હવે પંજાબમાં ઘરે બેઠા જન્મ-મરણ પ્રમાણપત્ર મળશે, સરકાર પ્રકિયા આસાન બનાવશે
પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર રાજ્યના લોકોની સુખાકારી માટે ઘણા ક્રાંતિકારી પગલા ભરી રહી છે. આ ક્રમમાં સરકાર જન્મ-મરણ પ્રમાણપત્ર ઘરે બેઠા મળી જાય તેવી વ્યવસ્થા કરવા જઈ રહી છે.
પંજાબ સરકાર હવે જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર પ્રક્રિયાને સરળ બનાવવા જઈ રહી છે. દરેક હોસ્પિટલ અને સ્મશાનગૃહનો ડેટા અપલોડ કરવા માટે એક મોબાઈલ એપ તૈયાર કરાઈ છે. હોસ્પિટલ, નર્સિંગ હોમ અને મેટરનિટી સેન્ટર જ્યાં કોઈપણ મહિલા બાળકને જન્મ આપે ત્યાં મોબાઈલ એપ પર તમામ ડેટા અપલોડ કરવો ફરજિયાત કરાશે.

આવી જ રીતે સ્મશાન ભૂમિ સાથે જોડાયેલા લોકોએ પણ એપ પર રોજનો ડેટા એન્ટર કરવાનો રહેશે. આ એપને સ્થાનિક સરકાર વિભાગના જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર વિભાગ સાથે જોડવામાં આવશે, જેથી સર્ટિફિકેટ જલ્દી બનાવી શકાય.
જણાવી દઈએ કે આ પ્રયોગમાં દિલ્હી પણ સામેલ છે. જો પંજાબમાં આ પ્રયોગ સફળ થશે તો તેને દિલ્હીમાં પણ લાગુ કરવામાં આવશે. મુખ્ય સચિવ સ્તરે તેની બેઠકો શરૂ થઈ ગઈ છે.
અધિકારીએ જણાવ્યું કે, આ માટે ઘણી બેઠકો યોજવામાં આવી છે. સંબંધિત વિભાગોને મોબાઈલ એપ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. એપ દ્વારા તમામ ડેટા શેર થતાની સાથે જ લોકલ બોડી ડિપાર્ટમેન્ટ સર્ટિફિકેટ સંબંધિત લોકોના ઘરે મોકલી દેશે અથવા તેમના મોબાઈલ પર સર્ટિફિકેટ આવી જશે અને તે પ્રિન્ટ થઈ શકશે. જ્યાં પણ આ ડેટાની જરૂર પડશે તેને ટ્રાન્સફર કરવામાં આવશે.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે ભવિષ્યમાં નવા જન્મેલા બાળકના 18 વર્ષ પૂરા થયા પછી તેનું મતદાર આઈ-કાર્ડ બનાવવાનું હોય તો વિભાગ સીધા સંબંધિતના ઘરે જઈને કરી શકે છે. આવી જ રીતે મૃત્યુ પ્રમાણપત્ર તૈયાર કરવા માટે તમામ સ્મશાનને મોબાઇલ એપ સાથે લિંક કરવામાં આવશે. હાલમાં આ ડેટા રજિસ્ટરમાં નોંધવામાં આવે છે, જ્યાંથી તે સ્થાનિક વિભાગને મોકલવામાં આવે છે.












Click it and Unblock the Notifications
