ગાયક કૈલાસ ખેરે આમ આદમી પાર્ટી માટે રેકોર્ડ કર્યા બે ગીત
નવી દિલ્હી, 11 ઓક્ટોબર : બોલીવુડના જાણીતા ગાયક કૈલાસ ખેરે અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી અને તેની ચળવળને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. આ માટે તેણે આમ આદમી પાર્ટી (આપ) પાર્ટી માટે બે ગીતો પણ રેકોર્ડ કર્યા છે. આત્મા સુધી જેમનો અવાજ પહોંચે છે અને જેમના સંગીતમાં લોકપરંપરાની છાંટ જોવા મળે છે તેવા કૈલાસ ખેરે આ માટે ઇમેઇલ દ્વારા આપનો સંપર્ક સાધ્યો હતો.
આ સંદર્ભમાં પાઠવેલા મેઇલમાં ખેરે લખ્યું હતું કે "એક ગીતના સ્વરૂપમાં આપની ચળવળ તેના હેતુ સુધી પહોંચે તે માટે આ મારું નમ્ર અને પ્રામાણિક યોગદાન છે. તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટી આ ગીતોનો ઇચ્છા મુજબનો ઉપયોગ કરી શકે છે."

નોંધનીય છે કે કૈલાસ ખેર રાજકારણ સાથે સંકળાયા હોય તેવો આ પ્રથમ પ્રસંગ નથી. તેમણે અગાઉ ભારત નિર્માણ જાહેરાત માટે પણ ગીતના સ્વરૂપમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ જાહેરાતમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારની સિદ્ધિગાથા વર્ણવવામાં આવી હતી.
ખેરે જન લોકપાલ બિલની ચળવળ સમયથી અન્ના હઝારેને સમર્થન આપ્યું છે. હવે તેમણે આપના વખાણ કર્યા છે. તેમણે જણાવ્યું છે કે સામાન્ય વ્યક્તિને મજાક બનાવનારા રાજકારણીઓ સામે આમ આદમી પાર્ટીએ શરૂ કરેલી પહેલને મારું સમર્થન છે. આ પાર્ટીએ સામાન્ય માણસને તેમની શક્તિનું ભાન કરાવી તેનું મહત્વ સમજાવ્યું છે.












Click it and Unblock the Notifications
