નીતિશને ‘જમ ઘર ભાળી જાય’ તેનો વાંધો છે !
અમદાવાદ, 20 નવેમ્બર. ગુજરાતીમાં એક કહેવત છે - ‘ડોશી મરે તેનો ભો નથી, જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે' એટલે કે ભારતીય રાજકારણમાં આ કહેવત હાલ સૌથી વધુ કોની ઉપર બંધ બેસે છે? શું જાણો છો આપ?
નથી જાણતાં? ચાલો અમે જ આપને બતાવી દઇએ. આ કહેવત બંધ બેસે છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપર. હા જી. નીતિશ કુમાર જનતા દળ (યુનાઇટેડ) એટલે કે જેડીયુના નેતા છે. બિહારમાં નીતિશ કુમારની સરકાર છે અને તે પણ ભારતીય જનતા પક્ષ એટલે કે ભાજપ સાથેના જોડાળ ધરાવતી સરકાર છે. તે જ નીતિશ કુમાર ગુજરાત વિધાનસભા ચુંટણી 2012માં પોતાના પક્ષના ઉમેદવારોના ટેકામાં પ્રચાર કરવા આવનાર છે.
જેડીયુ તરફથી ચુંટણી પંચને મોકલવામાં આવેલ સ્ટાર પ્રચારકોની યાદીમાં નીતિશ કુમારનું નામ છે. સાથે જ પક્ષના પ્રમુખ શરદ યાદવનું નામ પણ સૌથી ઊપર છે. શરદ યાદવ એટલે કે એનડીએના સંયોજક છે. આ તે જ એનડીએ છે કે જેની કેન્દ્રમાં અટલ બિહારી બાજપાઈના નેતૃત્વ હેઠળ પાંચ વરસ સરકાર હતી. તેમાં શરદ યાદવ જ નહિં, પોતે નીતિશ કુમાર સુદ્ધા મંત્રી તરીકે શામેલ હતાં.
નીતિશ કુમાર અને શરદ યાદવ સહિત બિહાર સરકારના અનેક મંત્રીઓ ગુજરાતમાં ચુંટણી પ્રચાર માટે આવવાના છે. બિહારમાં ભાજપ સાથે મળી પોતાની સરકારના કામકાજના બણગા ફૂંકનાર તેમજ આઠ વરસ અગાઉ સતત પાંચ વરસ સુધી બાજપાઈ સરકારમાં જોડાઈ સત્તાસુખ ભોગવનાર જનતા દળ યુ એટલે કે જેડીયુ ગુજરાતમાં ભાજપ સાથે નથી.
હવે આપને બતાવીએ કે ‘ડોશી મરે તેનો ભો નથી, જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે' કહેવત આ આખા પ્રકરણમાં કેમ બંધ બેસે છે. આ કહેવતમાં ડોશીનો મતલબ છે કેન્દ્રમાં પાંચ વરસ સુધીની સત્તામાં ભાગીદારી તેમજ હાલમાં બિહારમાં 2005થી અત્યાર સુધી એટલે કે સાત વર્ષોથી સત્તામાં ભાગીદારીનો સુખ. નીતિશ કુમાર તેમજ તેમનો પક્ષ એનડીએ તેમજ ભાજર રૂપી ડોશી સાથે મળી સતત સત્તા સુખ ભોગવે છે, હવે સવાલ ઉઠે છે જમનો.
આ જમ કોણ છે? આ જમ છે નરેન્દ્ર મોદી. નીતિશ કુમારને ભાજપ અને એનડીએ રૂપી ડોશી સામે કોઈ વાંધો નથી. એ જીવે કે મરે, તેનાથી કોઈ મતલબ નથી. બસ વાંધો છે તો જમ રૂપી મોદી સામે. નીતિશ આ જમનું નામ પડતાં જ તપી જાય છે.
વાંકુ ક્યાં પડે છે?
વાંકુ તો કઈં જ નથી પડતું અને ઘણું બધુ પડે પણ છે. નીતિશ કુમારને ડોશીના આ જમ સામે વાંકુ તો પડ્યું 2002માં થયેલ ગોધરા કાંડ અને તે પછી થયેલ કોમી રમખાણો બાદ. જોકે ગોધરા કાંડ તેમજ રમખાણો 2002માં થયાં, પરંતુ નીતિશને મોદી રૂપી જમ ત્યારે પહેલી વાર નડ્યાં, જ્યારે બે વરસ બાદ 2004માં થયેલ લોકસભા ચુંટણીમાં બાજપાઈ સરકારનું પતન થયું અને નીતિશ કુમારે મંત્રી પદ ગુમાવવું પડ્યું.
