જાંબુડી અને કાળા રંગની હોય છે. આ સિવાય મૂળતઃ અફઘાનિસ્તાનની નૂરજહાં અને દશેરી પણ ઊગે છે.

આ સિવાય અન્ય એક પ્રજાતિની કેરી ઊગે છે, જે દરેક ફળનું વજન બે કિલોગ્રામ સુધી હોય છે. કેરીઓનો ફાલ ઊતરે તે પહેલાં જ તેનું વેચાણ થઈ ગયું હોય છે. સંકલ્પસિંહ બાગકામક્ષેત્રે તેમને મળેલી સફળતા માટે નર્મદા નદીનો આભાર માને છે. પરિહાર માને છે કે જો મધ્ય પ્રદેશ સરકારના ખેડૂતોને પ્રોત્સાહન અને સહાય આપવામાં આવે તો નાના ખેડૂતો પણ કમાલ કરી શકે છે.

અખબાર'હિંદુસ્તાન'ના રિપોર્ટ પ્રમાણે, જાણકારો માને છે કે કેરીઓના ભાવને જાણવા માટે તેનું વ્યવસ્થિત નિરીક્ષણ કરવું રહ્યું.

હૉર્ટિકલ્ચર વિભાગના નિવૃત્ત નિદેશક જીએસ કૌશલના મતે, "આ જાપાની પ્રજાતિ તેના ભાવોને કારણે ચર્ચામાં છે. ત્યારે કેટલાક વિજ્ઞાનીઓએ સ્થળ પર જઈને જાત નિરીક્ષણ કરવું રહ્યું કે તે કુદરતી છે કે હાઇબ્રિડ."સામાન્યતઃ આ કેરી વિદેશમાં આપ-લે માટે વધુ વપરાય છે અને તેનો સ્ટેટસ સિમ્બૉલ તરીકે ઉપયોગ થાય છે.

ઉલ્લેખનીય છે કે સામાન્યતઃ કોઈ ચોક્કસ વિસ્તારમાં જ ઊગતી વનસપ્તિ, ફૂલ, ફળ કે કળાને 'જિયૉગ્રાફિકલ ઇન્ડિકેશન ટૅગ' આપવામાં આવે છે. જેથી તે અન્ય વિસ્તારમાં ઊગે તો પણ મૂળ વિસ્તારનું મહત્ત્વ જળવાઈ રહે. ગુજરાતની કેસર કેરીને તથા જમ્મુ-કાશ્મીરનું કેસર એ જીઆઈ ટૅગના ઉદાહરણ છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/gURpfyMk49w

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Miyazaki: A mango grown by a farmer which sells for one and a half lakh kg
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X