Nitin Nabin માટે ભાજપનો મેગા પ્લાન, ધારાસભ્ય પદેથી રાજીનામું આપી સંભાળી શકે છે આ મોટી જવાબદારી
Nitin Nabin News: નીતિન નબીન હવે ભારતીય જનતા પાર્ટી (BJP) ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે અને તેમણે દિલ્હી કાર્યાલય ખાતે પોતાની જવાબદારી પણ સંભાળી લીધી છે. અધ્યક્ષ બન્યા બાદ હવે તેમની ભૂમિકા સંપૂર્ણપણે રાષ્ટ્રીય સ્તરની થઈ ગઈ છે. તેમના નેતૃત્વમાં જ ભાજપ બંગાળ અને તમિલનાડુની મહત્વપૂર્ણ ચૂંટણીઓ લડશે. આવી સ્થિતિમાં અટકળો લગાવવામાં આવી રહી છે કે, વધેલી જવાબદારીઓને જોતા તેમને સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે.

અગાઉ જે.પી. નડ્ડા પણ રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ નવા ભાજપ પ્રમુખને રાજ્યસભામાં મોકલવામાં આવશે. હાલમાં તેઓ બિહારની બાંકીપુર બેઠક પરથી સતત ચોથી વખત ધારાસભ્ય છે. જોકે, ભાજપના સૂત્રોનું કહેવું છે કે અત્યારે બધું વિચાર-વિમર્શના સ્તરે છે અને અંતિમ નિર્ણય આગામી થોડા અઠવાડિયામાં લેવામાં આવશે.
Nitin Nabinને રાજ્યસભામાં મોકલવા પર વિચારણા
ભાજપની પરંપરા જોઈએ તો દરેક રાષ્ટ્રીય અધ્યક્ષને તાત્કાલિક સંસદમાં મોકલવાનો રિવાજ રહ્યો નથી. તેથી ચોક્કસપણે કહી શકાય નહીં કે તેમને માત્ર અધ્યક્ષ હોવાને કારણે જ રાજ્યસભામાં મોકલવામાં આવશે. જોકે, કાર્યભાર સંભાળતાની સાથે જ નીતિન નબીને સંગઠનાત્મક નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીએ રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને કેરળ વિધાનસભા અને ચંદીગઢ મેયર ચૂંટણીના પ્રભારી બનાવ્યા છે, જ્યારે રામ માધવને બેંગલુરુ અને આશિષ શેલારને તેલંગાણા નિગમની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે નવીન પોતાના નેતૃત્વમાં સંગઠનને ઝડપથી સક્રિય કરવા માંગે છે.
PM મોદી પણ નીતિન નવીનને ગણાવી ચૂક્યા છે પોતાના 'બોસ'
PM નરેન્દ્ર મોદીએ નીતિન નબીનને પોતાના બોસ ગણાવતા કહ્યું હતું કે, તેઓ પાર્ટીના કાર્યકર છે અને નીતિન નબીન હવે તેમના બોસ છે. આવી સ્થિતિમાં એ સવાલ થવો સ્વાભાવિક છે કે તેઓ હાલ બિહાર વિધાનસભામાં જ રહેશે કે દિલ્હીથી દેશભરમાં ભાજપની રાજનીતિ મજબૂત કરશે. આ વર્ષે રાજ્યસભાની અંદાજે 71 બેઠકો ખાલી થઈ રહી છે, જેમાંથી લગભગ 30 બેઠકો ભાજપ પાસે છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં પક્ષના પ્રદર્શનને જોતા ભાજપ ઓછામાં ઓછા 33 નેતાઓને રાજ્યસભામાં મોકલી શકે છે.
ઝારખંડથી રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે Nitin Nabin
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાને નાતે નીતિન નબીનને નવી દિલ્હીના લ્યુટિયન ઝોનમાં સરકારી નિવાસસ્થાન ફાળવી દેવામાં આવ્યું છે. જોકે, એક મહત્વની હકીકત એ છે કે હાલમાં બિહારમાંથી રાજ્યસભાની કોઈ બેઠક ખાલી થઈ રહી નથી. જૂન મહિનામાં ઝારખંડમાંથી એક બેઠક ખાલી થવાની શક્યતા છે અને સંજોગોવશાત્ નીતિન નબીનનો જન્મ પણ રાંચીમાં થયો હતો.
મુખ્ય પ્રશ્ન એ છે કે શું તેઓ નવેમ્બરમાં ભારે બહુમતીથી જીતેલી બાંકીપુર વિધાનસભા બેઠક આટલી જલ્દી છોડશે? હાલમાં આ અંગેનો અંતિમ નિર્ણય પક્ષના ટોચના નેતૃત્વ દ્વારા લેવાનો બાકી છે.












Click it and Unblock the Notifications