ડોશીના ઘરમાં હતાં નીતિશ
હકીકતમાં જ્યારે આ જમ ઊભો થયો, ત્યારે નીતિશ કુમાર ડોશીના ઘરમાં સત્તાસુખમાં મશગૂલ હતાં. હા જી. ગોધરા કાંડ રેલવેની હદમાં થયુ હતું. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસ 6 ડબ્બામાં આગ લાગી અને તેમાં 59 કારસેવકોના મોત થયાં. તે વખતે કેન્દ્રમાં બાજપાઈ સરકાર અને રેલ મંત્રી નીતિશ કુમાર હતાં. ગોધરા કાંડ બાદ જોરદાર રમખાણો થયાં અને મોદીની ચારેબાજુથી ટીકાઓ થઈ, પરંતુ નીતિશ કુમાર રેલ મંત્રી તો બની જ રહ્યાં, પણ તેમનો પક્ષ મે-2004 સુધી એનડીએ રૂપી ડોશીના ઘરમાં મોજ માણતો રહ્યો.
હારનો હાર મોદીના ગળે
લોકસભા ચુંટણી 2004માં જ્યારે એનડીએનો કારમો પરાજય થયો, તો નીતિશ કુમાર અને તેમના પક્ષે હારનો હાર મોદીના ગળે નાંખ્યો. નીતિશ કુમારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ગુજરાતમાં મોદીના કથિત મુસ્લિમ વિરોધી વલણના કારણે દેશમાં મુસ્લિમ મતો એનડીએથી અળગા રહ્યાં અને બાજપાઈ સરકારે હારનો સામનો કરવો પડ્યોં. આ પરાજય બાદ બિહારમાં નીતિશે 2005માં ભાજપ સાથે મળી પ્રથમ વાર પ્રચંડ બહુમતી હાસલ કરી, પરંતુ મોદી સાથે તેમની અદાવત તેમની કથિત મુસ્લિમ વિરોધી છબીના કારણે જળવાઈ રહી. નીતિશ કાયમ ભાજપ-એનડીએ રૂપી ડોશીના ઘરના જમ એટલે કે મોદીથી દૂર ભાગતા રહ્યાં.
મોદીની છબીથી ભયભીત નીતિશ
મોદી અને નીતિશ વચ્ચેનો આ અંતર ક્યારેય ઓછો થતો ના દેખાયો. મોદી એક બાજુ ગુજરાતમાં 2002 તેમજ 2007માં પણ વિધાનસભા ચુંટણીઓ જીતી ગુજરાત ભાજપમાં સર્વેસર્વા બની ગયાં, તો બીજી બાજુ 2009ની લોકસભા ચુંટણીઓ દરમિયાન પણ નીતિશ કુમાર મોદી પ્રત્યે સૂગ ધરાવતા રહ્યાં. અહીં સુધી કે એનડીએની પંજાબ ખાતે યોજાયેલ સભામાં મોદીએ જ્યારે એનડીએના તમામ નેતાઓની જેમ નીતિશનો પણ હાથ પકડી ઉંચો કર્યો, તો નીતિશે ભયભીત થઈ બાદમાં સ્પષ્ટીકરણ આપ્યું કે તેઓ મોદીની નીતિઓની વિરુદ્ધ છે. એટલું જ નહિં મોદી લોકસભા ચુંટણી 2009 કે બિહાર વિધાનસભા ચુંટણી 2005 અને 2010 દરમિયાન ક્યારેય બિહારમાં ભાજપના પ્રચાર માટે ગયાં નહિં.
સર્વોચ્ચ પદની દાવેદારીએ સંઘર્ષ પરાકાષ્ટાએ
મોદી અને નીતિશ વચ્ચે 2004થી શરૂ થયેલ આ સંઘર્ષ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. કારણ છે વડાપ્રધાન પદની ઉમેદવારી અને દાવેદારી. દેશના આ સર્વોચ્ચ લોકતાંત્રિક પદ માટે ભાજપ-એનડીની અંદર ઘમાસાણ મચ્યો છે. ભાજપમાં મોદી વિરુદ્ધ ઉઠનાર સ્વરોની કમી નથી, તો ટેકેદારો પણ ઓછા નથી, પરંતુ એનડીએમાં જો મોદીની ઉમેદવારી-દાવેદારીનો સૌથી મોટો કોઈ વિરોધી છે, તો તે છે નીતિશ કુમાર. આ એવો મુદ્દો છે કે નીતિશ ગુજરાત જ નહિં, પણ બિહાર અને રાષ્ટ્રીય કક્ષાએ પણ ભાજપ સાથે સંબંધ તોડવા તૈયાર છે. એટલે કે જો જમનો સામનો જ કરવો પડે, તો નીતિશ ડોશીના આખા ઘરને ઠોકરે દેવા તૈયાર છે. હવે સૌની નજર ગુજરાત વિધાનસભા ચુંટણીઓ પર છે. 20મી ડિસેમ્બર પછી ઘણું બધું નક્કી થઈ જશે.