• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘તમોગુણ’માંથી નમોગુણ’ : વિરોધીઓમાં પુરશે ‘ગમોગુણ’

By કન્હૈયા કોષ્ટી
|

અમદાવાદ, 21 ડિસેમ્બર : નરેન્દ્ર મોદી. છેલ્લા અગિયાર વરસથી ગાંધીનગરથી માંડી આખા ગુજરાત અને ગુજરાતથી લઈ દિલ્હી સહિત દેશ અને દુનિયામાં ગુંજતું આ નામ ગઈકાલથી ફરી એક વાર ગુંજી રહ્યું છે. સામાન્ય રીતે કોઈ નેતા વિશે સ્વસ્થ ચર્ચા તે ચુંટણી જીતે ત્યારે જ થાય છે. બાકીના વખતમાં લોકો તેના વિશે વધુમાં વધુ ટીકા જ કરતાં હોય છે અને નરેન્દ્ર મોદીનું નામ તો તેમાં સૌથી મોખરે છે. 7મી ઑક્ટોબર, 2001, ગોધરા કાંડ, પછીના રમખાણો, ડિસેમ્બર-2002, 2007 અને હવે 2012માં ચુંટણીગત વિજયો દરમિયાન ફરી વાર મોદીનું નામ ચર્ચાના ચકડોળે છે, પરંતુ આ વખતે વાત કંઇક જુદી છે. હવે મોદી માત્ર નામ નથી રહ્યાં. તેઓ નામ કરતાં અનેકગણા વધુ માંગ બની ચુક્યાં છે.

Nitish-Modi

સામાન્ય પ્રજામાં ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે પંકાયેલા મોદી પાસે તેમના પ્રશંસકો અને ચાહકો વડાપ્રધાન પદે પહોંચે, તેવી અપેક્ષા રાખે છે. જોકે એ વાતમાં બેમત નથી કે આ હોદ્દાએ પહોંચવું ડૉ. મનમોહન સિંહ જેટલું સરળ નથી, તો સોનિયા ગાંધી જેટલું જ મુશ્કેલ પણ છે. તેમાંય પછી મોદી અંગે સૌથી મોટું મિથક કોઈ હોય, તો તેમની કામ કરવાની શૈલી છે. તેઓ દબંગ પ્રકારના વહિવટકર્તા ગણાય છે અને તેમના વિરોધીઓ તેમને દંભી કે અહંકારી પણ કહે છે. દંભી અને અહંકારી તે જ હોઈ શકે કે જેમાં તમોગુણ એટલે કે તમસ અને ગુસ્સાનો ગુણ ભરપૂર હોય. બીજી બાજું રાજકારણમાં થોડુ ઘણુ નમતું જોખવું પડતું હોય છે. તો જ વડાપ્રધાન જેવા હોદ્દા માટેની સફરની માત્ર શરૂઆત જ થાય.

જોકે મોદીએ ગઈકાલે પોતાના ભવ્ય અને દિવ્ય વિજય બાદ યોજાયેલી વિજય સભામાં જે પ્રકારનું પ્રવચન આપ્યું, તેનાથી રાષ્ટ્રીય સ્તરે અને રાજકીય રીતે સ્પષ્ટ સંદેશો વહેતો થયો કે મોદી થોડાંક નરમ પડ્યા છે. ગુજરાતમાં જ્યારથી મોદી રાજકારણ અને રાજસત્તામાં આવ્યાં છે, ત્યારથી તેમના નામને સંક્ષિપ્ત રીતે નમો તરીકે સંબોધાય છે. એક નમો એટલે નરેન્દ્ર મોદી અને તેનો બીજો અર્થ વિનમ્રતા પણ થાય છે. જોકે મોદીની કાર્યશૈલીમાં કમ સે કમ તેમના વિરોધીઓને ક્યારેય તેમના સંક્ષિપ્ત નામની સાર્થકતા જણાઈ નથી.

