Monsoon session : સંસદીય બાબતોની કેબિનેટ બેઠક યોજાશે, ચોમાસુ સત્રની તારીખો થશે જાહેર
Monsoon session: સંસદના આગામી ચોમાસુ સત્ર અંગે આજે સંસદીય બાબકોની કેન્દ્રીય કમિટીની બેઠક યોજાશે. જેમાં ચોમાસુ સત્રની તારીખો નક્કી કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર સંસદમાં ચોમાસુ સત્ર 17 જુલાઇથી 20 ઓગષ્ટ સુધી યોજાઇ શકે છે. બંને સદનની કાર્યવાહી નવા સંસદ ભવનમાં યોજાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ સંસદના ચોમાસુ સત્રની તારીખોને અંતિમ રૂપ આપશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કેબિનેટ સમક્ષ પ્રસ્તાવિત તારીખો અનુસાર, ચોમાસુ સત્ર 17 જુલાઈ અથવા 20 જુલાઈથી શરૂ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે ચોમાસુ સત્રમાં લેફ્ટનન્ટ ગવર્નરને વધુ વહીવટી સત્તા આપતા કેન્દ્ર સરકારના વટહુકમને બદલવાના બિલને લઈને દિલ્હીમાં હોબાળો થઈ શકે છે.
આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બિલ વિરુદ્ધ સમર્થન મેળવવા વિપક્ષી નેતાઓને મળી રહ્યા છે. જોકે, કોંગ્રેસે આ બિલ પર હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.
કેન્દ્રનો વટહુકમ સુપ્રીમ કોર્ટના 11 મે, 2023ના ચુકાદાને રદ્દ કરે છે, જે દિલ્હી સરકારને સેવાઓ પર વધુ કાયદાકીય અને વહીવટી નિયંત્રણ આપે છે. આ ઉપરાંત તે લેફ્ટનન્ટ ગવર્નરને આવી બાબતોમાં નિર્ણય લેવાની સત્તા આપે છે.
લોકસભામાં બિલ સરળતાથી પસાર થઈ જશે. કારણ કે, ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ પાસે નીચલા ગૃહમાં સ્પષ્ટ બહુમતી છે.
રાજ્યસભામાં બિલ પાસ કરાવવામાં પડકાર ઉભો થઈ શકે છે. કારણ કે, વર્તમાન ગૃહનું સંખ્યાબળ સાત ખાલી બેઠકો સાથે 238 છે, જે ઉપલા ગૃહમાં બહુમતીનો આંકડો ઘટાડીને 120 સુધી પહોંચાડે છે. તેથી ભાજપના નેતૃત્વવાળી સરકારને રાજ્યસભામાં કેટલાક વિરોધનો સામનો કરવો પડી શકે છે.
નામાંકિત સભ્યોના સમર્થન સાથે ભાજપના નેતૃત્વ હેઠળના NDA પાસે ઉપલા ગૃહમાં 111નું સંખ્યાબળ છે, જ્યારે YSRCP, BJD, BSP, TDP અને જનતા દળ (સેક્યુલર) જેવા પક્ષોને બાદ કરતાં વિપક્ષનું કુલ સંખ્યાબળ 106 છે. આ પાંચેય પક્ષો મળીને 21 સભ્યો ધરાવે છે. આ પાર્ટીઓએ હજુ સુધી AAPને સમર્થન જાહેર કર્યું નથી.












Click it and Unblock the Notifications
