
હેપ્પી બર્થડેઃ ચાની કિટલીથી પીએમની ખુરશી સુધીની સફર
દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાનમાંના એક નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરે જન્મદિવસ છે. નરેન્દ્ર મોદી વિશે અને તેમની સફળતા વિશે તો ઘણા લોકો જાણતા હશે પણ પીએમ મોદીએ કરેલી તપસ્યા અને ભોગવેલાં કષ્ટો વિશે ભાગ્યે જ કોઈ લોકોને ખ્યાલ હશે. નાનપણથી દેશ માટે કંઈક કરી બેસવાની ધગશ ધરાવતા નરેન્દ્ર મોદીની ચાવાળાથી માંડીને પીએમ મોદી બનવા સુધીની સફરથી અમે તમને વાકેફ કરાવીશું.
ગુજરાતના નાનકડા ગામમાં થયો મોદીનો જન્મ
17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના નાના એવા ગામ વડનગરમાં દામોદરદાસ અને હિરાબેન મોદીને ત્યાં બાળ નરેન્દ્રનો જન્મ થયો. પ્રહલાદ મોદી, પંકજ મોદી, સોમા મોદી અને અમૃત મોદીમાં નરેન્દ્રભાઈ મોદી સૌથી નાના. ગરીબ પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીએ ચાની કિટલીથી પીએમની ખુરશી સુધીનો પ્રવાસ ખેડ્યો. તેમણે આ પ્રવાસ દરમિયાન કેટલાંય બલિદાન પણ આપ્યાં. પરિવારથી અલગ રહ્યા, લોકોની મદદ કાજે ઝઝુમતા રહ્યા અને જ્યારે જરૂર પડી ત્યારે ગુજરાતની જનતા કાજે આગળ આવ્યા, કદાચ એ કારણે જ પીએમ મોદી ગુજરાત પર સૌથી વધુ શાસન કરનાર પહેલા રાજનેતાની ખ્યાતિ પામી શક્યા.
બાળપણ અને અભ્યાસ
વર્ષ 1967માં વડનગર ખાતે સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરતાની સાથે જ 17 વર્ષની ઉંમરે નરેન્દ્ર મોદીએ ઘર છોડીને દેશની સફરે નિકળી ગયા હતા. ઋષિકેશ, હિમાલય વગેરે સ્થળોની મુલાકાત લઈ પીએમ મોદીએ દેશની વિવિધ સભ્યતા અને સંસ્કૃતિનો તાગ મેળવવાનો કપરો પ્રયાસ કર્યો હતો. કહેવાય છેને કે દેશને જાણવા માટે દેશ ભમવો પડે, અને મહાત્મા ગાંધીએ પણ રાષ્ટ્રપતિ બનતા પહેલા ભારતના ખુણે-ખુણાની મુલાકાત લીધી હતી. જો કે 2 વર્ષનો પ્રવાસ ખેડ્યા બાદ નરેન્દ્ર મોદી ઘરે પરત ફર્યા અને 1971માં તેઓ અમદાવાદ ચાલ્યા ગયા, જ્યાં તેમણે પ્રચાર તરીકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાયા. 1978માં દિલ્હી યુનિવર્સિટીથી નરેન્દ્ર મોદી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ થયા અને 1983માં ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ડિગ્રી મેળવી.
રાજકીય કારકિર્દી
બહુ ઓછા લોકો જાણતા હશે કે 1975-77માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશ પર કટોકટી લાદી દીધી હતી, એ સમયે નરેન્દ્રભાઈ મોદી સહિત કેટલાય વિરોધ પક્ષના નેતાઓએ અંડરગ્રાઉન્ડ થઈ જવું પડ્યુ્ં હતું, આ સમયે નરેન્દ્રભાઈ મોદીની મેનેજમેન્ટ, ઓર્ગેનાઈઝેશનલ અને લિડરશીપ સ્કિલથી સૌકોઈ વાકેફ થયા હતા. 1985માં નરેન્દ્ર મોદી ભાજપમાં જોડાયા અને 1987માં ગુજરાત યુનિટના ઓર્ગેનાઈઝેશન સેક્રેટરી બન્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા, આની સાથે જ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની પહેલી જીત નરેન્દ્રભાઈ મોદીએ જ અપાવી હતી. 1990માં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીએ મહત્વનો રોલ ભજવ્યો હતો. 1995માં 121 સીટ જીતતાની સાથે ગુજરાતમાં પહેલી વખત ભાજપ સરકાર શાસનમાં આવી. વર્ષ 2001માં કેશુભાઈ પટેલની જગ્યાએ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને બાદમાં તેઓ વજુભાઈ વાળાની સીટ રાજકોટ-2 પરથી વિધાનસભાની જીત્યા. 2014 સુધી તેમણે સીએમ તરીકે ગુજરાતને પોતાની સેવા આપી. અને 2014માં લોકસભા ચૂંટણીમાં જંગી જીત અપાવી મોદીને દેશની સેવા માટે જનતાએ પીએમની ખુરશી પર બેસાડી દીધા. 2014માં લોકસભાની 534 સીટમાંથી પહેલી વખત ભાજપની 282 સીટ પર ઐતિહાસિક જીત થઈ હતી.
