રેલ ગેટ : બંસલના સંબંધીઓની 105 કંપનીઓની તપાસ કરાશે

આ અંગે એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે તમામ રિજનલ ડાયરેક્ટર અને તેમની હેઠળના રજિસ્ટ્રાર્સ ઓફ કંપની (ચંદીગઢ, ચેન્નાઇ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, બેંગલોર અને કોલકત્તા)ને 105 કંપનીઓના ચોપડાઓની ટેકનિકલ તપાસ એક મહિનામાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.
આ પહેલા ભાજપના લીડર અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે આ તમામ કંપનીઓ બંસલના સગા-સંબંધીઓની છે. આ મહિનાના પ્રારંભમાં સીબીઆઇએ બંસલના ભત્રીજા વિજય સાંગલા વિરુદ્ધ રિશ્વત આપવાનો કેસ નોંધતા પવન બંસલે પોતાનું પદ છોડવું પડ્યું હતું.
સોમૈયાએ એમસીએ સેક્રેટરીને 14 મેના રોજ પત્ર લખ્યો હતો. તેમાં આરોપ લગાવવામાં આવ્યા હતા કે આ કંપનીઓના પ્રમોટર બંસલના પરિવારના જ લોકો અને તેમના નજીકના સગા છે. સોમૈયાએ એમ પણ જણાવ્યું કે આ કંપનીઓ અનેક ખોટા અને ગેરકાયદેસર આર્થિક વ્યવહારોમાં સામેલ છે. તેમણે કંપનીઓના ચોપડા તપાસવાની માંગ કરી હતી. ભાજપના નેતાએ સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ પાસે પણ આ કંપનીઓની તપાસની માંગણી કરી હતી.
સોમૈયાએ દાવો કર્યો હતો કે 105માંથી 42 કંપનીઓ બંસલના નજીકના કુટુંબ સભ્યોની છે. તેમાં મિરાજ ઇન્ફ્રા લિમિટેડ અને થિયોન ફાર્માસ્ટુટિકલ્સનું નામ પણ તેમણે આપ્યું હતું અને જણાવ્યું કે આ કંપનીઓ ગેરકાયદેસર આર્થિક વ્યવહારમાં સંડોવાયેલી છે.












Click it and Unblock the Notifications
