PM Modi US Visit : વડાપ્રધાન મોદીએ આપ્યું વોલ સ્ટ્રીટ જનરલને ઇન્ટરવ્યુ, જાણો મહત્વના મુદ્દા
PM Modi US Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની અમેરિકા યાત્રા માટે નિકળી ચૂક્યા છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં ત્રણ દિવસ રોકાશે અને અલગ અલગ શહેરોમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે.
આ પહેલા વડાપ્રધાન મોદી 6 વખત અમેરિકા જઈ ચુક્યા છે, પરંતુ આ મુલાકાત ખાસ છે. કારણ કે, તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના ખાસ આમંત્રણ પર અમેરિકા જઈ રહ્યા છે. પીએમ મોદી મંગળવારની સવારે લગભગ 7.15 કલાકે પાલમ એરપોર્ટથી રવાના થયા હતા.

અમેરિકા જતા પહેલા વડાપ્રધાન મોદીએ અગ્રણી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ તમામ મુખ્ય મુદ્દાઓ પર પોતાના વિચારો રાખ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ પર એક પ્રશ્નના જવાબમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત શાંતિના પક્ષમાં છે અને શાંતિ ભારતની પ્રાથમિકતા છે.
ચીન અંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ચીન સાથેના દ્વિપક્ષીય સંબંધો માટે LAC પર શાંતિ પુનઃસ્થાપિત કરવી જરૂરી છે. સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવામાં, કાયદાના શાસનનું પાલન કરવામાં અને મતભેદો અને વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણમાં અમારી મૂળ માન્યતા છે. આવા સમયે, અમે ભારત અમારા સાર્વભૌમત્વ અને ગૌરવની રક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર અને પ્રતિબદ્ધ છીએ.
ન્યૂયોર્કની તેમની મુલાકાત દરમિયાન, PM નરેન્દ્ર મોદી નોબેલ પુરસ્કાર વિજેતા, અર્થશાસ્ત્રીઓ, કલાકારો, વૈજ્ઞાનિકો, વિદ્વાનો, ઉદ્યોગસાહસિકો, શિક્ષણવિદો, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો સહિત લગભગ 24 મહાનુભાવોને મળશે.
વડાપ્રધાન મોદી ટેસ્લાના સહ-સ્થાપક એલોન મસ્ક, એસ્ટ્રોફિઝિસ્ટ નીલ ડીગ્રાસ ટાયસન, ગ્રેમી એવોર્ડ વિજેતા ભારતીય-અમેરિકન ગાયક ફાલુ (ફાલ્ગુની શાહ), પોલ રોમર, નિકોલસ નસીમ તાલેબ, રે ડાલિયો, જેફ સ્મિથ, માઈકલ ફ્રોમન ડેનિયલ રસેલ, એલ્બ્રિજ કોલ્બી, ડૉ. પીટર એગ્રે, ડૉ. સ્ટીફન ક્લાસ્કો અને ચંદ્રિકા ટંડન વગેરે સાથે મુલાકાત કરશે.
દિવસ 1, ન્યૂયોર્કમાં યોગ : વડાપ્રધાન મોદી 20 જૂન ISTની રાત્રે ન્યૂયોર્ક પહોંચશે અને એન્ડ્રુઝ એરફોર્સ બેઝ પર ભારતીય અમેરિકનોના જૂથ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે.
પ્રધાનમંત્રી 21 જૂનના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડીસી જશે, જ્યાં રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બાઇડન 21 જૂનની સાંજે ડિનરનું આયોજન કરશે.
દિવસ 2, રાજ્ય સ્વાગત, કોંગ્રેસમાં સંબોધન : PM મોદીનું 22 જૂને વ્હાઇટ હાઉસમાં સ્વાગત કરવામાં આવશે. ભારતીય ડાયસ્પોરાના સભ્યો સહિત એક હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
ઔપચારિક સ્વાગત બાદ પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ સાથે ઉચ્ચ સ્તરીય વાતચીત કરશે. દ્વિપક્ષીય મંત્રણા બાદ પીએમ મોદી 22 જૂને બપોરે કોંગ્રેસના નેતાઓના આમંત્રણ પર કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.
દિવસ 3, સીઈઓ સાથેની મીટિંગ, ડાયસ્પોરા માટે મેગા ઈવેન્ટ : 23 જૂનના રોજ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકન સંયુક્ત રીતે લંચનું આયોજન કરશે. વડાપ્રધાન મોદી સીઈઓ, પ્રોફેશનલ્સ સાથે પણ વાતચીત કરશે. 23 જૂનની સાંજે રોનાલ્ડ રીગન સેન્ટર ખાતે એક મેગા ઈવેન્ટમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. જે બાદ તેઓ ઇજિપ્ત માટે રવાના થશે.












Click it and Unblock the Notifications