નરેન્દ્ર મોદીની આગેવાનીમાં થયેલાં કામો
ગુજરાતના સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતના ઈકોનોમિકલ ડેવલપમેન્ટની સૂરત બદલી નાખી, ઉદ્યોગપતિઓને તેઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે ખેંચી લાવ્યા. 2007માં તેઓ ત્રીજી ટર્મ માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા. ત્યારે તેમણે એગ્રીકલ્ચરલ ગ્રોથ રેટ સુધાર્યો, ગામડે-ગામડે વીજળી પહોંચાડી અને રાજ્યના રેપિડ ડેવલપમેન્ટની ખાતરી કરી. લોકોને હજુ પણ યાદ હશે જ્યારે પહેલી વખત મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ રસ્તા મારફતે આખા ગુજરાતની મુલાકાત લીધી હતી જેથી તેઓ કયા વિસ્તારમાં કેવાં કામ કરવાનાં બાકી છે તેનો ક્યાસ લગાવી શકે. ખેડૂતો માટે તેઓએ બાંધ, ખેત તલાવડી યોજના, ટપક પદ્ધતિ, સોલાર પર સબ્સિડી વગેરે જેવી સહાય આપી અને તેમના આ કાર્યોને પગલે જ બીટી કપાસ ઉત્પાદન કરતું ગુજરાત સૌથી મોટું રાજ્ય બની ગયું છે. ઉપરાંત નરેન્દ્ર મોદીની આગેવાની વાળી ગુજરાત સરકારે 4 કલાકને બદલે ખેતરોમાં 8 કલાકની વીજળી આપી. સેઝ, જીઆઈડીસી સહિતના ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પાછળ પણ નરેન્દ્ર મોદીનો ફાળો મહત્વનો રહ્યો.
સિદ્ધીઓ અને અવોર્ડ્સ
- ઈન્ડિયા ટુડેએ 2007માં કરેલા સર્વેમાં નરેન્દ્ર મોદી દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે ખ્યાતિ પામ્યા.
- 2009માં FDi મેગેઝિને તેમને 'FDi પર્સનાલિટી ઑફ ધી યર'ના એશિયન વિજેતા તરીકે અવોર્ડ આપ્યો.
- 2014માં ફોર્બ્સ મેગેઝિનની દુનિયાના સૌથી પ્રખ્યાત લોકોની યાદીમાં નરેન્દ્ર મોદીને 15 રેન્ક મળ્યો.
- વર્ષ 2014માં ટાઈમ મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલ દુનિયાના સૌથી વધુ પ્રભાવશાળી 100 લોકોની યાદીમાં સ્થાન મેળવ્યું.
- વર્ષ 2015માં ટાઈમ મેગેઝિન દ્વારા જાહેર કરેલી ટ્વિટર અને ફેસબુકમાં સૌથી વધુ પ્રભાવશાળી 30 લોકોની યાદીમાં નરેન્દ્ર મોદીને મળ્યું.
પીએમ મોદીના આ તથ્યોથી અજાણ હશો તમે પણ
- બાળપણમાં જ નરેન્દ્ર મોદી ઘરેથી ભાગી ગયા હતા અને 2 વર્ષ સુધી તેઓ હિમાલયમાં સાધુ-સંતો જોડે રહ્યા હતા.
- 2005માં અમેરિકાએ નરેન્દ્ર મોદીને વીજા આપવાની ના પાડી દીધી હતી અને આખરે 2014માં મોદીને પોતાના દેશ બોલાવવા માટે અમેરિકા મજબૂર થઈ ગયું હતું.
- નરેન્દ્ર મોદી પહેલા વડા પ્રધાન છે જેઓનો જન્મ આઝાદી (15 ઓગસ્ટ 1947) પછી થયો.
- સ્વચ્છતા ધૂની તરીકે નરેન્દ્ર મોદી જાણીતા છે.
- નવરાત્રી દરમિયાન નરેન્દ્ર મોદી નવે નવ દિવસ સુધી ઉપવાસ કરે છે.
- પ્રધાનમંત્રીની સાથે સાથે પીએમ મોદી કવિ પણ છે, તેઓ ગુજરાતીમાં કવિતા પણ લખે છે.
- પહેરવેશ મામલે પીએમ મોદી પહેલેથી જ સ્ટાઈલિશ છે અને તેમની આ સ્ટાઈલે જ ગુજરાતને મોદી કુર્તા અપાવ્યો.
- તેઓ દિવસમાં 5 કલાક તો માંડ ઊંઘે છે અને વહેલી સવારે ઉઠીને તેઓ વાંચવાનું પસંદ કરે છે.