'ઈન્ડિયા'ના 20 સાંસદ આજે મણિપુરના પ્રવાસે, ગ્રાઉન્ડ રિયાલિટીથી સરકાર અને સંસદને અવગત કરાવશે
વિપક્ષ ગઠબંધન 'ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લૂસિવ અલાયન્સ (I.N.D.I.A)'ના 20 સાંસદ આજે મણિપુરના બે દિવસીય પ્રવાસે જશે. આ સાંસદો મણિપુરમાં હિંસા પ્રભાવિત ક્ષેત્રોની ગ્રાઉન્ડ રિયાલિટીનું આંકલન કર્યા બાદ સમસ્યાઓના સમાધાન વિશે સરકાર તથા સંસદને અવગત કરાવશે

મણિપુર સાથે જોડાયેલી મહત્વની જાણકારી
મણિપુરના પ્રવાસે જઇ રહેલા પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના અધીર રંજન ચૌધરી, ગૌરવ ગોગોઈ અને ફૂલોદેવી નેતામ, તથા જનતા દળ (યૂનાઇટેડ)ના રાજીવ રંજન સિંહ ઉર્ફ લલન સિંહ અને અનિલ હેગડે તથા તૃણમૂલ કોંગ્રેસના સુષ્મિતા દેવ, ઝારખંડ મુક્તિ મોર્ચાના મહુઆ માજી, દ્રમકના કનિમોઈ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પીપી મોહમ્મદ ફૈઝલ, રાષ્ટ્રીય લોક દળના જયંત ચૌધરી, રાષ્ટ્રીય જનતા દળના મનોઝ કુમાર ઝા, રિવોલ્યૂશનરી સોશિયલિસ્ટ પાર્ટીના એન કે પ્રેમચંદ્રન અને વીસીકે પાર્ટીના ટી થિરુમાવલવન સામેલ હશે.
આ ઉપરાંત શિવસેના (યૂટીબી)ના અરવિંદ સાવંત, ભાકપાના સંદોશ કુમાર, માકપાના એએ રહીમ, સમાજવાદી પાર્ટીના જોવદ અલી ખાન, આમ આદમી પાર્ટીના સુશીલ ગુપ્તા, દ્રમુકના ડી રવિ કુમાર અને આઈયૂએમએલના ઈટી મોહમ્મદ બશીર પણ આ પ્રતિનિધિમંડળના ભાગ હશે.
મણિપુર પોલીસના સૂત્રો મુજબ મોરેહ શહેરમાં ભડકેલી હિંસાને ધ્યાનમાં રાખી મણિપુર પોલીસના સશસ્ત્ર જવાનોની એક સંયુક્ત ટીમને લઈ લગભગ 10 બસ બપોરે ઈમ્ફાલથી મોરેહ માટે રવાના થઇ હતી, પરંતુ કાલે સાંજેથી મહિલાઓએ તેમને રોકી રાખ્યા છે. મહિલા રસ્તાઓ પર પ્રદર્શન કરવા બેસી ગઈ છે. જે બાદ સુરક્ષાકર્મીઓને ટેંગ્નોપાલ આસામ રાઇફલ્સ કેમ્પમાં શરણ લેવા મજબૂર થવું પડ્યું. આજ તેઓ મોટલરેહ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે, પરંતુ તમણે પ્રતિરોધનો સામનો કરવો પડી શકે છે.
લોકસભામાં કોંગ્રેસના ઉપ નેતા ગૌરવ ગોગોઈએ મણિપુર હિંસાની ઉચ્ચનત ન્યાયાલયના કોઈ સેવાનિવૃત્ત ન્યાયાધીશ પાસે તપાસની કરાવવાની માંગણી કરી છે. ગોગોઈએ કહ્યું, "મણિપુરમાં જાણે બધું ઠીક હોય તેવી તસવીર ભાજપ રજૂ કરવા માંગે છે, જો કે હિંસા હજી પણ ચાલુ જ છે. માટે અમે ઈચ્છીએ છીએ કે ઉચ્ચતમ ન્યાયાલયના એક સેવાનિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં આ બાબતે તપાસ કરાવવી જોઈએ."
