પંજાબની માન સરકાર હવે વૃદ્ધોને ચાર્ટર્ડ વિમાનથી કરાવશે તીર્થયાત્રા, લેવાયો આ મોટો નિર્ણય
Punjab News: પંજાબની ભગવંત માન સરકાર હવે વૃદ્ધોને ચાર્ટર્ડ પ્લેન દ્વારા તીર્થયાત્રા કરાવશે. રેલવેએ ટ્રેન આપવાનો ઈન્કાર કરી દીધા બાદ પંજાબ સરકારે આ મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આ અંગે યોજનાની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી છે અને એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ પણ બુક કરાવી દીધુ છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે ટૂંક સમયમાંઆ અંગેની જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે પંજાબ સરકારે ઘણા રૂટ પર ટ્રેનો બુક કરાવી હતી. રેલવેને એડવાન્સ પેમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. યાત્રાળુઓ કેટલીક ટ્રેનો દ્વારા રવાના થઈ ગયા હતા.

જો કે, હવે રેલવેએ કહ્યું કે તેમની પાસે એન્જિનની અછત છે. ત્યારબાદ તેઓએ ટ્રેન આપવાની પણ ના પાડી દીધી. ઉલ્લેખનીય છે કે દિલ્હી બાદ પંજાબમાં 'મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના' અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન દ્વારા 27 નવેમ્બરે ધૂરીથી શરૂ કરવામાં આવી હતી.
'મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના' હેઠળ પંજાબના 60 વર્ષથી વધુ ઉંમરના આર્થિક રીતે નબળા વૃદ્ધોને દેશભરના તીર્થસ્થળોની મફત મુસાફરી પૂરી પાડવામાં આવશે. આગામી ત્રણ મહિનામાં 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓને આ સુવિધાનો લાભ મળશે.
જેમાંથી 13 હજાર શ્રદ્ધાળુઓએ ટ્રેનમાં મુસાફરી કરવાની હતી. દર આઠ દિવસે દોડતી આ 13 ટ્રેનોમાંથી પ્રત્યેક ગાડીમાં એક હજાર મુસાફરોને લઈ જવાના હતા. બાકીના ભક્તોને બસો દ્વારા મુસાફરી કરાવવામાં આવશે અને દરરોજ 10 બસો દોડશે. દરેક બસમાં 43 મુસાફરો હશે.












Click it and Unblock the Notifications
