પીએમ મોદી સામે ચૂંટણી લડવા પ્રિયંકા ગાંધી તૈયાર, રાહુલ લેશે અંતિમ નિર્ણયઃ સૂત્ર
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વી યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી, પીએમ મોદી સામે ચૂંટણી લડી શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોંગ્રેસ આ વખતે વારાણસીમાં ઘેરવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વી યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી, પીએમ મોદી સામે ચૂંટણી લડી શકે છે. પ્રિયંકા ગાંધીએ આ અંગે પોતાની સંમતિ પણ દર્શાવી દીધી છે. સૂત્રો અનુસાર પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવા પર અંતિમ નિર્ણય તેમના ભાઈ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી લેશે. જો રાહુલ પ્રિયંકાના વારાણસીથી ચૂંટણી લડવા પર મહોર લગાવી દેશે તો વારાણસીમાં પીએમ મોદીની મુશ્કેલીઓ નિશ્ચિત રીતે વધી જશે. એવામાં અહીં કાંટાની ટક્કર જોવા મળી શકે છે.

‘પ્રિયંકા, મોદી સામે ભિડાવા તૈયાર'
સૂત્રો અનુસાર કોંગ્રેસ વારાણસીમાં પીએ મોદીને આકરી ટક્કર આપવા ઈચ્છે છે. તેને લાગે છે કે આની અસર પૂર્વાંચલ પર પણ થશે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકાએ હાલમાં જ પૂર્વાંચલનો પ્રવાસ કર્યો છે. તેમણે હોડી દ્વારા લોકો સાથે પણ સંવાદ કર્યો છે. આ ઉપરાંત તે પોતાના પ્રવાસમાં વારાણસી પણ જઈ ચૂકી છે. ત્યાં તેમણે કાશી વિશ્વનાત મંદિરના દર્શન પણ કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીની રણનીતિ છે કે જેવી રીતે રાહુલને અમેઠીમાં સ્મૃતિ ઈરાની ઘેરી રહી છે તે રીતે પીએમ મોદીને વારાણસીમાં તગડી ટક્કર આપવામાં આવે. સૂત્રો અનુસાર કોંગ્રેસ સપા-બસપા સાથે વાતચીત કરીને તેમની પાસે આ સીટ પર તેમનું સમર્થન માંગશે.

પ્રિયંકાએ મોદી સામે લડવાના આપ્યા હતા સંકેત
પ્રિયંકા ગાંધીએ ગયા મહિને રાયબરેલીમાં પીએમ મોદી સામે ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા. પોતાના રાયબરેલીના પ્રવાસમાં જ્યારે તે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહી હતી તે દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓએ તેમને ચૂંટણી લડવાની માંગ કરી તો તેમણે કાર્યકર્તાઓને જ પૂછ્યુ હતુ કે શું હું વારાણસીથી ચૂંટણી લડુ? આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે જો પાર્ટી તેમને ચૂંટણી લડવા માટે કહેશે તો તે જરૂર ચૂંટણી લડશે. પ્રિયંકા પૂર્વાંચલની પ્રભારી છે એવામાં યોગી અને મોદીને તેમના ગઢમાં ઘેરવાની તૈયારી હેઠળ આ મોટુ પગલુ હશે.

વર્ષ 2014માં પીએમ મોદીને મળી હતી બંપર જીત
પીએમ મોદીએ વારાણસીથી વર્ષ 2014માં ચૂંટણી લડી હતી જેનો યુપીમાં જબરદસ્ત ફાયદો ભાજપને મળ્યો હતો. પીએમ મોદીએ આ ઉપરાંત પોતાના ગૃહનગર વડોદરાથી પણ ચૂંટણી લડી હતી. વારાણસીમાં પીએમ મોદી સામે દિલ્લીના વર્તમાન સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ઉભા રહ્યા હતા. પીએમ મોદીએ વારાણસીમાં અરવિંદ કેજરીવાલને લગભગ 3 લાખ 70 હજાર મતોથી મ્હાત આપી હતી. નરેન્દ્ર મોદીને કુલ 5,81,022 મતો મળ્યા હતા, બીજા સ્થાન પર અરવિંદ કેજરીવાલને 2,09,238 મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસ ઉમેદવાર અજય રાય 75,614 મતો સાથે ત્રીજા સ્થાન પર રહ્યા હતા અને તે પોતાની જામીન પણ બચાવી શક્યા નહોતા.












Click it and Unblock the Notifications