કોંગ્રેસ પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય સૈયદ નાસિર હુસૈને કહ્યું કે, 'ઈન્ડિયા'નું ઘટક દળ મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે શક્ય તમામ પ્રયત્નો કરશે અને તેમના 20 સાંસદો પણ આ કોશિશ અંતર્ગત જ 29-30 જુલાઇએ રાજ્યના હિંસા પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત કરવાની સાથે જ રાજ્યપાલ અનુસુઈયા ઉઈકે સાથે મુલાકાત કરશે. હુસૈને એમ પણ કહ્યું કે પીએમ મોદીએ સંસદમાં નિવેદન આપવું જોઈએ અને મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે એક રૂપરેખા તૈયાર કરવાની જરૂર છે જે સંસદ દ્વારા સામે આવી શખે છે.
દ્રમુકના નેતા ટી આર બાલૂએ કહ્યું, વિપક્ષી પ્રતિનિધિમંડળ શનિવારે સવારે મણિપુર જવા રવાના થશે અને ત્યાં શું ખોટું થયું, કેટલી હદ સુધી જાન-માલનું નુકસાન થયું તેની જાણકારી મેળવશે.
આરએસપીના પ્રેમચંદે કહ્યું કે આ પ્રવાસનું લક્ષ્ય રાજ્યમાં ઘટિત થતી ઘટનાઓ વિશે પ્રત્યક્ષ જાણકારી પ્રાપ્ત કરવી છે. તેમણે કહ્યું, 'હિંસા હજી પણ ચાલુ છે, માટે અમે દરેક પ્રત્યક્ષ રૂપે જાણકારી હાંસલ કરવા માંગશુ તથા લોકસભામાં ચર્ચા પહેલાં સરકાર અને સંસદને સમાધાન માટે અને અમુક ભલામણ કરવા માંગશુ.'
વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા'ના ઘટક દળ મૉનસૂન સત્રના પહેલા દિવસે જ મણિપુરમાં જાતિય હિંસાના મુદ્દે પીએમ નરેન્દ્ર મોદીને સંસદમાં વક્તવ્ય આપવા અને ચર્ચા કરાવવાની માંગ કરી રહ્યું છે. આ મુદ્દે હોબાળાના કારણે બંને સદનમાં કાર્યવાહી બાધિત રહી. કોંગ્રેસે મણિપુર હિંસાના મુદ્દે સંસદમાં ચાલી રહેલ ગતિરોધ વચ્ચે બુધવારે લોકસભામાં સરકાર સામે અવિશ્વાસ પ્રત્તાવ રજૂ કર્યો હતો, જેના પર સદનમાં ચર્ચા માટે મંજૂરી આપી દેવામાં આવી હતી. તે દિવસે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે તેઓ તમામ દળના નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ આ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે તારીખ નક્કી કરશે.
મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહની સરકાર, જેમણે રાજીનામાની માંગ માનવાનો ઈનકાર કરી દીધો છે, તેમણે આ મહિનાના અંત અથવા ઓગસ્ટની શરૂઆતમમાં વિધાનસભા સત્ર બોલાવવાનો નિર્ણય લીધો. આ દરમિયાન રાજ્યમાં હિંસાની સ્થિતિ પર ચર્ચા થશે.
મણિપુરમાં ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસાને કારણે 160થી પણ વધુ લોકોનાં મોત થયાં છે. ઉપરાંત હજારો લોકો બેઘર થઇ ગયા છે. સેંકડો ઘરોને આગના હવાલે કરી દેવામા આવ્યાં. રાહત કેમ્પમાં પણ લોકો ડરના ઓછાયા હેઠળ જીવવા મજબૂર બન્યા છે.
આ દરમિયાન મણિપુરથી સામે આવેતી ભયાનક ઘટનાઓમાંથી એક ભીડ દ્વારા બે મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરાવતો વીડિયો હતો. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને વીડિયોની તપાસ સીબીઆઈ પાસે કરાવવાનું આશ્વાસન આપ્યું.
મણિપુરમાં અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગના વિરોધમાં પર્વતીય જિલ્લામાં ત્રીજી મેના રોજ આયોજિત 'આદિવાસી એકજુટતા માર્ચ' દરમિયાન હિંસા ભડક્યા બાદથી રાજ્યમાં અત્યાર સુધી 160થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે તથા કેટલાય ઘાયલ થયા છે. રાજ્યમાં મેઈતી સમુદાયની વસ્તી 53 ટકા છે અને તેઓ મુખ્ય રૂપે ઈમ્ફાલ ઘાટીમાં રહે છે. જ્યારે નગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મોટાભાગે પર્વતીય વિસ્તારોમાં રહે છે.












Click it and Unblock the Notifications
