ટામેટા પછી મોંઘવારીનો વધુ એક ઝટકો, 3 રુપિયા વધશે આ દિગ્ગજ કંપનીના દૂધના ભાવ
Milk Price Hike: સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગવાનો છે. કર્ણાટક રાજ્ય સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે 1 ઓગસ્ટથી નંદિની દૂધના ભાવમાં લિટર દીઠ 3 રૂપિયાનો વધારો કરવામાં આવશે. આ સાથે દૂધમાંથી બનેલા ઉત્પાદનો જેમ કે દહીં, પનીર વગેરે પણ મોંઘા થશે. સરકારનો દાવો છે કે તેઓ આ નિર્ણય ડેરી ખેડૂતોના હિતમાં લઈ રહ્યા છે.
કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) દ્વારા વેચવામાં આવતા દરેક પ્રકારના દૂધની કિંમતમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવશે. હાલમાં, પાશ્ચરાઇઝ્ડ ટોન્ડ દૂધ 39 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે, તે 1 ઓગસ્ટથી 42 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે.

જો કે દહીંના ભાવ અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંગલુરુ અને અન્ય જિલ્લાઓમાં નંદિની દહીં 47 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે, તેને વધારીને 50 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, KMF અને રાજ્યના અન્ય દૂધ સંઘોએ સરકારને ભારે નુકસાનની જાણ કરી હતી. આ સાથે દૂધના ભાવમાં લીટરદીઠ 5 રૂપિયાનો વધારો કરવાનું કહેવામાં આવ્યું હતું. આ માંગને લઈને તેમણે સીએમ સાથે બેઠક પણ કરી હતી. જેમાં રૂ.3નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
આ મામલે સહકાર મંત્રી કેએન રાજન્નાએ જણાવ્યું હતું કે ડેરી ખેડૂતોની આર્થિક સુખાકારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા દૂધના ભાવમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં પશુ આહારના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, આવી સ્થિતિમાં ખેડૂતોને નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ મામલાઓને ધ્યાનમાં રાખીને લીટર દીઠ 3 રૂપિયાનો વધારો કરવાની સૂચના આપવામાં આવી હતી.
KMFના જણાવ્યા અનુસાર ગયા વર્ષની સરખામણીમાં દૂધની પ્રાપ્તિમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે દૈનિક 94 લાખ લિટર દૂધની ખરીદી કરવામાં આવી હતી જ્યારે આ વર્ષે આ આંકડો 86 લાખ લિટર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડેરી ખેડૂતો ખાનગી કંપનીઓ તરફ વળ્યા છે, જે તેમને વધુ પૈસા ચૂકવી રહી છે. આવી સ્થિતિમાં હવે તેમને ફાયદો થાય તે માટે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.
કર્ણાટકમાં હાલમાં નંદિની દૂધ 39 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે, જ્યારે ખાનગી કંપનીઓ તે જ દૂધ 48થી 54 રૂપિયામાં વેચે છે. આ કિસ્સામાં, 10 થી 15 રૂપિયાનો તફાવત છે.












Click it and Unblock the Notifications
