ગણતંત્ર દિવસ પર વિવિધ રાજ્યની સાડીઓથી સજાવાશે કર્તવ્ય પથ, 13 હજાર વિશેષ અતિથિ
Republic Day 2024: ભારત 26 જાન્યુઆરી 2024ના રોજ 75મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે. ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને, ઘણી પ્રખ્યાત હસ્તીઓ ઉજવણી માટે ભારતની મુલાકાત લેશે. તેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રૉન પણ સામેલ છે, જે આ વર્ષે ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ હશે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રૉનનો ભારત પ્રવાસ રાજસ્થાનના જયપુરથી શરૂ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 જાન્યુઆરીએ જયપુરમાં તેમનું અભિવાદન કરશે. 26 જાન્યુઆરીએ તેઓ ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેશે.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે માર્ચિંગ અને બેન્ડ ટુકડીઓ તેમજ ફ્રેન્ચ એરક્રાફ્ટ પણ આ પ્રસંગે તેમના ભારતીય સમકક્ષો સાથે જોડાશે. જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે, સમગ્ર ભારતમાંથી લગભગ 13,000 વિશેષ મહેમાનોને પરેડના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
સંસ્કૃતિ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાડીઓને કર્તવ્ય પથ પર પ્રદર્શિત કરવામાં આવશે જેથી લોકોને દેશના પોશાકની વિવિધતાનો ખ્યાલ આવે. તેમાં 1,900થી વધુ સાડીઓ અને પડદા પ્રદર્શિત કરવામાં આવશે.
દેશ 26મી જાન્યુઆરીએ તેના 75માં ગણતંત્રની ઉજવણી કરી રહ્યો છે જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સંસ્કૃતિ મંત્રાલયે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "પ્રજાસત્તાક દિવસ પર આ વર્ષની પરેડની એક વિશેષતા હશે...'અનંત સૂત્ર'ના રૂપમાં ભારતના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાડીઓનું અદભૂત પ્રદર્શન.
દર્શક ગેલેરીના પાછળના ભાગમાં વિવિધ રાજ્યોના વણકરોએ બનાવેલી સાડીઓ પ્રદર્શિત કરવામાં આવશે. ભારતની નારી શક્તિ અને ભારતના કરોડો વણકરોને આ સમગ્ર દેશની શ્રદ્ધાંજલિ હશે. સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું કે 'અનંત સૂત્ર' દ્વારા આ વખતે પ્રજાસત્તાક દિવસના અવસર પર ભારતની એકતા, સદભાવ, સૌહાર્દ અને સર્વસમાવેશકતાનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
'અનંત સૂત્ર' એ ભારતના સાંસ્કૃતિક વૈભવ અને વારસાનું પ્રતીક છે, જે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લાખો વણકરોની કળાનું પ્રદર્શન કરે છે, જેમણે આ વારસાને પેઢીઓ સુધી સાચવી રાખ્યું છે. આ દરમિયાન ગણતંત્ર દિવસની તૈયારીઓને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે 26મી જાન્યુઆરી સુધી દિલ્હી એરપોર્ટ પરથી સવારે અઢી કલાક સુધી કોઈ ફ્લાઈટ ટેકઓફ નહીં થાય અને ન તો કોઈ ફ્લાઈટ અહીં લેન્ડ થશે. દિલ્હી એરપોર્ટ પરથી સવારે 10.20થી બપોરે 12.45 સુધી ટ્રાફિક બંધ રહેશે. મળતી માહિતી મુજબ ગણતંત્ર દિવસની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