પરંતુ ગઈકાલે મોદીએ ગઈકાલે વિજય સભામાં જે શૈલીમાં અને અંદાજમાં પ્રવચન આપ્યું, તે છેલ્લા બે માસ દરમિયાન યોજાયેલી ચુંટણી સભાઓ કરતાં એકદમ અવળું અને વિપરીત હતું. ચુંટણી સભાઓમાં મોદી જે રીતે સોનિયા ગાંધી, મનમોહન સિંહ અને રાહુલ ગાંધી ઉપર પ્રહારો કરતા હતાં, તે જોઈ આ ત્રણે હકીકતમાં ઉકળાઈ ઉઠતા હતાં, પરંતુ ત્રણે નેતાઓએ છેલ્લે સુધી મોદીનું નામ લેવાનું ટાળ્યું.

જોકે રાહુલ ગાંધીએ પોતાની ચુંટણી સભામાં મોદીનું નામ લીધા વગર કહી જ દીધું કે તમારે ત્યાં ગુસ્સાનું રાજકારણ ચાલે છે, પરંતુ હવે લાગે છે કે મોદી તમોગુણમાંથી બહાર આવવા માંગે છે અને પોતાના સંક્ષિપ્ત નામ નમોને વાસ્તવમાં સાર્થક કરવાની તૈયારી કરી રહ્યાં છે. જોકે મોદીએ ચુંટણી અગાઉ જ્યારે નો રિપીટ થિયરી અપનાવી, તેને લોકોએ તેમનો વ્યૂહ ભલે ગણાવ્યો હોય, પરંતુ કહી શકાય કે નમોગુણની ત્યાંથી શરૂઆત તો થઈ જ ચુકી હતી અને મોદી માત્ર વિજયનો ઇંતેજાર કરી રહ્યા હતાં.

અને ગઈકાલે તેમણે વિજય પણ મેળવી લીધો. તેઓ પોતે પણ જાણતા હતાં અને મીડિયામાં કે જાહેરમાં થતી ચર્ચાઓથી પણ તેઓ વાકેફ હતાં કે પ્રજાનો એક મોટો વર્ગ ઇચ્છે છે કે તેઓ વડાપ્રધાન બને અને તેમણે ગઈકાલે તેમના કાર્યકાળ દરમિયાન ક્યારેક કોઈ ભૂલ થઈ હોય, તો તે બદલ ગુજરાતની છ કરોડ પ્રજા પાસે માફી માંગીને પોતાનો નમોગુણ પ્રકટ પણ કર્યો. તેમના આ નમોગુણને મીડિયા અને રાજકીય પંડિતોએ સીધે-સીધું તેમની વડાપ્રધાન પદ માટેની સફરના સંકેત તરીકે જણાવી.

મોદી દ્વારા આ પ્રકારે ક્ષમા વ્યક્ત કરવી અને તે પણ છ કરોડ ગુજરાતીઓ પાસે ક્ષમાયાચના કરવાનો સીધો અર્થ થાય છે કે મોદીએ ગોધરા કાંડ બાદ થયેલ રમખાણો બદલ પણ માફી માંગી લીધી છે અને મુસ્લિમો પાસેથી પણ માફી માંગી લીધી છે, કારણ કે છ કરોડ ગુજરાતીઓમાં મુસ્લિમો પણ આવી જ જાય છે.

