કોંગ્રેસ દરેક જગ્યાએથી સાફ થઇ ગઇ - નરેન્દ્ર મોદી
બસપા અને સપાવાળા હંમેશા એકબીજાનો વિરોધ કરતા હતા, પરંતુ નોટબંધી બાદ બંન્ને એક જ સૂરમાં બોલવા લાગ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગોંડામાં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે જનસભા સંબોધતા કહ્યું કે, અસત્ય ફેલાવવાનો ખૂબ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ દેશની જનતા ખૂબ સમજદાર છે. મેં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ છેડી ત્યારથી બહુ મોટી તાકાતો દેશને ભ્રમિત કરવાના કામમાં પરોવાયેલી છે. માયાવતી અને મુલાયમ સિંહે સાંસદ અને બહાર બંન્ને જગ્યાએ કહ્યું હતું કે, મોદીજી જે કરવું હોય એ કરો, પરંતુ 7-8 દિવસનો સમય તો આપો.

બસપા અને સપા હંમેશા એકબીજાનો વિરોધ કરતા હતા
"બસપા અને સપા હંમેશા એકબીજાનો વિરોધ જ કરતા, પરંતુ નોટબંધી બાદ બંન્ને એક જ સૂરમાં બોલવા લાગ્યા. તેમણે લોકોને ભ્રમિત કવાની ઝુંબેશ શરૂ કરી, પરંતુ દેશની જનતાએ અમારો પૂરો સાથ આપ્યો."

આવનારા સમયમાં અન્ય પક્ષો પાસે કંઇ નહીં બચે
પીએમ મોદીએ ઓડિશા ચૂંટણી અંગે વાત કરતાં કહ્યું કે, "અહીં ભુખમરો અને ગરીબી છે, પરંતુ લોકોએ ભાજપમાં પોતાનો વિશ્વાસ બતાવ્યો અને ભાજપને એવું જનસમર્થન મળ્યું કે એ જોઇને આખો દેશ ચોંકી ગયો. જો ઓડિશાના ગરીબ લોકો પણ ભાજપ સાથે ચાલી નીકળ્યા તો આવનારા સમયમાં બાકીના પક્ષો પાસે કંઇ નહીં બચે. ગઇ કાલે જ મહારાષ્ટ્રના પરિણામો આવ્યા. ખબર છે એમાં શું થયું, કોંગ્રેસ ક્યાંય દેખાતી જ બંધ થઇ ગઇ, સાફ થઇ ગઇ."

લોકોએ ભાજપને ભરપૂર આશીર્વાદ આપ્યા
"છેલ્લા ત્રણ મહિનાઓમાં જ્યાં પણ ચૂંટણી થઇ ત્યાં લોકોએ ભાજપને ભરપૂર આશીર્વાદ આપ્યા અને ભાજપને જીત અપાવી. જ્યારે ઓડિશાના લોકો ભાજપનું સમર્થન કરે છે, ચંદીગઢના ભણેલા-ગણેલા લોકો ભાજપનું સમર્થન કરે છે ત્યારે અમારી જવાબદારી વધી જાય છે. અમારી પર સત્તાનો નશો નથી ચડતો, અમને જીવ રેડીને કામ કરવાની પ્રેરણા મળે છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ મેં જે લડાઇ છેડી છે, એને હું અધૂરી નહીં મૂકું."

પોલીસ મથક બન્યા છે સપાના કાર્યાલય
"કાનપુરમાં રેલ દુર્ઘટના થઇ, તેમાં કેટલાક લોકો પકડાયા છે. પોલીસ તપાસમાં જે વાત બહાર આવી છે તે એ છે કે, આ એક ષડયંત્ર હતું, જેની રચના કરનાર સીમાને પેલે પાર બેઠા છે. પોલીસ મથકમાં સપાનું કાર્યાલય ચાલે છે, આ અટકવું જોઇએ કે નહીં? પોલીસ મથક જનતાની ભલાઇ માટે છે કે સપા વાળાની દાદાગીરી માટે? ઉત્તર પ્રદેશમાં જો તમારી જમીન પર કબજો કરવામાં આવે કે તમારા પુત્રની હત્યા કરવામાં આવે અને તમે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જાઓ ત્યારે શું તમારી ફરિયાદ નોંધાય છે?"

વન રેન્ક વન પેન્શન
"અમે વન રેન્ક વન પેન્શનનું કામ કર્યું અને બતાવ્યું કે કામ કઇ રીતે કરાય. વન રેન્ક, વન પેન્શનના મુદ્દે વર્ષોથી સૈનિકો હેરાન થતા હતા. ક્યારેક મુલાયમ સિંહ પણ રક્ષા મંત્રી હતા, અત્યારે અખિલેશ યાદવે જેમની સાથે હાથ મિલાવ્યો છે તેઓ પણ 70 વર્ષ સત્તામાં હતા, પરંતુ તેમને ખ્યાલ જ નહોતો કે સેનાનો મુદ્દો શું છે?"

સર્જિકલ સ્ટ્રાઇક
"આપણી સેનાના સૈનિકોએ સર્જિકલ સ્ટ્રાઇક કરી, સીમા પાર જઇ, શત્રુઓના ઘરમાં ઘુસી તેમને દિવસે તારા દેખાડી દીધા. સૈનિકો ગયા અને વીણી-વીણીને સફાઇ કરીને આવી ગયા. દિવસ-રાત રાજકારણમાં રચેલા-પચેલા રહેતાં લોકોને દેશભક્તિનું આ પરાક્રમ નથી સમજાતું. આ તો સેનાનું અપમાન છે, પાકિસ્તાન પણ હજુ સુધી આ મુદ્દે કોઇ સવાલ નથી કરી શક્યું. સેનાના લોકોએ કહ્યું, કે પહેલા જો આવી તક મળી હોત, તો પરિસ્થિતિ કંઇ અલગ જ હોત."













Click it and Unblock the Notifications
