'આ કેવો ઘમંડ, સાંસદ પર બની રહેવુ છે, કોર્ટ પણ નથી જવુ', રાહુલ ગાંધીની 'અયોગ્યતા' પર અમિત શાહ

કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીને 'મોદી સરનેમ' મામલે સુરત કોર્ટ દ્વારા દોષી ઠેરવાયા બાદ તેમનુ સાંસદ પદ ખતમ થઈ ચૂક્યુ છે. જો કે, નીચલી અદાલતના આ આદેશને રાહુલ ગાંધી તરફથી ઉપલી કોર્ટમાં પડકારવામાં આવ્યો નથી. વળી, કોંગ્રસ અન્ય વિપક્ષી દળોને એક કરીને કેન્દ્ર સરકારને ઘેરવા માટે સતત બેઠકો અને પ્રદર્શન કરી રહ્યુ છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પલટલાર કર્યો છે. તેમણે રાહુલ ગાંધીના સંસદમાંથી અયોગ્ય ઠેરવાયા બાદ કોર્ટ ન જવાને ઘમંડ ગણાવ્યો છે.
ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યુ કે તેઓ (રાહુલ ગાંધી) સંસદમાં ચાલુ રહેવા માંગે છે પરંતુ કોર્ટમાં જવાની જરૂર નથી સમજતા. અમિત શાહે પૂછ્યું કે આ કેવું અભિમાન છે? રાહુલ ગાંધીએ તેમની સજા સામે અપીલ કરવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી એકમાત્ર એવા રાજનેતા નથી કે જેમણે કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ વિધાનસભાનુ સભ્યપદ ગુમાવ્યુ હોય.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાના શાસન દરમિયાન સીબીઆઈ દ્વારા નરેન્દ્ર મોદીને નકલી એન્કાઉન્ટર કેસમાં ફસાવવા માંગતી હતી. તેમણે કહ્યું કે આ માટે તેમના પર દબાણ કરવામાં આવ્યુ હતુ. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેઓ પોતે રાજ્યના ગૃહમંત્રી હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યુ કે, 'હું કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો શિકાર છુ. શું કોંગ્રેસે અમારી સામે ભ્રષ્ટાચારનો કેસ કર્યો ન હતો? એન્કાઉન્ટર થયુ હતુ. તે સમયે હું રાજ્ય (ગુજરાત)નો ગૃહમંત્રી હતો. સીબીઆઈએ મારી ધરપકડ કરી હતી.'
ન્યૂઝ 18ની કૉન્ફરન્સમાં બોલતા અમિત શાહે વધુમાં જણાવ્યુ હતુ કે, 'ત્યારે અમે તો કાળા કપડા નહોતા પહેર્યા. રમખાણોમાં અમારી ભૂમિકા બદલ અમારી સામે નકલી કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેને આખરે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો. અમે ક્યારેય ઉહાપોહ નહોતો કર્યો. અમે કાળા કપડા પહેરીને સંસદને જામ નથી કરી. મારી ધરપકડ કરવામાં આવી. હાઈકોર્ટે મને 90 દિવસમાં જામીન આપ્યા.'
કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગના આરોપો પર, કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યુ કે ભાજપે 2014ની સામાન્ય ચૂંટણીમાં ભ્રષ્ટાચાર સામે લડવાનુ વચન આપ્યુ હતુ. શાહે કહ્યુ કે આજે લોકશાહીની હત્યાની વાત કરનારાઓની પાર્ટીના શાસન દરમિયાન દેશે લોકશાહીની હત્યા જોઈ છે. એક સમય એવો હતો જ્યારે દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી હતી અને લાખો નિર્દોષ નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
