રમેશ બિધુરી સામે વિપક્ષ એકજૂઠ, વિશેષાધિકાર પ્રસ્તાવની કાર્યવાહી શરૂ કરવા માંગ
પોતાના ભડકાઉ અને અલૌકતાંત્રિક નિવેદનો માટે બદનામ બીજેપીના નેતાઓ બકવાસ નિવેદનો કરતા રહે છે. આ ક્રમમાં જ આજે બીજેપી સાંસદ રમેશ બિધુરીએ સંસદમાં જ અસંસદીય શબ્દોનો પ્રયોગ કરતા વિપક્ષે કાર્યવાહીની માંગ કરી છે.
બીજેપી સાંસદ રમેશ બિધુરીની અસંસદીય ભાષા સામે વિપક્ષી INDIA ગઠબંધન સક્રિય થયું છે. ગઠબંધનમાં સામેલ પક્ષોના સાંસદોએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને લોકસભા મહાસચિવને કાર્યવાહી શરૂ કરવા માટે એક પછી એક પત્ર લખ્યા છે.

આ પત્ર કોંગ્રેસ, NCP, TMC અને DMK પાર્ટીઓના નેતાઓએ દક્ષિણ દિલ્હીના બીજેપી સાંસદ રમેશ બિધુરી વિરુદ્ધ કાર્યવાહી માટે લખ્યો છે. આ તમામ પાર્ટીઓ વિપક્ષી ગઠબંધન INDIA માં સામેલ છે. રમેશ બિધુરી પર BSP સાંસદ દાનિશ અલી વિરુદ્ધ લોકસભામાં અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ છે.
લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ બીજેપી સાંસદ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લાંબો પત્ર લખ્યો છે. કોંગ્રેસ સાંસદ અને પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને રમેશ બિધુરી વિરુદ્ધ નિયમો હેઠળ કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
અધીર રંજન ચૌધરીએ પોતાના પત્રમાં દાનિશ અલીને લઘુમતી સમુદાયના નેતા તરીકે પણ સંબોધ્યા છે. તેમણે કહ્યું છે કે, સૌથી શરમજનક બાબત એ છે કે આ ઘટના સંસદના વિશેષ સત્ર દરમિયાન બની છે અને તે પણ ત્યારે મિશન ચંદ્રયાન-3ની સફળતાની ચર્ચા ગૃહમાં થઈ રહી હતી.
અધીર રંજન ચૌધરીએ પત્રમાં લખ્યુ કે, સંસદના ઈતિહાસમાં અને તે પણ સ્પીકરની હાજરીમાં ક્યારેય કોઈ લઘુમતી સમુદાયના સભ્ય વિરુદ્ધ આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
તેમણે સ્પીકરને કહ્યું છે કે જો તમે સંસદના રેકોર્ડમાંથી તે વાંધાજનક શબ્દો હટાવી દીધા છે તેમ છતાં તે મીડિયામાં હાજર છે. તેમણે કહ્યું છે કે આ વિપક્ષ અને લઘુમતી સમુદાય વિરુદ્ધની વિચારસરણી દર્શાવે છે.
તેમણે કહ્યું છે કે, આ બાબત વિશેષાધિકાર સમિતિને મોકલવી યોગ્ય છે અને સંબંધિત સભ્ય સામે શિક્ષાત્મક કાર્યવાહી જરૂરી છે.
બીજી તરફ NCP સાંસદ સુપ્રિયા સુલે અને TMC સાંસદ અપરૂપા પોદ્દારે પણ લોકસભા મહાસચિવને પત્ર લખીને વિશેષાધિકાર પ્રસ્તાવની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી છે.
ડીએમકે સાંસદ કનિમોઝીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને વિશેષાધિકાર પ્રસ્તાવની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. NCP નેતા સુપ્રિયા સુલેએ નિયમ 222ને ટાંકીને ગૃહના વિશેષાધિકારના ભંગનો મુદ્દો ઉઠાવ્યો છે.
તેમણે કહ્યું છે કે આ નિવેદન ખૂબ જ શરમજનક હતું. તેથી વિશેષાધિકાર સમિતિએ આ અંગે વિચાર કરવો જોઈએ.












Click it and Unblock the Notifications
