મોન્સુન અપડેટઃ મુંબઈમાં ભારે વરસાદની સંભાવના, કેરળમાં માછીમારોને ચેતવણી
મુંબઈ અને થાણેમાં આવતા બે દિવસમાં ભારે વરસાદની સંભાવનાના પગલે ચેતવણી જારી કરવામાં આવી છે. કેરળ અને લક્ષદ્વીપમાં માછીમારોને 8 જૂનથી 12 જૂન દરમિયાન અરબ સાગરમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
મુંબઈ અને થાણેમાં આવતા બે દિવસમાં ભારે વરસાદની સંભાવનાના પગલે ચેતવણી જારી કરવામાં આવી છે. કેરળ અને લક્ષદ્વીપમાં માછીમારોને 8 જૂનથી 12 જૂન દરમિયાન અરબ સાગરમાં કોંકણ અને ગોવા તરફ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય અરબ સાગરના અમુક ભાગો, તટીય કર્ણાટકના બાકીના ભાગો, અંતરિયાળ કર્ણાટકના મોટાભાગમાં અને ગોવા તેમજ ઉત્તર અંતરિયાળ કર્ણાટકમાં આગળ વધી શકે છે.
તટીય મહારાષ્ટ્ર અને ગોવામાં વધુ વરસાદને પગલે પરિસ્થિતિ સંવેદનશીલ બની શકે છે. ભારતીય હવામાન વિભાગ મુજબ રત્નાગિરી, સિંધુદૂર્ગ, મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘર ક્ષેત્રમાં 9 જૂને ભારે વરસાદની સંભાવના છે. આવી જ આગાહી 10 અને 11 જૂન માટે મુંબઈ અને તેના આસપાસના વિસ્તારો, કોંકણના છ જિલ્લાઓમાં પણ કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગના સમાચાર મુજબ, "મધ્ય અરબ સાગરના અમુક ભાગો, ગોવાના બાકીના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના અમુક ભાગો, કર્ણાટકના બાકીના ભાગો અને રાયલસીમા, તેલંગાનાના અમુક ભાગો, તટીય આંધ્રપ્રદેશના થોડા વધુ ભાગો અને પશ્ચિમ કેન્દ્રીય બંગાળની ખાડીમાં આવતા 24 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળ વધવા માટેની સ્થિતિ બની રહી છે."

આ ઉપરાંત ઉત્તરપ્રદેશના અમુક ભાગ અને તેની રાજધાની લખનઉમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
સમાચાર એજન્સી એએનઆઈએ હવામાન વિભાગ, લખનઉને ટાંકતા જણાવ્યુ કે, "લખનઉના અમુક વિસ્તારો, હરદોઈ, સીતાપુર, બારાબંકી, ઉન્નાઉ જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં આજે વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે."
ગુરુવારે સાંજે પ્રી-મોન્સુનના કારણે મુંબઈમાં સામાન્ય જનજીવર ખોરવાયુ હતુ. ફ્લાઈટ તેમજ લોકલ ટ્રેનો તેના સમય કરતા મોડી ચાલી રહી હતી. હવામાન વિભાગે દિવસ દરમિયાન સાંતાક્રૂઝમાં 39 મીમી અને કોલાબામાં 27.6 મીમી વરસાદ નોંધ્યો હતો.

મુંબઈના લોકો 1916 અને મુંબઈની બહારના લોકો ઈમરજન્સીની પરિસ્થિતિમાં 1077 નંબર ડાયલ કરીને મદદ મેળવી શકે છે.
ભારતીય હવામાન વિભાગની ચોમાસાના વરસાદની વહેંચણી અંગેની આગાહી મુજબ મધ્ય ભારતમાં 'સામાન્ય' વરસાદ પડશે જ્યારે દક્ષિણ પેનીન્સુલા-કર્ણાટક, તેલંગાના, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં 'સામાન્યથી ઓછો' વરસાદ પડી શકે છે.
ઉત્તર પૂર્વ ભારતમાં આ સમયગાળા દરમિયાન સૌથી ઓછો વરસાદ (સામાન્યથી ઓછો) પડવાની આશા છે. દેશભરમાં માસિક વરસાદ જુલાઈ મહિનામાં લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 101 ટકા અને ઓગસ્ટ મહિનામાં લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 94 ટકા થવાની સંભાવના છે - બંનેમાં 9 ટકા વધતી ઓછી આદર્શ ભૂલ સાથે.
લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 90% - 96% વચ્ચેનો કોઈપણ વરસાદ 'સામાન્યથી ઓછો' ગણાય જ્યારે લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 96% - 104% વચ્ચેનો કોઈપણ વરસાદ 'સામાન્ય' ગણાય. વળી, લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 90% થી ઓછો થાય તો તે વરસાદ 'ખામીયુક્ત' ગણાય અને જો વરસાદ લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 104%-110% હોય તો તે 'સામાન્યથી વધુ' ગણાય. લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) ના 110% થી વધુ વરસાદ 'વધારે વરસાદ' ગણાય છે.












Click it and Unblock the Notifications
