રાયબરેલી કે વાયનાડ, એક નહીં છોડે તો બંન્ને ગુમાવશે રાહુલ ગાંધી, જાણો શું છે નિયમ?
Rahul Gandhi: નિર્ણયની ઘડી હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ટકી રહી છે. તેમની પાસે આવતીકાલનો એક જ દિવસ બાકી છે. તેમણે રાયબરેલી અને વાયનાડ વચ્ચે એક સીટ પસંદ કરવી પડશે. વાસ્તવમાં રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ બંને લોકસભા બેઠકો પરથી જીત્યા છે.
રાહુલ ગાંધી રાયબરેલીથી 3 લાખ 90 હજાર મતોથી અને વાયનાડથી 3 લાખ 64 હજાર મતોથી જીત્યા હતા. નિયમો અનુસાર રાહુલ ગાંધીએ રાયબરેલી અને વાયનાડમાંથી એક-એક સીટ છોડવી પડશે. ચૂંટણી પરિણામોના 14 દિવસમાં બેમાંથી એક બેઠક ખાલી કરવાનો નિયમ છે.
જો 14 દિવસમાં એક બેઠક પરથી રાજીનામું નહીં આપવામાં આવે, તો બંને બેઠકો ખાલી ગણવામાં આવશે. એટલે કે રાહુલ ગાંધીએ 18 જૂન સુધીમાં રાયબરેલી અથવા વાયનાડમાંથી એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે.
જો કોઈપણ સભ્ય રાજીનામું આપવા માંગે છે, તો તેણે પોતાનું રાજીનામું લેખિતમાં લોકસભાના અધ્યક્ષને સોંપવું પડશે. સભ્યના રાજીનામાના 6 મહિનામાં તે બેઠક પરથી પેટા ચૂંટણી યોજવાની જોગવાઈ છે. રાહુલ ગાંધીના કાર્યાલયે લોકસભા સચિવાલયમાંથી આ અંગેની તમામ માહિતી લીધી છે.

લોકસભાના મહાસચિવ રાજીનામું સ્વીકારે તે પછી તેને લોકસભાના બુલેટિન અથવા ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે, અને તેની એક નકલ ચૂંટણી પંચને મોકલવામાં આવશે. તે પછી, ચૂંટણી પંચ તે બેઠકને ખાલી ગણશે, અને ત્યાં ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાહુલ ગાંધી વાયનાડ સીટ છોડી શકે છે, અને ત્યાં યોજાનારી પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીના નામની અટકળો ચાલી રહી છે, જોકે, તેઓ ત્યાંથી ચૂંટણી લડશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે.
ચૂંટણી પહેલા રાહુલ ગાંધી વાયનાડ સીટથી લોકસભાના સભ્ય હતા. 2024માં તેઓ એ જ સીટ પરથી ફરીથી ચૂંટણી લડ્યા અને જીત્યા છે. તેઓ રાયબરેલીથી પણ જીત્યા હતા, જે ગાંધી પરિવારની પરંપરાગત બેઠક છે.
રાયબરેલી બેઠકનું પ્રતિનિધિત્વ છેલ્લે તેમની માતા સોનિયા ગાંધીએ કર્યું હતું. આ વખતે તેણીએ લોકસભાની ચૂંટણી લડી ન હતી, પરંતુ રાજ્યસભાની સભ્ય બની હતી.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ પોતાના મતદાતાઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેઓ મૂંઝવણમાં છે કે, કઈ સીટ રાખવી અને કઈ છોડવી, પરંતુ જે પણ નિર્ણય લેવામાં આવશે, તે બધાને ખુશી થશે.
જે બાદથી એવી અટકળો શરૂ થઈ હતી કે, તે પ્રિયંકા ગાંધીને વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. કાલપેટ્ટામાં જાહેર સભામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કે સુધાકરણ દ્વારા તેમના નિવેદનની પુષ્ટિ કરવામાં આવી હતી કે, રાહુલ ગાંધી પક્ષના હિતમાં વાયનાડ બેઠક ખાલી કરશે.












Click it and Unblock the Notifications
