કર્ણાટક વિધાનસભામાં સાવરકરની તસવીર લગાવાતા વિપક્ષનો હંગામો
સાવરકરને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે કર્ણાટક વિધાનસભામાં તસવીર લગાવતા વિવાદ થયો છે.
હવે સાવરકરને લઈને કર્ણાટકમાં બબાલ સામે આવી છે. કર્ણાટક વિધાનસભામાં સાવરકરની તસવીર લગાવાતા વિપક્ષમાં રહેલી કોંગ્રેસ આક્રમક જોવા મળી હતી. વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કર્ણાટક વિધાનસભામાં સાવરકરની આ તસવીરનું અનાવરણ કરાયુ હતું. તસવીરનું અનાવરણ કરાયા બાદ કોંગ્રેસે હંગામો કરી વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને માંગણી કરી છે કે, વાલ્મિકી, બસવન્ના કનક દાસ, બી.આર. આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલની તસવીરો મુકવામાં આવે.

આ મુદ્દે વાત કરતા કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ અને ધારાસભ્ય ડીકે શિવકુમારે કહ્યું કે, બીજેપી જાણી જોઈને હંગામો કરે છે. તે ઈચ્છે છે કે વિધાનસભાની કાર્યવાહી ન થાય. આ ફોટો એટલા માટે લાવ્યા છે કારણ કે અમે તેની સામે ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવવાના છીએ, તેમની પાસે વિકાસનો કોઈ એજન્ડા નથી. આ મુદ્દાને ડાયવર્ટ કરવા આ તરવીર લગાવી છે.
બીજી તરફ આ બાબતે જવાબ આપતા કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, વીર સાવરકર આપણા દેશના સ્વાતંત્ર્ય સેનાની છે, સિદ્ધારમૈયાને જ પૂછો કે સાવરકર નહીં તો દાઉદ ઈબ્રાહિમની તસવીર લગાવીએ? તેમણે કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, પહેલાની કોંગ્રેસ અને આજની કોંગ્રેસમાં ઘણો તફાવત છે, આજની કોંગ્રેસ નકલી છે.
અહીં તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ હાલમાં જ મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રા દરમિયાન સાવરકરને ગદ્દાર કહ્યા હતા. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં રેલીને સંબોધિત કરતા સાવરકર પર આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો હતો.












Click it and Unblock the Notifications
