ભારત માતાની હત્યા કરી છે, તમે દેશભક્ત નહી દેશદ્રોહી છો એટલા માટે વડાપ્રધાન મણીપુર જઈ શકતા નથી: રાહુલ ગાંધી
Rahul Gandhi in Loksabha: લોકસભામાં આજે બીજા દિવસે પણ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલુ છે. આજે સૌથી પહેલા રાહુલ ગાંધીને બોલવાનો મોકો મળ્યો. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં પહેલા ભારત જોડો યાત્રા પર ચર્ચા કરી અને પછી મણિપુરના મુદ્દા પર વાત કરી.
આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. આક્રમક અંદાજમાં આવીને રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુરમાં ભાજપની રાજનીતિએ હિંદુસ્તાનની કતલ કરી છે. વડાપ્રધાન મોદીએ ભારતને બે ભાગમાં વહેંચી દીધું છે.

તેમણે કહ્યુ કે તમે મણિપુરમાં ભારત માતાની હત્યા કરી છે. તમે મણિપુરના લોકોને મારીને ભારતને મારી નાખ્યું છે. તમે દેશદ્રોહી છો. એટલા માટે તમારા વડાપ્રધાન મણિપુર જઈ શકતા નથી. તમારા પીએમએ મણિપુરમાં ભારતને મારી નાખ્યુ છે. તમે ભારત માતાના રક્ષક નથી, તમે ભારત માતાના હત્યારા છો.
રાહુલ ગાંધીએ કહ્યું કે રાવણ બે લોકોની વાત સાંભળતો હતો. મેઘનાદ અને કુંભકર્ણ, એ જ રીતે મોદીજી પણ માત્ર બે જ લોકોને સાંભળે છે, તે છે અમિત શાહ અને અદાણી. હનુમાને લંકા બાળી ન હતી, અહંકારે લંકા બાળી હતી. રામે રાવણને માર્યા નહોતો, તેના અહંકારે તેને માર્યો હતો. તમે આખા દેશમાં કેરોસીન ફેંકી રહ્યા છો. તમે હરિયાણાને બાળી રહ્યા છો. તમે આખા દેશને સળગાવવામાં વ્યસ્ત છો.
સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને વચમાં ટોક્યા અને કહ્યું કે તેમણે સન્માન સાથે બોલવું જોઈએ. તેના પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો કે હું મારી માતાની હત્યાની વાત કરી રહ્યો છું. હું પૂરા આદર સાથે બોલી રહ્યો છું. ભારતીય સેના મણિપુરમાં એક દિવસમાં શાંતિ લાવી શકે છે. પરંતુ તમે તેનો ઉપયોગ કરતા નથી. કારણ કે તમે મણિપુરમાં ભારત માતાને મારવા માંગો છો.












Click it and Unblock the Notifications