હવે પ્રશ્ન એ થાય છે કે શું મોદીનું તમોગુણમાંથી નમોગુણમાં રૂપાંતરિત થવું તેમના વિરોધીઓમાં તેમના પ્રત્યે ગમોગુણ ઉભરાવશે? મોદી જાણે છે કે તેમના પ્રત્યે અણગમોને ગમોગુણમાં બદલવાની શરૂઆત ગુજરાતથી જ કરવી પડે, કારણ કે 6 કરોડ ગુજરાતીઓમાં તેવા 75 લાખ મુસ્લિમો છે કે જેમાંથી મોટાભાગના લોકો ભાગ્યે જ મોદીને રમખાણો માટે માફ કરી શકે. જોકે મોદીએ શરૂઆત કરી છે, તો તેઓને ક્યારેક તો સફળતા મળી જ શકે છે અને વગર માફી માંગ્યે પણ ગુજરાતની આ વખતની ચુંટણીમાં અનેક મુસ્લિમોએ ભાજપ તરફી મતદાન કર્યું છે. એટલે જ મોદી પણ થોડાંક પોતાના ટુંકા નામ નમોને સાર્થક કરવા આગળ વધ્યાં છે.

પરંતુ મોદીએ હજી લાંબી મજલ કાપવાની છે. તેમનું તમોગુણમાંથી નમોગુણમાં આવવું ગુજરાત તો ઠીક, પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ ઊભેલા તેમના વિરોધીઓને પિગળાવી શકશે કે નહીં? શું મોદીનું નમોગુણ તેમના વિરોધીઓમાં ગમોગુણ લાવી શકશે?

સૌ જાણે છે કે રાષ્ટ્રીય કક્ષાએ મોદી સામે પડકારો ઘણાં છે. પ્રથમ પડકાર તેમના પક્ષની અંદરથી જ ઊભો થાય છે. તેમના પક્ષમાં તેમના કરતાં વય-અનુભવ અને વરિષ્ઠતામાં આગળ એવા ઘણાં નેતાઓ છે. 2004ની ચુંટણીમાં પીએમ ઇન વેટિંગ બનનાર લાલકૃષ્ણ અડવાણી હાલ ભાજપના સૌથી વરિષ્ઠ નેતા છે અને સક્રિય પણ છે, તો સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, રાજનાથ સિંહ, નિતિન ગડકરી અને વેંકૈયા નાયડુ જેવા સીનિયરોની ફોજ પણ છે. જોકે મોદીએ ગુજરાતની ચુંટણી જીતી લેતા લોકોમાં તો કદાચ તેઓ પોતાના પ્રત્યે ગમોગુણ લાવવામાં કંઇક અંશે સફળ થઈ પણ શકે છે, પરંતુ બીજો પડાવ છે એનડીએ.

એનડીએ એટલે અલગ-અલગ વિચારસરણી ધરાવતાં પક્ષોનો મેળો અને તેમાં પણ નિતિશ કુમાર સૌથી મોટા આડખીલી છે. જોકે થોડાંક જ દિવસ અગાઉ તેમણે પોતે વડાપ્રધાન પદના દાવેદાર નથી, એમ કહ્યું છે, પરંતુ એવું તો નથી જ કહ્યું કે તેઓ મોદીને ટેકો આપશે. મોદીએ દાખવેલ નમોગુણ શું નિતિશ કુમારમાં તેમના પ્રત્યે ગમોગુણ લાવી શકશે? આ એક મોટો પ્રશ્ન છે.

જો મોદી આ બે પડાવો પાર કરી જાય, તો પછી મોદી સામે એકમાત્ર પડકાર રહે છે કોંગ્રેસ અને યુપીએ. ચુંટણીકીય વિજયમાં વિશિષ્ટતા કેળવી ચુકેલા મોદીને પોતાના રાજકીય વિરોધીઓમાં પોતાના પ્રત્યે ગમોગુણ લાવવા માટે તેમને નહીં, પણ દેશની સામાન્ય પ્રજાનું દિલ જીતવું પડશે અને તેમાંય પાછા ગુજરાતની જેમ મુસ્લિમો તો છે જ કે જેઓ મોદી પ્રત્યે અણગમો ધરાવે છે. આમ મોદી માટે તમોગુણમાંથી નમોગુણમાં લાવવું જેટલું કપરૂં છે, તેનાથી અનેકગણુ કપરૂં તેમના પ્રત્યે લોકોમાં ગમોગુણ લાવવું છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more