મંત્રીપદની ઓફર વચ્ચે શરદ પવાર બીજેપી પર વરસ્યા, જાણો શું કહ્યું?
હાલમાં જ એનસીપી પ્રમુખ શરદ પવારને મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ બનવાની ઓફર મળી હોવાના અહેવાલ આવ્યા હતા. હવે આ અહેવાલ બાદ શરદ પવાર બીજેપી પર આકરા મુડમાં જોવા મળ્યા હતા.
શરદ પવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, છેલ્લા 8-10 દિવસથી હું સમગ્ર મહારાષ્ટ્રમાં પાર્ટી કાર્યકર્તાઓને મળી રહ્યો છું. બે દિવસ પહેલા સોલાપુરના સાંગોલા વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ ઓછામાં ઓછા 1000 લોકોએ મારી કાર રોકી. પુણે, સતારા અને અન્ય સ્થળોએ પાર્ટીના ઘણા કાર્યકરો મને મળવા આવ્યા. હું આવતીકાલે (ગુરુવારે) બીડની મુલાકાત લઈશ.

અહીં તેમણે બીજેપી પર આકરા પ્રહાર કર્યા. શરદ પવારે કહ્યું કે, દેશની સત્તા ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગીઓના હાથમાં છે. તેની ભૂમિકા સમાજમાં એકતા જાળવવાની છે પરંતુ તે લોકોને વિભાજિત કરી રહ્યા છે. ગોવા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ તેઓએ રાજ્ય સરકારોને કેવી રીતે પાડી તેના ઉદાહરણો છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકાર પડી ભાંગ્યા પછી મહારાષ્ટ્રમાં શું થયું તે બધાએ જોયું છે.
શરદ પવારે કહ્યું કે, મણિપુરમાં સ્થિતિ ચિંતાજનક છે. અમે ઇચ્છતા હતા કે વડાપ્રધાન એકવાર પૂર્વોત્તરની મુલાકાત લે અને ત્યાંના લોકોમાં વિશ્વાસ જગાડે પરંતુ પીએમને તે મહત્વનું ન લાગ્યું. અજિત પવારને મળતાં અંગે તેમણે કહ્યું કે, આ એક પારિવારિક મુલાકાત હતી. હું મીટીંગ વિશે વાત કરવા મીડિયા સામે નથી ગયો.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર, બીજેપીએ શરદ પવારને ઓફર કરી છે કે જો તે 2024માં સાથે આવે તો કૃષિ મંત્રી પદની ઓફર આપી છે. આ સિવાય તેમને નીતિ આયોગના અધ્યક્ષ પણ બનાવવામાં આવી શકે છે.
આ અહેવાલમાં દાવો કરાયો છે કે, તેમની પુત્રી સુપ્રિયા સુલેને કેન્દ્રમાં મોકલવામાં આવશે અને જયંત પાટિલ રાજ્યમાં પાછા જશે. જોકે પવાર ઘણી વખત કહી ચૂક્યા છે કે તેઓ કોઈપણ કિંમતે ભાજપ સાથે નહીં જાય. અહીં તેમણે આ બાબતે કોઈ વાત કરી નહીં.












Click it and Unblock the Notifications
