56 ઇંચની છાતીથી નહી, દરિયાદિલીથી ચાલે છે દેશ: પ્રિયંકા ગાંધી
રાયબરેલી, 27 એપ્રિલ: પ્રિયંકા ગાંધીએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ રાયબરેલીમાં એક જનસભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે દેશને ચલાવવા માટે 56 ઇંચની છાતી નહી, દરિયા જેવું દિલ જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ એક રેલીમાં વિકાસ કરવા માટે 56 ઇંચની છાતીવાળું નિવેદન આપ્યું હતું.
પોતાની માતા સોનિયા ગાંધીના મતવિસ્તારમાં પ્રચાર કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 'મને સારી રીતે ખબર છે કે રાયબરેલીના લોકો તો અમારું સમર્થન કરશે જ. પરંતુ આ ચૂંટણી દેશના ભવિષ્યનો ફેંસલો કરશે. ફક્ત એક સાંસદ ચૂંટવાની વાત નથી.' નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે 'દેશ ચલાવવા માટે 56 ઇંચની છાતી નહી, દરિયા જેવું દિલ જોઇએ. સત્તાનો ગુરૂર નહી, નૈતિકતા જોઇએ.' પ્રિયંકા ગાંધીએ આ નુક્કડ સભામાં કહ્યું, આ મહાત્મા ગાંધીનો દેશ છે, દેશની એકતા જાળવી રાખવા માટે વોટ કરો.

આ પહેલાં પણ પ્રિયંકા ગાંધી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરી ચૂકી છે. ભલે પછી તે નરેન્દ્ર મોદી પર અદાણીને ફાયદો પહોંચાડવાનો આરોપ હોય કે પછી મહિલા જાસૂસી કાંડ. પ્રિયંકાએ દરેક મુદ્દાને લઇને નરેન્દ્ર મોદીને કઠેડામાં ઉભા કરી દિધા છે. જેના જવાબમાં ભાજપ દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી.
તાજેતરમાં જ પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદીના ગુજરાત મોડલ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ફક્ત હવા-હવાઇથી કામ નહી ચાલે. લોકોને જણાવવામાં આવે કે આ મોડલમાં ખેડૂતોને કેવી રીતે ફાયદો થશે? મજૂરોની ભલાઇ માટે ગુજરાતમાં કયા-કયા પગલા ભરવામાં આવ્યા. જેના જવાબમાં ભાજપે કહ્યું કે ગુજરાત મોડલ પર સવાલ ઉઠાવતાં પહેલાં પ્રિયંકા એ વાતનો જવબ આપે કે તેમના પતિ રોબર્ટ વાઢેરાનો બિઝનેસ મોડલ શું છે? આર્થિક તંગીના માહોલ હોવા છતાં રોબર્ટ વાઢેરાએ લાખ રૂપિયામાંથી કરોડોની સંપત્તિ કેવી રીતે બનાવી દિધી.












Click it and Unblock the Notifications
